Columns

‘મેરે અંદર એક જલ્લાદ હૈ…’, કાચબાને વીંછીનો “ડાર્લિંગ”ડંખ

આલિયા ભટ્ટ, શેફાલી શાહ અને વિજય વર્માના શાનદાર અને જાનદાર અભિનયથી સોહામણી બનેલી ફિલ્મ “ડાર્લિંગ્સ”માં એક દ્રશ્ય છે. બદરુનિસ્સા ઉર્ફ બદરુ (આલિયા) અને તેની માતા શમશુનિસ્સા ઉર્ફ શમશુ (શેફાલી) શરાબી હમઝા (વિજય)ના અત્યાચારથી થાકીને તેને પોલીસમાં પકડાવી દે છે, ત્યારે કસ્ટડીમાં મળવા ગયેલી બદરુને હમઝા કહે છે, “સોચો, મૈં પ્યાર નહીં કરતા તો મારતા કયું? તુમ પ્યાર નહીં કરતી તો સેહેન કયું કરતી?”ઘરેલુ હિંસાને સર્વત્ર લગભગ આ જ ઘટિયા તર્ક દ્વારા ઉચિત ઠેરવવામાં આવે છે; પોતાના હોય તેને જ મારે ને, અજાણ્યાને કોઈ મારે? હમઝા તેના હિંસક વ્યવહારનો દોષ દારૂ પર નાખે છે અને બદરુની સહનશક્તિ માટે પ્રેમને શ્રેય આપે છે!

બદરુ જયારે હમઝાની વાતોમાં ભોળવાઈ જાય છે, અને પોલીસ ફરિયાદ પાછી ખેંચવા તૈયાર થઇ જાય છે, ત્યારે ‘જમાનાની ખાધેલી’ માતા શમશુ દીકરીને સમજાવે છે કે તું હમઝાના હૃદય પરિવર્તન પર ભરોસો ન કરીશ, એ તેની હરકત છોડશે નહીં. શમશુ પછી દીકરીને કાચબા અને વીંછીની વાર્તા કહે છે: એક વીંછી કાચબા પાસે જઈને કહે છે કે તું મને તારી પીઠ પર બેસાડીને નદીના પૂરમાં પાર લઈ જઈશ? ત્યારે કાચબો કહે છે કે હું તને નહીં લઇ જાઉં, કારણ કે મને ખબર છે કે તું નદીમાં અડધે જઈને મને ડંખ મારીશ. વીંછી કહે છે કે હું એવું થોડું કરું? આપણે બેઉ પૂરમાં મરી ન જઈએ? કાચબાને વાતમાં વિશ્વાસ પડે છે અને તે વીંછીને પીઠ પર બેસાડીને નદી પાર કરવા લઇ જાય છે. અધવચ્ચે ગયા પછી એવું જ થાય છે, જેની કાચબાને શંકા હતી. વીંછી તેને ડંખ મારી દે છે. કાચબો અસહાય બંનેને વીંછીને પૂછે છે કે તેં આવું કેમ કર્યું, હવે આપણે બેઉ નહીં બચીએ, ત્યારે વીંછી કહે છે કે હું શું કરું, ડંખ મારવો એ મારો સ્વભાવ છે, હું જાતને રોકી ન શક્યો!

એવું જ થાય છે. હમઝા તેની વૃતિથી મજબૂર છે અને પોલીસમાંથી છૂટીને ઘરે આવ્યા પછી ફરીથી બદરુને યાતના આપવાનું શરુ કરી દે છે. ફિલ્મમાં બદરુ કાચબો છે અને હમઝા વીંછી. એમાં બોધપાઠ એ છે કે વીંછીની જેમ માણસમાં પણ ઝેર હોય છે, અને તે તેના હિતમાં નથી એવી ખબર હોવા છતાં અમુક માણસો ડંખ મારવાની વૃતિ પર નિયંત્રણ રાખી શકતા નથી. એમાં બીજી શીખ એ છે કે માણસનું બાહ્ય આચરણ ગમે તે હોય, અંદરથી તે કેવો છે તેના આધારે જ તેનું મૂલ્યાંકન થાય.

