National

દિલ્હીમાં વરસાદી કહેર યથાવત: વરસાદના પાણીમાં ડૂબી જવાથી 3 બાળકોનું થયું મોત

દિલ્હી: દિલ્હીમાં (Delhi) યમુનાનું (Yamuna) જળસ્તર ભલે ઘટી રહ્યું હોય, પરંતુ દિલ્હીમાં (FloodInDelhi) સંકટ હજુ પણ યથાવત છે.  દિલ્હીમાં વરસાદને (Rain) કારણે પાણી ભરાઈ જવાને કારણે શુક્રવારે મુકુંદપુર ચોકમાં મોટો અકસ્માત થયો હતો. અહીં વરસાદના પાણીમાં નહાવા ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત (death) થયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ મુકુંદપુરમાં એક મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. તેમાં આ બાળકો ન્હાવા ગયા હતા. ડૂબતા બાળકોને બચાવવા માટે એક કોન્સ્ટેબલે પાણીમાં કૂદી પણ પડ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં બાળકોના મોત થઈ ચૂક્યા હતા.

આ મામલે એસટીઓ રામ ગોપાલે જણાવ્યું કે જ્યારે અમારું પેટ્રોલિંગ યુનિટ પરત આવ્યું ત્યારે લોકોએ કહ્યું કે મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર ત્રણ બાળકો ખાડામાં ડૂબી રહ્યા છે. તેઓને બહાર કાઢીને BJRM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા. ત્રણ બાળકોની ઓળખ 13 વર્ષીય પીયૂષ, 10 વર્ષીય નિખિલ અને 13 વર્ષીય આશિષ તરીકે થઈ છે. તમામ જહાંગીર પુરીના એચ-બ્લોકના રહેવાસી હતા.

બીજી તરફ છેલ્લા ચાર દિવસથી યમુનાના જળસ્તરમાં રેકોર્ડબ્રેક વધારાથી દિલ્હીના લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પાણીનું સ્તર હવે ઘટી રહ્યું હોવા છતાં, સંકટ હજુ પણ યથાવત છે. ભારે વરસાદ બાદ દિલ્હીમાં યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. નદીનો પ્રવાહ યથાવત છે. યમુનાનું જળસ્તર વધવાને કારણે ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

દિલ્હી સરકારે જણાવ્યું કે તમામ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ, I&FC વિભાગ, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દિલ્હી પોલીસ અને અન્ય વિભાગો પૂરને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. સંકલન સતત કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં NDRFની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRF દ્વારા અત્યાર સુધીમાં 4346 લોકો અને 179 પશુધનને બચાવવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારોને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ વિશે લોકોને માહિતગાર કરવા માટે સતત જાહેરાતો કરવામાં આવી રહી છે. આવી દરેક જગ્યાએ પોલીસકર્મીઓ અને સીડીવી તૈનાત કરીને સલાહ આપવામાં આવી રહી છે. લોકોને નદીના પાણીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top