Comments

જોષીમઠ-ઉત્તરાખંડમાં વિકાસ ઘોર ખોદે છે

ઉત્તરાખંડના ઐતિહાસિક નગર જોષીમઠ ખોટાં કારણોસર ભારત જ નહીં વિશ્વમાં ચર્ચામાં છે. આદિ શંકરાચાર્યે જેની સ્થાપના કરી એ જોશીમઠમાં જે તબાહી આવી પડી છે કે પછી આવવાની છે એ માટે આપણે જ જવાબદાર છીએ. વર્તમાન ભાજપ સરકાર અહીં સતત બીજી વાર ચૂંટાઈ છે પણ એ ય આ પર્યાવરણીય આફત રોકી શકવામાં નિષ્ફળ ગઈ છે કારણ એક, વિકાસની આંધળી દોટમાં આપણે પ્રકૃતિને ભૂલી ગયા છીએ. હાઇડ્રોપાવર પ્રોજેક્ટના કારણે આ સ્થિતિ સર્જાઇ છે અને હજુ ય સરકાર કે સરકારી તંત્ર જાગ્યું નથી. આમ તો આલબેલ છેક 1976માં જ વાગી ગયેલી પણ આપણે કુંભકર્ણ નિદ્રામાં છીએ એટલે જાગી શકતા નથી અને એનું જ આ પરિણામ છે.

ચમોલી જિલ્લામાં આવેલું જોષીમઠ નગર 6150 ફૂટ ઊંચાઈએ હિમાલયની ગોદમાં વસેલું છે. સાઈઠેક હજારની વસ્તી છે અને અહીં રોજગારી માત્ર પ્રવાસનથી જ મળે છે. એકાદ હજાર હોટેલ છે પણ એ ય ઓછી પડે છે કારણ કે અહીં પ્રવાસીઓ વધતાં જ જાય છે. 2019માં 4.9 લાખ પ્રવાસીઓ આવ્યાં હતાં અને 2022માં એ વધી 20 લાખ થયાં  અને એટલાં લોકો માટે અહીં વ્યવસ્થા નથી. સરકાર અહીં દિલ્હી જેવું ઇન્ફ્રાસ્ટ્રકચર ચાહે છે અને હૈદરાબાદ જેવા મોટા રસ્તા. અને એની લ્હાયમાં પર્યાવરણે કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે. 1976માં મહેશચંદ્ર મિશ્રાની આગેવાનીમાં એક સમિતિ રચાયેલી અને આ સમિતિએ સ્પષ્ટ કહેલું કે, અહીં મોટાં બાંધકામો અને ડેમો બાંધવા સલાહભર્યું નથી. એ પછી સુપ્રીમ કોર્ટ , કેન્દ્ર સરકાર , રાજ્ય સરકારની સમિતિઓ પણ બની. આમ છતાં આંધળા વિકાસની દોટ અટકી નથી.

આ રાજ્યમાં 244 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ મંજૂર થયા છે. 39 પ્રોજેક્ટ ચાલુ છે. 36 જેટલા પ્રોજેક્ટનું કામ ચાલે છે અને 180 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. અટલ ટનલ પણ વિવાદમાં આવી છે. આ હાઇડરતો પ્રોજેકટ માટે સરકારી એજન્સીઓએ જે સર્વે કરવા જોઈએ એ ઊંડાણભર્યા કર્યા જ નથી. તપોવન – વિષ્ણુગઢ પ્રોજેક્ટના કારણે જે સમસ્યા થઈ છે એમાં સુરંગો એટલી બધી ફોડવામાં આવી છે કે, મકાનોમાં તિરાડો પડી છે અને પાણી બહાર વહેવા લાગ્યું છે. આ પ્રોજેક્ટ 2006માં શરૂ થયો અને 2013માં પૂરો થવો જોઈતો હતો પણ આજ સુધી અધૂરો જ રહ્યો છે. આ રાજ્ય બન્યા બાદ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ તંત્રનું પુનર્ગઠન થવું જોઈતું હતું એ આજ સુધી થયું નથી અને એનો સ્ટાફ પણ ઓછો છે. હિમાલય પર્વત માંડ અને રોકથી બનેલો છે અને અહીં ભૂકંપ , ભૂસ્ખલનથી માંડી વાદળાં ફાટવાની ઘટનાઓ બનતી રહે છે અને એટલે જ આ વિસ્તારમાં કોન્ક્રીટ – સ્ટીલનો ઉપયોગ ટાળવો જોઈએ પણ એવું બન્યું નથી. આડેધડ બાંધકામો થયાં છે. બીજી બાજુ , અહીં ધાર્મિક પ્રવાસન વધતું જ જાય છે.

ભાજપ સરકાર અહીં બીજી વાર સતત ચૂંટાઈ છે. આવું આ રાજ્યમાં પહેલી વાર બન્યું છે. 2017માં ભાજપને અહીં 70માંથી 57 અને 2022માં 47 બેઠકો મળી. પણ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી હારી ગયા. છતાં ભાજપે એમને મુખ્યમંત્રી બનાવ્યા અને પાછળથી ચંપાવત બેઠકની પેટા ચૂંટણીમાં એ જીત્યા. જોશીમઠમાં  જે બન્યું એ માટે ભાજપ સરકાર જ નહીં, પણ અત્યાર સુધીની બધી સરકારો જવાબદાર છે. પણ છેલ્લા એકાદ દાયકામાં અહીં વિકાસના નામે જે થયું એ ઘાતક નિવડ્યું છે. ધામીઓ બે વાર જોશીમઠની મુલાકાત લઈ ચૂક્યા છે અને બધું બરાબર થઈ જશે એવા દિલાસા આપે છે પણ ત્યાં ભયગ્રસ્ત હોટેલ અને મકાનો પાડવામાં આવી રહ્યાં છે અને લોકો વિસ્થાપિત થયાં છે.

એમને જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં દયનીય સ્થિતિ છે કારણ કે, એક રોમમાં દસ બાર લોકોને સાથે રાખવામાં આવે છે. લોકો વન ટાઇમ સેટલમેન્ટ માંગે છે પણ સરકારે હજુ વળતરનાં ધોરણો જ નક્કી કર્યાં નથી અને રાજનેતાઓ અહીં આવે છે ને જાય છે.  આ નગર જાણે આપદા પર્યટન બની ગયું છે. સવાલ એ છે કે, જોશીમઠના અસ્તિત્વનું શું? સરકાર આ સમસ્યા કઈ રીતે નિવારવા માંગે છે. અત્યારે તો અંધારામાં તીર છોડાઈ રહ્યાં છે. ખતરાની ઘંટી વાગી ગઈ છે એ સાંભળવી રહી.
કૌશિક મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top