Business

રેલવે કર્મચારીઓને મોદી કેબિનેટની દિવાળી ગિફ્ટ, 78 દિવસનું બોનસ અપાશે

નવી દિલ્હી: મોદી કેબિનેટે(Modi Cabinet) રેલવે કર્મચારી (Railway Employees) ઓને બોનસ (Bonus) આપવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. 11.27 લાખ રેલ્વે કર્મચારીઓને 1,832 કરોડ રૂપિયાનું ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ આપવામાં આવશે અને મહત્તમ મર્યાદા રૂપિયા 17,951 હશે. આ અંતર્ગત ટ્રેક મેઈન્ટેનર, ડ્રાઈવર અને ગાર્ડ, સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર, કંટ્રોલર, પોઈન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ ‘સી’ સ્ટાફને બોનસ આપવામાં આવશે. કોવિડ-19 પછીના પડકારોને કારણે પ્રતિકૂળ નાણાકીય સ્થિતિ હોવા છતાં બોનસ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે પણ રેલવેએ બોનસ આપ્યું હતું
ગયા વર્ષે રેલવેએ તેના રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપ્યું હતું. રેલવે કર્મચારીને 30 દિવસમાં 7000 રૂપિયાનું બોનસ મળે છે. આવી સ્થિતિમાં, તે કર્મચારીને 78 દિવસ માટે લગભગ 17,951 રૂપિયાનું બોનસ મળશે.

પેટ્રોલિયમ કંપનીઓને મોદી કેબીનેટની મદદ
આ સાથે કેન્દ્રીય કેબિનેટે નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલિયમ કંપનીઓને 22,000 કરોડ રૂપિયાની એક વખતની મદદ આપવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ સહિત એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે પેટ્રોલિયમ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે આ રકમ આપવામાં આવશે.

ગુજરાતમાં કન્ટેનર ટર્મિનલ બનશે
પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ગુજરાતના કંડલામાં દીન દયાલ પોર્ટ ઓથોરિટી હેઠળ કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી પર્પઝ કાર્ગો બર્થ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પર લગભગ 6 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

કેબિનેટે અન્ય કયા નિર્ણયો લીધા?
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે પૂર્વોત્તર રાજ્યોમાં માળખાકીય અને અન્ય સામાજિક માળખાના વિકાસ માટે PM-devINE યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના ચાર વર્ષ (2025-26 સુધી) માટે હશે. તે જ સમયે, તેમણે એ પણ માહિતી આપી કે કેન્દ્રીય કેબિનેટે બહુ-રાજ્ય સહકારી મંડળીઓ (સુધારા) બિલ, 2022 ને મંજૂરી આપી છે, જે બહુ-રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, 2002 માં સુધારો કરવા માંગે છે. જેમાં 97માં બંધારણીય સુધારાની જોગવાઈઓ સામેલ હશે.

Most Popular

To Top