Madhya Gujarat

નડિયાદ નગરપાલિકા અને પશુપાલન વિભાગના સોગંદનામામાં વિસંગતતા

નડિયાદ: નડિયાદ પાલિકા ને પશુપાલન વિભાગના સોગંદનામામાં વિસંગતતાને ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
નડિયાદ પાલિકાની માલિકીના ડમ્પિંગ સાઈટના એક ભાગમાં કસાઈવાડો અને સાથોસાથ ગાયોના કંકાલ અને મૃતદેહો પહેલી ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં દેખાયા હતા. આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ નડિયાદ નગરપાલિકા તંત્રમાં દોડધામ મચી હતી, આ અહેવાલ સાથેના ફોટોગ્રાફ્સ અરજદાર મૌલિકકુમાર શ્રીમાળીએ હાઈકોર્ટમાં ચાલી રહેલી કન્ટેમ્પ્ટ પીટીશનમાં રજૂ કરતા હાઈકોર્ટ ચોંકી ગઈ હતી અને તપાસના આદેશ કર્યા હતા.

પરંતુ પરિસ્થિતિની ગંભીરતા ભાળી ગયેલા નગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પરથી કંકાલો રહેવા દઈ મૃતદેહો ગુમ કરી દીધા હતા. આ અંગે હાઈકોર્ટના આદેશ બાદ પશુપાલન વિભાગના અધિકારીઓએ સ્થળ નિરિક્ષણ કર્યુ હતુ. જેમાં 20-22 દિવસ જૂના કંકાલો જ હોવાનો રીપોર્ટ તૈયાર કર્યો હતો. જે રીપોર્ટ સાથે નડિયાદ નગરપાલિકાએ હાઈકોર્ટની કાર્યવાહીથી બચવા માટે સોગંદનામુ રજૂ કરી, સ્થળ પર કોઈ મૃતદેહ ન હોય અને માત્ર દિવાળી દરમિયાન સફાઈકર્મીઓ શહેરની સફાઈમાં જોડાયા હોય, ત્યાં આવેલા કંકાલો દૂર કરી ન શક્યા હોવાનું જણાવ્યુ છે. નગરપાલિકા અને પશુપાલન વિભાગનું આ સોગંદનામુ તદ્દન વિપરીત છે. કારણ કે, પહેલી ડિસેમ્બરના ફોટોગ્રાફ્સમાં અનેક ગાયોના ચામડી ઉતારી લીધેલા અને કેટલીકના ચામડી સાથેના મૃતદેહો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જેથી કાર્યવાહીથી બચવા માટે નડિયાદ નગરપાલિકાએ ખોટુ સોગંદનામુ રજૂ કર્યુ હોવાનું જણાઈ રહ્યુ છે.

પુરતો પશુઆહાર આપવા સૂચના આપી
પશુપાલન વિભાગે સ્થળ નિરિક્ષણ કર્યુ તેમાં પાલિકાના કમળા પમ્પિંગ સ્ટેશન ખાતેના ઢોરવાડમાં નિરિક્ષણ દરમિયાન પાણીની વ્યવસ્થા પુરતી છે, પરંતુ પશુઆહારની પુરતી વ્યવસ્થા કરવા માટે નગરપાલિકાને સૂચના આપી હતી. નગરપાલિકાએ 2 તારીખ અગાઉ પુરતા પ્રમાણમાં પશુ આહારની વ્યવસ્થા ન કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

દિવાળી પહેલા રોજ દફનાવતા
નડિયાદ નગરપાલિકાના સેનેટરી ઈન્સપેક્ટર મયંક દેસાઈએ જણાવ્યુ છે કે, ડમ્પિંગ સાઈટ પર આસપાસના ગામોમાંથી આવતા મૃત ઢોરોનું સફાઈકર્મીઓ દ્વારા રોજે રોજ દફનાવી નિકાલ કરાતો હતો. જો કે, દિવાળી વખતે નડિયાદ શહેરમાં સફાઈની તાતી જરૂર કર્મચારીઓ શહેરને સ્વચ્છ કરવાની કામગીરીમાં જોડાયેલા હતા. ચીફ સેનેટરી ઈન્સપેક્ટર જો આ સ્પોટ પર રોજ સફાઈ થતી હોવાનું જણાવી રહ્યા હોય, તો ત્યાં જ દેખિતો કસાઈવાડો અને તેના પર ગાયોના ચામડાથી બનેલો ઓટલો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તેનો ઉલ્લેખ ખુદ પશુપાલન વિભાગે કરેલા રીપોર્ટમાં છે. આ સ્પોટ પર કસાઈવાડો નગરપાલિકાના સફાઈ વિભાગના જવાબદાર અધિકારીઓના નાક નીચે ચાલતો હતો? તે સવાલ મહત્વનો બન્યો છે. આ ઉપરાંત જો દિવાળી દરમિયાન પશુઓનો નિકાલ સેનેટરી વિભાગ ન કરી શક્યો હોય તો તે અંગે ચીફ સેનેટરી ઈન્સપેક્ટરે નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખિતમાં કોઈ જાણ કરી છે ખરી? તે પણ મહત્વનો સવાલ બન્યો છે.

