Surat Main

વિશ્વની ટોચની ડાયમંડ માઈનિંગ કંપની અલરોઝાએ સુરત ડાયમંડ બુર્સ માટે આ કામ કરવાની તૈયારી દર્શાવી

સુરત: (Surat) વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ (Diamond Bourse) એટલે કે સુરત ડાયમંડ બુર્સ (SDB)ના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. 2022ના પ્રારંભમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં બુર્સનું લોકાર્પણ થાય તે પહેલાં વિશ્વની બીજા ક્રમાંકની રફ ડાયમંડની માઈનિંગ કંપનીના 6 અધિકારીઓના ડેલિગેશને SDBના ઓકશન હાઉસની મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી મોટા બુર્સમાં 50,000 સ્કે. ફુટ એરિયામાં ડાયમંડ ઓકશન હાઉસ બનાવવામાં આવ્યું છે. આ ઓકશન હાઉસની અલરોઝાના (AlRoza) પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી છે. અને જો કર માળખું અનુકૂળ હશે તો રશિયાની રફ ડાયમંડ માઈનિંગ કંપની સુરત ડાયમંડ બુર્સના ઓકશન હાઉસમાં રફની હરાજી કરશે.

ખજોદ ખાતે બની રહેલી સુરત ડ્રીમ સિટી પ્રોજેકટના એક ભાગ સ્વરૂપે 66 લાખ સ્કવેર ફિટ એરિયામાં બુર્સ નિર્માણનું કામ 90 ટકા સુધી પૂર્ણ થયું છે. તેમાં ઓકશન હાઉસનો સમાવેશ થાય છે. આજે અલરોઝાના પ્રતિનિધિ મંડળના કંપનીના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરીવ, અલરોઝાના સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ સ્ટેનીસલવ માર્ટેન્સ, અલરોઝા ઈન્ડિયાના ડિરેક્ટર જીમ બી. વિમાદલાલ સહિત 6 લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ડેલિગેશનને ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સમાં બનનાર વિશ્વના સૌથી મોટા ઓક્શન હાઉસને પણ તેમણે જોયું હતું. ઓક્શન હાઉસ જોયા પછી જો રફ ઓકશનના ટ્રેડિંગમાં ટેક્સેશનનું ભારણ નહીં નડે તો સુરતમાં જ રફનું ઓક્શન કરવા માટેની તૈયારી દર્શાવી છે. બતાવી હતી. અલરોઝાના પ્રતિનિધિ મંડળ સાથે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી, એમ.ડી. મથુર સવાણી, કમિટી મેમ્બર સેવંતી શાહ, લાલજી પટેલ, દયાળ વાઘાણી, દિનેશ નાવડિયા, ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં.

2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુતીનની હાજરીમાં સુરત અને મુંબઈની બાર ડાયમંડ કંપનીઓ સાથે અલરોઝાએ વર્ષે 2 બિલિયન યુએસ ડોલરની કિંમતના રફ ડાયમંડ સપ્લાય કરવા માટે કરાર કર્યા હતા. તે પહેલાં મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં ઓકશન હાઉસ તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ, ભારતના ટેક્સ સ્ટ્રકચરને કારણે ઓકશન થઈ શક્યું ન હતું. ફરી એકવાર બંને સરકાર વચ્ચે સંવાદ શરૂ થયો છે. આંકડાઓ પ્રમાણે ભારતમાં આયાત થતી રફમાંથી 40 ટકા રફ રશિયાથી આયાત થાય છે. અત્યાર સુધી સુરતના ડાયમંડ ઉદ્યોગપતિઓએ રફની ખરીદી કરવા માટે રશિયા, દુબઈ, બોત્સવાના, આફ્રિકા સહિતના દેશોમાં જવાની ફરજ પડતી હતી. હવે જો સરકાર ટેક્સમાં રાહત આપે તો સુરતમાં રફ ડાયમંડનું ઓકશન થઈ શકે છે. સુરત ડાયમંડ બુર્સના એમ.ડી. મથુર સવાણીએ જણાવ્યું હતું કે, ‘રફ ડાયમંડ માઈનિંગ કંપની અલરોઝાના 6 વ્યક્તિઓનું ડેલિગેશન ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું હતું. તેમને ડાયમંડ બુર્સમાં બની રહેલા ઓક્શન હાઉસનું તેમણે નીરિક્ષણ કર્યુ હતું તથા સુરતમાં રફનું સીધું ઓકશન કરવા પણ તૈયારી દર્શાવી હતી.

Most Popular

To Top