Vadodara

ડેબિટ અને ક્રેડિટ કાર્ડના કલોનિંગથી સાયબર ક્રાઈમમાં વધારો, આ રીતે લોકો બની રહ્યા છે શિકાર

વડોદરા : આધુનિક યુગમાં ઇલેટ્રોનીક ઉપકરણોનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાવધાની એટલી જ જરુરી બની છે. કારણકે ડેબીટ-ક્રેડીટ કાર્ડ કલોનિંગ દ્વારા સાયબર ફ્રોડસનાં ગુન્હા વધી રહ્યા છે તેથી એટીએમ તેમજ અન્ય કાર્ડ કોઇપણ સ્થળે સ્વાઇપ કરતા પહેલા સાવચેતી જાળવવી જરુર છે.

રોજીંદા જીવનમાં જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેમ નાણાકીય વ્યવહારો માટે પણ લોકો દ્વારા ઓનલાઇન અને કેશલેસ પઘ્ધતિનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ડિમોનેટાઇઝેશન બાદ અને હાલ લોકડાઉનના સમયમાં ઓનલાઇન નાણાકીય વ્યવહારો વધુ સગવડભર્યા સાબિત થયા છે. દેશમાં લોકો દ્વારા ઓનલાઇન ટ્રાન્જેકશન માટે યુપીઆઇ બાદ ડેબીટ/ક્રેડીટ કાર્ડનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

આ સમયે સાઇબર ક્રિમિનલ્સ દ્વારા કાર્ડ કલોનિંગ વડે થતા છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે. જેમાં કાર્ડ લોકો પાસે હોવા છતાં તેમના બેંક એકાઉન્ટમાંથી નાણાની ઉચાપત થઇ શકે છે.સાઇબર ક્રિમિનલ્સ દ્વારા કાર્ડ કલોનિંગ માટે સ્કીમર ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે એટીએમ મશીનમાં મશીનનાં એકચુઅલ કાર્ડ રીડર ઉપર આ સ્કીમર ડિવાઇસ ફીટ કરવામાં આવે છે. આ ડિવાઇસ દેખાવમાં એટીએમના કાર્ડ રીડર સમાન હોય છે જેથી પ્રથમ નજરે તેમાં ભેદ પારખવો મુશ્કેલ છે. આ સ્કીમર ડિવાઇસની મદદથી કાર્ડના મેગ્નેટીક સ્ટ્રીપમાં રહેલ ડેટા કોપી કરવામાં આવે છે.

આ ઉપરાંત સાઇબર ક્રિમિનલ્સ દ્વારા એટીએમ મશીનના ન્યુમેરીક કી-પેડના ઉપરના ભાગમાં અથવા મશીનની આસપાસ પીન હોલ કેમેરા છુપાવવામાં આવે છે. જેના વડે યુઝર દ્વારા ટાઇપ કરવામાં આવતા પીન નંબર પણ આસાનીથી મેળવી લે છે. માત્ર એટીએમ જ નહી પરંતુ પેટ્રોલ પંપ, હોટેલ-રેસ્ટોરન્ટ, મોલ્સ વગેરે સ્થળો પર પણ કાર્ડ કલોનિંગનો ખતરો યથાવત છે. યુઝર જયારે પીન ટાઇપ કરે ત્યારે તેમનો પીન નંબર નોંધી લેવામાં આવે છે. આ રીતે પેટ્રોલ પંપ, હોટેલ-રેસ્ટોરન્ટ, મોલ્સ વગેરે સ્થળો પર લોકો કાર્ડ કલોનિંગ દ્વારા છેતરપીંડીનો શિકાર બને છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top