પાલિકાએ કંકાલો માટે ગામડાના પશુપાલકો પર જવાબદારી ઢોળી!
નડિયાદ: નડિયાદ નગરપાલિકાએ હાઈકોર્ટમાં કરેલી એફીડેવીટમાં જણાવ્યુ છે કે, નડિયાદથી 20 કિલોમીટરના અંતરે અમુલ ડેરી આવેલી છે. જેના કારણે નડિયાદના ગ્રામ્ય વિસ્તારો પશુપાલન સાથે જોડાયેલા હોય છે અને ડમ્પિંગ સાઈટની આસપાસ આવેલા 5-7 ગામોમાં જો કોઈ પશુપાલકને ત્યાં પશુનું મોત થાય તો તેનો નિકાલ નડિયાદ ડમ્પિંગ સાઈટમાં કરવામાં આવે છે. નડિયાદના કમળા સ્થિત ડમ્પિંગ સાઈટની આસપાસના ચારેક સરપંચો અને આગેવાનો સાથે વાતચીત કરતા તેમણે જ નડિયાદ નગરપાલિકાએ આ એફીડેવીટ થકી જાણે હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા અને કાર્યવાહીથી બચવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારના પશુમાલિકોને મૃતદેહો ફેંકતા હોવાનું જણાવી તેમને આગળ ધરી પોતાનો બચાવ કરવા પ્રયત્ન કર્યો છે. આ સમગ્ર મામલે આસપાસના ગામનો સરપંચ અને અગ્રણીઓ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ કે, પશુમાલિક પોતાના પશુનું ગામ અને ખેતરની જગ્યાઓમાં ખાડો કરી દફનાવી દેતા હોય છે.

આસપાસના 3 ગામના સરપંચોએ ગામમાં જ દફનાવતા હોવાનું જણાવ્યુ
ગામમાં કોઈ પશુનું મૃત્યુ થાય તો સેવાભાવી લોકો જેસીબી બોલાવી પશુમાલિકો દ્વારા ખાડો કરાવી પશુ દાબી દેવામાં આવતા હોય છે, જો કોઈ બિનવારસી પશુનું મૃત્યુ થયુ હોય તો હું ખુદ 500 રૂપિયા ચુકવી કણજરીના વ્યક્તિને બોલાવી મૃતદેહનો નિકાલ કરાવુ છું.
લક્ષ્મણભાઈ ચૌહાણ, સરપંચ, મરીડા
જો પશુમાલિકનું પશુ હોય તે ખેતરમાં કે ગામમાં કોઈ વ્યવસ્થિત જગ્યાએ જે.સી.બી.થી ખાડો ખોદાવી અને પશુને દફનાવી દેતા હોય છે. – પ્રિતેશ પટેલ, સરપંચ, ડભાણ
અમારા ગામમાં કોઈ પશુમાલિકના પશુ જેમાં ગાય કે ભેંસ કે અન્ય પશુનું મૃત્યુ થાય તો, પશુમાલિકો ખાડો ખોદી અને પોતાના પશુઓને દફનાવે છેઃ વસંતભાઈ સોઢા, માજી સરપંચ પતિ, બિલોદરા
અમારા ગામમાં કોઈ પશુનું મૃત્યુ થાય તો ધનજીભાઈ નામનો વ્યક્તિ આ પશુઓને લઈ જાય છેઃ પ્રદીપભાઈ, સરપંચ, યોગીનગર

Most Popular

To Top