SURAT

સુરતની સબરજીસ્ટ્રાર કચેરીનાં દસ્તાવેજો સાથે ચેડા, ગાંધીનગરથી રેકર્ડ મંગાવતા થયો ખુલાસો

સુરત: શહેરના નાનપુરા(Nanpura) ખાતે આવેલી સબરજીસ્ટ્રાર કચેરી(Sub-Registrar’s Office)ના રેકર્ડ રૂમમાં ડુમસ(Dumas), વેસુ(Vesu), ખજોદ(Khajod)ના બે અને સિંગણપોરના એક દસ્તાવેજ સાથે ચેડા થયા હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં સબરજીસ્ટ્રાર દ્વારા નોંધાવવામાં આવી હતી.

  • નાનપુરા અઠવા સબરજીસ્ટ્રાર કચેરીના રેકર્ડ રૂમમાં પાંચ દસ્તાવેજો સાથે ચેડા
  • ગાંધીનગર કચેરીની અને સબરજીસ્ટ્રાર કચેરીની અનુક્રમણિકા-2માં વિસંગતતા જણાઈ આવતા મામલો સામે આવ્યો
  • ડુમસ, વેસુ, ખજોદના બે અને સિંગણપોરના એક દસ્તાવેજમાં ચેડા કરાયા હતા

અડાજણની શાંતિનગર સોસાયટીમાં રહેતા 56 વર્ષીય જયેશકુમાર છગનલાલ ભાટપોરીયા નાનપુરા બહુમાળીમાં અઠવા સબ-રજીસ્ટ્રાર કચેરીમાં સબરજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. તેમના દ્વારા અઠવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સામે રેકર્ડમાં છેડછાડ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કચેરીમાં જુનુ રેકર્ડ નાનપુરા બહુમાળીમાં એ બ્લોકમાં રાખવામાં આવે છે.

ગાંધીનગરનાં નિરીક્ષકને લેખિતમાં અરજી કરાઈ
સંજયભાઈએ ગત 30 માર્ચે ગાંધીનગર ખાતાના વડા નોંધણી સર નિરીક્ષકને લેખિતમાં અરજી કરી હતી. જેમાં ડુમસ, વેસુ, ખજોદના બે અને સિંગણપોરના વર્ષ 1961ના દસ્તાવેજોના રેકર્ડમાં કઈ ખોટુ થયું હોય તેવું લાગે છે. જેથી ખાતાના વડાની કચેરીમાં સ્કેનિંગ કોપી સાથે નકલ આપવા કહ્યું હતું. નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર કચેરીમાં જુના દસ્તાવેજોની નકલો ભૌતિક સ્વરૂપે તથા માઈક્રોફિલ્મમાં રાખી હતી. જેનું રેકર્ડ ડિજિટલાઈઝેશન વર્ષ 2011માં કરાયું હતું તથા ઇન્ડેક્ષ-2ના રેકર્ડનું ડિજિટલાઈઝેશન વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું. આ દસ્તાવેજ નંબરની વિગતો ચકાસવામાં આવી હતી.

ગાંધીનગરનાં અને સુરતના રેકર્ડમાં વિસંગતા જણાઈ
અઠવા સબરજીસ્ટ્રારની કચેરીમાં રહેલી અનુક્રમણિકા-2 તથા નોંધણી ર નિરીક્ષકની કચેરી દ્વારા મોકલેલી અનુક્રમણિકા-2માં મિલકત તથા પક્ષકારોના નામો અલગ જણાઈ આવ્યા હતા. આ દસ્તાવેજોની આજદિન સુધી મામલતદાર કે સિટી સર્વે કચેરીમાં એન્ટ્રી પડી નથી. જેથી દસ્તાવેજના ખરીદનારનું નામ રેવન્યુ રેકર્ડમાં ચઢ્યું નથી. સિંગણપોરની મિલકતના દસ્તાવેજ અંગે વ્યવહાર થયો છે. તેની એન્ટ્રી પડાવવા દસ્તાવેજના ખરીદનાર પક્ષકાર ભગુભાઈ પરાગભાઈ પટેલના વારસદારોએ તકરાર કરી હતી. જેનો કેસ નાયબ કલેક્ટરે નામંજુર કરતા હાલ કેસ કલેક્ટર સમક્ષ ચાલુ છે. ગાંધીનગર કચેરી દ્વારા મોકલેલા દસ્તાવેજના ખરીદનાર લીલીબેન સોંસકીયાની સિટી સર્વેના રેકર્ડમાં એન્ટ્રી પડી છે. એટલે કે ગાંધીનગરથી મંગાવેલા રેકર્ડ અને નાનપુરા કચેરીના રેકર્ડમાં વિસંગતતા જણાઈ આવતા અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top