કાચબો અને વીંછીની વાર્તા પ્રાણીઓની જગ પ્રચલિત નીતિકથાઓ પૈકીની એક છે. વીસમી સદીની શરૂઆતના રશિયન સાહિત્ય મારફતે આ વાર્તા લોકપ્રિય થઇ હતી. વિકિપીડિયા અનુસાર, 1933માં લેવ નિટોબર્ગ નામના રશિયન લેખકની “ધ જર્મન ક્વાર્ટર”નામની નવલકથામાં પહેલી વાર આ વાર્તાનો ઉલ્લેખ હતો. તે પછી 1944માં આવેલી મધ્ય સોવિયત પરની નવલકથા “ધ હન્ટર ઓફ પામિર્સ”આ વાર્તા આવે છે.

એ પહેલા, 19મી સદી ફારસી વાર્તાઓના સંગ્રહ “અન્વાર સોહેલી”માં પણ કાચબા અને વીંછીની એક વાર્તા છે. “અન્વાર સોહેલી” આમ તો સંસ્કૃત પંચતંત્રની વાર્તાઓનો અનુવાદ છે, પરંતુ પંચતંત્રમાં કાચબા અને વીંછીની કોઈ વાર્તા નથી, એટલે અભ્યાસુઓ માને છે કે એક ફારસી વિધાર્થી હુસેન કાશિફીએ આ વાર્તાને સંગ્રહમાં સામેલ કરી હોવી જોઈએ. જગતમાં ઇસપના નામથી લોકપ્રિય ગ્રીક દંતકથાઓમાં પણ આવી કોઈ વાર્તા નથી, એટલે તેનો ઉદય ગ્રીકમાં થયો હોવાનો પણ કોઈ આધાર નથી.

ઇસુ પૂર્વે 620ની આસપાસની ઇસપની વાર્તાઓમાં પણ પ્રાણીઓનો આધાર લઈને બોધકથાઓ ઘડવામાં આવી હતી. જોકે ઇસપમાં “ખેડૂત અને સાપ”અને “દેડકો અને ઉંદર”ની વાર્તાઓ છે, જેમાં વિશ્વાસ અને વિશ્વાસભંગનો એ જ સૂર છે જે “કાચબા અને વીંછી”ની વાર્તામાં છે. આધુનિક અંગ્રેજી દર્શકોને આ વાર્તાનો પહેલો પરિચય થયો મશહુર અમેરિકન નિર્માતા, નિર્દેશક, લેખક ઓર્સોન વેલ્સની 1955માં આવેલી ફિલ્મ “મિ. અર્કાદિન”થી. આમ તો સ્પેનિશ ભાષામાં હતી અને મૂળ સ્પેનમાં રિલીઝ થઇ હતી, પરંતુ અંગ્રેજીમાં તે “ધ કોન્ફિડેન્શ્યલ રિપોર્ટ”નામથી રિલીઝ થઇ હતી. ફિલ્મમાં ઓર્સોન વેલ્સે ગ્રેગરી અર્કાદિન નામના એક ખંધા રશિયન બિઝનેસમેનની ભૂમિકા કરી હતી.

તેમાં તે દાવો કરે છે કે તે પોતાનો ભૂતકાળ ભૂલી ગયો છે. તેને ડર છે કે તેનો ભૂતકાળ બદનામ છે અને તેની દીકરીને તેની ખબર પડવી ન જોઈએ. એટલે તે તેના જીવનનાં 1927 પહેલાંના કામોની વિગતો એકઠી કરીને તેની એક ફાઈલ બનાવવાનું કામ ગાય વાન સ્ટ્રાટેન નામના એક અમેરિકન દાણચોરને સોંપે છે. સ્ટ્રાટેન ખોંખાખોળા કરીને અર્કાદિનનો ભૂતકાળ ખોદે છે. એમાં ખબર પડે છે કે તેણે ગોરા લોકોની એક ગેંગના સભ્ય તરીકે શરૂઆત કરી હતી અને અનેક લોકોને બરબાદ કર્યા હતા. એમાં થાય છે એવું કે સ્ટ્રાટેન જેમ-જેમ અર્કાદિનના ગુનાઓ અને પીડિતોની માહિતી કાઢે છે, તેમ-તેમ અર્કાદિનના ગુંડાઓ એવા લોકોનો સફાયો કરતા જાય છે, જેથી તેમના બોસને કોઈ ફસાવે નહીં. જેમનો સફાયો કરવાનો છે તેવા લોકોની યાદીમાં સ્ટ્રાટેનનું નામ પણ છે!

