SURAT

ડિગ્રી માટે બોગસ માર્કશીટ બનાવનાર સુરતની આ કોલેજના સ્ટુડન્ટને કોર્ટે ફટકારી કડક સજા

સુરત: (Surat) કોમર્સના (Commerce) ત્રીજા વર્ષના અભ્યાસમાં એકાઉન્ટના (Account) પેપરમાં નાપાસ થયેલા વિદ્યાર્થીએ ડિગ્રી મેળવવા માટે બોગસ માર્કશીટ તૈયાર કરી હતી. પરંતુ આરોપીનો ભાંડો ફૂટી જતાં તેની સામે ઉમરા પોલીસમાં ફરિયાદ થઇ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને (Accused) તકસીરવાર ઠેરવી 5 વર્ષની સખત કેદની (Prison) સજા અને 3 હજારનો દંડનો (Penalty) આદેશ (Order) કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, આરોપીના કૃત્યથી જે ખરેખર સાચો અને યોગ્ય ઉમેદવાર હોય તે પોતાની નોકરીથી (Salary) વંચિત રહી જાય છે. આવા કેસમાં (Case) આરોપીની સામે દયા રાખી શકાય નહીં.

આ કેસની વિગત મુજબ રાંદેરના સુલતાનીયા જીમખાના પાસે અજમેરી કોલોનીમાં રહેતા મહંમદ યુનુસ ફકીર મહોમદ પટેલ 2001માં નવયુગ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્રીજા વર્ષની એડ્વાન્સ એકાઉન્ટિંગ (Accounting) અને ઓડિટિંગની (Auditing) પરીક્ષામાં (Exam) 140માંથી 54 માર્ક્સ લાવવાના હતા. પરંતુ મહમદ યુનુસના માત્ર 27 માર્ક્સ આવ્યા હોવાથી તેને નાપાસ (Fail) જાહેર કરાયો હતો. ત્યાર બાદ 2004માં મહંમદ યુનુસે ડિગ્રી (Degree) મેળવવા માટે ફોર્મ ભર્યું હતું અને તેમાં 27ની જગ્યાએ 53 માર્ક્સ લખી નાંખ્યા હતા અને નાપાસની જગ્યાએ પાસ (Pass) લખી નાંખ્યું હતું.

આ બાબત યુનિ.ના ધ્યાને આવતાં આરોપીને બોલાવી ખુલાસાની તક આપી હતી, પરંતુ તે હાજર નહીં રહેતાં તેની સામે ઉમરા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ બકુર પરજીયાએ દલીલો કરી બોગસ માર્કશીટ અને યુનિવર્સિટીની સાથે છેતરપિંડી કરનાર આરોપીને વધુમાં વધુ સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. છઠ્ઠા એડિશનલ સિનિયર સિવિલ જજ એ.કે.ભટ્ટે બંને પક્ષની દલીલો બાદ આરોપી મહંમદ યુનુસને તકસીરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ 3 હજારનો દંડ કર્યો હતો.

માત્ર યુનિ.ને નુકસાન નથી, પરંતુ સમાજના હિતને પણ સીધી અસર કરે છે : કોર્ટનું તારણ
કોર્ટે પોતાનો ચુકાદો આપતાં નોંધ્યું હતું કે, જો કોઇ સંજોગોમાં આરોપી બોગસ માર્કશીટના આધારે ડિગ્રી સર્ટિફિકેટ મેળવી કોઇ ઉચ્ચ અભ્યાસ માટે અથવા નોકરી માટે અરજી કરી પસંદગી પામ્યા હોત તેના કારણે બિનલાયક ઉમેદવારને ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મળી જાત અથવા કોઇ સારા સ્થાન ઉપર નોકરી મળી જાત અને ખરેખર લાયક અને યોગ્ય ઉમેદવાર તેનાથી વંચિત રહી જાત, આરોપીનું આ કૃત્ય કોઇપણ સંજોગોમાં અવગણી શકાય તેમ નથી.

આરોપીએ બોગસ માર્કશીટથી ડિગ્રી સર્ટિ. મેળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓ સફળ થયા નથી. જો યુનિ.ના કર્મચારીએ સજાગતા દાખવી ન હોત તો આરોપી પોતાના મનસુબામાં સફળ થઇ ગયા હોત. તેનાથી સમાજને ખૂબ જ મોટું નુકસાન થાય છે. આરોપીનું આ કૃત્ય માત્ર યુનિવર્સિટીને નુકસાન કરતું નથી. પરંતુ સમાજના હિતને પણ સીધી અસર કરે છે. આથી આરોપી વિરુદ્ધનો ગુનો અને તેની ગંભીરતા ધ્યાને લેતાં તેને સરળતાથી અને સહજતાથી લઇ શકાય તેમ નથી. આરોપીને પ્રોબેશનનો પણ લાભ આપી શકાય તેમ નથી, તેમ ટાંકીને આરોપીને પાંચ વર્ષની કેદની સજા અને રૂ.3 હજારનો દંડ કરવામાં આવે છે.

Most Popular

To Top