National

આ વખતે ચોમાસુ સામાન્ય રહેશે, જૂનમાં અપુરતો વરસાદ થશે: હવામાન ખાતું

નવી દિલ્હી: (New Delhi) ઉત્તર પશ્ચિમી વિસ્તાર સિવાય, આ વખતે અલ-નીનો (El Nino) પરિબળની હાજરી છતાં ભારતમાં ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદ થશે એમ હવામાન કચેરીએ આજે જણાવ્યું હતું. અલબત્ત, જૂનમાં દક્ષિણ કર્ણાટકા અને ઉત્તરીય તમિલનાડુ જેવા દ્વિપકલ્પીય પ્રદેશમાંના કેટલાક પોકેટ્સ, રાજસ્થાન અને લડાખ સિવાય દેશના મોટા ભાગના વિસ્તારોમાં જૂનમાં અપૂરતો વરસાદ થશે એમ ભારતીય હવામાન વિભાગે આ ઋતુ માટેની તેની લોંગ રેન્જ આગાહીના તેના અપડેટમાં જણાવ્યું છે.

  • આ વખતે ચોમાસુ સામાન્ય રહેશે, જૂનમાં અપુરતો વરસાદ થશે: હવામાન ખાતું
  • દેશના મોટા ભાગના વિસ્તારોમાં લાંબા ગાળાની સરેરાશના ૯૬ ટકા વરસાદ થવાની આગાહી
  • પેસિફિક મહાસાગરમાં અલ-નીનો સર્જાય તેવી ઘણી શક્યતા છે પરંતુ હિંદ મહાસાગરમાં પોઝિટિવ ડાઇપોલની સ્થિતિ સર્જાશે જે અલ-નીનોની વિપરીત અસરને નિષ્ફળ બનાવશે
  • જૂન મહિનામાં ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ અપુરતો રહેવાની શક્યતા

હવામાન કચેરીએ એમ પણ જણાવ્યું છે કે વિષુવવૃતિય પેસેફિક મહાસાગરની ગરમ થવાની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે અને અલ-નીનો પરિબળ સર્જાય તેવી ૯૦ ટકા શક્યતા છે, જે પરિબળ ભારતમાં ચોમાસાના વરસાદ પર અસર કરવા માટે જાણીતું છે. જો કે હિંદ મહાસાગરમાં એક પોઝિટિવ ડાઇપોલની સ્થિતિ આ ચોમાસુ ઋતુ દરમ્યાન સર્જાશે જે અલ-નીનોની વિપરીત અસરને ખાળશે અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ લાવશે એમ પણ જણાવાયું છે. જો કે આ બાબત ઉત્તર પશ્ચિમ ભારતની બાબતમાં બનશે નહીં એમ હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ઉપરના અભિગમ મુજબ ભારતીય હવામાન વિભાગે દેશ માટે સામાન્ય ચોમાસાની તેની આગાહી જાળવી રાખી છે, જેમાંથી ઉત્તર પશ્ચિમી પ્રદેશને બાકા રાખવામાં આવ્યો છે જેમાં રાજસ્થાન, હરિયાણા અને પંજાબનો સમાવેશ થાય છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં વરસાદ લાંબા ગાળાની સરેરાશના ૯૬ ટકા જેટલો થશે , જેમાં ચાર ટકાનું એરર માર્જીન રહેશે. હવામાન ખાતુ સામાન્ય રીતે ૦ વર્ષની સરેરાશ ૮૭ સેમીના ૯૬થી ૧૦૪ ટકા વચ્ચેના વરસાદને સામાન્ય વરસાદ ગણાવે છે.

ભારતમાં સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસુ કેરળમાં પહેલી જૂને શરૂ થાય છે જેને દેશમાં ચોમાસુ શરૂ થવાની સત્તાવાર તારીખ ગણવામાં આવે છે. કેરળથી ચોમાસુ ધીમે ધીમે આગળ વધે છે. જો કે આ વખતે કેરળમાં ચોમાસુ ચોથી જૂને શરૂ થવાનો, એટલે કે મોડું શરૂ થવાનો પણ અંદાજ છે. ગયા વર્ષે કેરળમાં ચોમાસુ ૨૯મી જૂને બેસી ગયું હતું પરંતુ બાદમાં તે અનિયમિત થઇ ગયું હતું.

Most Popular

To Top