Columns

માણસની પરેશાનીઓનાં કારણ

એક માણસ પાસે આમ તો જીવન જીવવા માટે જરૂરી બધું જ હતું. ઘર ,પરિવાર , નોકરી ,બે બાળકો …રોટી -કપડાં -મકાન બધું જ હતું,  છતાં તે માણસ દુઃખી હતો…પરેશાનીઓથી ઘેરાયેલો હતો.તેનો પત્ની સાથે નાના ઘર કે ઘરેણાં કે અન્ય કોઈ બાબતે ઝઘડો થતો જ રહેતો …માતા પિતા તેનાથી ખુશ ન હતાં ..બાળકોની માંગો વધતી જ રહેતી…નોકરીમાં પણ હરીફાઈના કારણે વધુ ને વધુ કામ કરવું પડતું …બીજાં કામ પણ તે વધુ પૈસા કમાવા માટે ગોતતો રહેતો અને એટલે આમ બધું હોવા છતાં પોતાનું જીવન તેને પરેશાનીઓથી ભરેલું લાગતું. એક દિવસ તે એક સંત પાસે ગયો અને તેમનાં ચરણોમાં નમન કરી કહેવા લાગ્યો, ‘બાપજી, મને બચાવો ..હું ચારે બાજુથી પરેશાનીઓથી ઘેરાઈ ગયો છું..હવે શું કરવું મને સમજાતું નથી.

મને લાગે છે કે આ પરેશાનીઓ મારો જીવ લઈને રહેશે..’સંત બોલ્યા, ‘ભાઈ, શાંત થા …જીવન અતિ મૂલ્યવાન છે. એમ કંઈ પરેશાનીઓથી ડરીને જીવ ન આપી દેવાય …શું તકલીફ છે મને કહે શું પૂરતું ભોજન નથી મળતું …શું કામ ધંધો નથી…શું રહેવા માટે ઘર નથી …શું બાળકો નથી …શું પત્ની છોડી ગઈ છે …શું તકલીફ છે તે જણાવ તો હું કોઈ માર્ગ દેખાડી શકું.’માણસ બોલ્યો, ‘બાપજી, નોકરી તો સારી છે ,નાનું ઘર ને પરિવાર પણ છે….’સંત હસ્યા અને બોલ્યા તો શું તકલીફ છે.માણસે પોતાની પરેશાનીઓનું લીસ્ટ ગણાવ્યું.સંત ફરી હસ્યા અને બોલ્યા, ‘અચ્છા આ તો લાલચ અને ઉતાવળની તકલીફ છે.જીવનમાં સંતોષ અને ધીરજ નથી તેની તકલીફ છે…’માણસને કંઈ સમજાયું નહિ,તેણે કહ્યું, ‘બાપજી, આપ શું કહો છો કંઈ ખબર પડતી નથી.’સંત બોલ્યા, ‘ભાઈ, માત્ર તારી જ નહિ, તારા જેવા અનેક માણસોના જીવનમાં અનેક તકલીફો અને પરેશાનીઓ છે પણ તેનાં મૂળભૂત બે જ નકામાં કારણો છે.

એક તો દરેક માણસ લાલચુ છે અને તેને ભાગ્ય પ્રમાણે જે મળ્યું છે તેનાથી સંતોષ નથી. તે ભાગ્યથી વધુ જ મેળવવા માંગે છે એટલે કયારેય સંતુષ્ટ થતો નથી અને દુઃખી રહે છે.બીજું કારણ છે તેને જે જોઈએ છે તે તરત જ ,હમણાં જ ..સમયથી પહેલાં જોઈએ છે અને ન મળે તો તે ધીરજ રાખી શકતો નથી અને દુઃખી દુઃખી થઇ જાય છે અને પોતાના જીવનને અનેક પરેશાનીઓથી ઘેરાયેલું માની લે છે.જો માણસ હંમેશા સંતોષ અને સ્વીકાર રાખે તો જે મળે ..જે હોય તેમાં સુખી થઈ શકે છે અને ધીરજ રાખી મહેનત કરે તો સમય આવ્યે જે જોઈએ તે મેળવી શકે છે.’સંતે માણસને તેની પરેશાનીઓનાં કારણ સમજાવ્યાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top