ફિલ્મની અધવચ્ચે અર્કાદિન ( “ડાર્લિંગ્સ”ની શેફાલી શાહની જેમ) કાચબા અને વીંછીની વાર્તા કહે છે. અર્કાદિન તેની દીકરી માટે અને દુનિયા માટે શરીફ અને પ્રેમાળ માણસ છે, પરંતુ તેણે તેનો હત્યારાનો અસલી ચેહરો છુપાવી રાખ્યો છે. એ રીતે એ વીંછી છે. ઓર્સોન વેલ્સે આ વાર્તાને ફિલ્મમાં સમાવા અંગે એકવાર કહ્યું હતું, “આ વાર્તાને સામેલ કરવાનો હેતુ એ હતો કે એક માણસ ડંકાની ચોટ પર જાહેર કરે છે તે જેવો છે તેવો દુનિયાએ સ્વીકારવો પડશે.”

“ડાર્લિંગ્સ” ફિલ્મમાં પણ હમઝા પણ એવું જ કહે છે; મેરે અંદર એક જલ્લાદ હૈ. એને ન તો તેનો અફસોસ છે કે ન તો ખાસ કોઈ ગૌરવ. જાણે એ એની નિયતિ છે અને તેણે એ ભૂમિકા ભજવવાની છે. ગુજરાતીમાં એક કહેવત છે, “પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય.”એમાં એક પ્રારબ્ધવાદી અભિગમ છે; માણસનો પ્રાણ જેમ તેના હાથમાં નથી, તેવી રીતે તેની પ્રકૃતિ પણ તેના હાથમાં નથી. ધાર્મિક માણસ હશે તો એવું કહેશે તે તેના ગયા ભવનાં કર્મોનું ફળ છે અને તાર્કિક માણસ એવું કહેશે કે દુષ્ટતા તેના જીન્સમાં છે. માણસો તેમની વૃત્તિઓના ગુલામ હોય છે એટલે સારા માણસનો વિશ્વાસ પણ કરી ન શકાય, પરંતુ ઘણા લોકો કાચબા જેવા ભોળા હોય છે અને ખુદની તબાહી પણ જોઈ શકતા નથી.

મનોવિશ્લેષણના જનક સિગમંડ ફ્રોઈડ આ બંને વૃતિને “ડેથ ડ્રાઈવ”તરીકે ઓળખે છે. અમુક લોકોને સ્પષ્ટ રીતે ખબર હોય છે કે તેમનો વ્યવહાર તબાહી નોંતરવાનો છે, છતા તે તેમના વ્યવહારને રોકવા કશું કરતા નથી. “ડાર્લિગ્સ”માં બદરુ અને હમઝા બંને આ રીતે તેમની વૃતિના ગુલામ છે; બદરુનો સ્વભાવ વિશ્વાસ કરવાનો છે અને હમઝાની વૃતિ વિશ્વાસઘાત કરવાની છે. ફ્રોઈડે કહ્યું હતું કે માણસમાં જીવતા રહેવાની અને તબાહ થઇ જવાની બંને વૃત્તિઓ સમાન રૂપે સક્રિય હોય છે. માણસમાં જિજીવિષા હોય છે, જે આંતરિક રીતે પોતે જીવતો રહીને અને બાહ્ય રીતે પ્રજનન મારફતે જીવન ચલાવતો રહે છે. એ જ માણસમાં મૃત્યુની વૃતિ પણ હોય છે, જેમાં આંતરિક રીતે તે ખુદને તબાહ કરે છે અને બાહ્ય રીતે બીજાને હાની પહોંચાડે છે.

Most Popular

To Top