Gujarat

ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ સરકારે અપનાવે છે – હર્ષ સંધવી

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે ગૃહ વિભાગની 8574 કરોડની અંદાજપત્રીય જોગવાઈ પસાર કરાઈ હતી. ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહયું હતું કે , છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારે મજબૂત દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ દર્શાવીને ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. જેના પગલે છેલ્લા 22 વર્ષમાં ગુજરાત આજે કાયદો વ્યવસ્થા સંદર્ભે દેશમાં નંબર વન બન્યું છે. વર્ષ ૨૦૨૦-૨૨માં ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સપેકટરથી કોન્સ્ટેબ્યુલરીના વિવિધ સંવર્ગોમાં કુલ ૧૧,૮૪૧ની ભરતી કરવામાં આવી છે. આગામી આશરે ૮૦૦૦ પોલીસ કર્મચારીઓ/ અધિકારીઓની ભરતીનું રાજ્ય સરકારનું આયોજન છે.

તેમણે કહયું હતું કે , ગુજરાતનો ક્રાઇમ રેટ 11.90 છે. જ્યારે છત્તીસગઢમાં 28.8, રાજસ્થાનમાં 29 અને પંજાબમાં 20.80 છે. એટલે કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યનું 32મુ છે. 33મુ દાદરાનગર હવેલી, 34મુ લદાખ, 35મુ લક્ષદ્વીપ અને 36મુ નાગાલેન્ડ છે. વ્યાજખોરી સામે લેવાયેલા પગલા અંગે તેમણે કહયું હતું કે , સુધીર અશોકભાઈ ગોયાણીના કેસમાં રૂ.૧.૬૦ કરોડ વ્યાજે લીધા હતા. જેની સામે વ્યાજખોરોએ રૂ.૩.૧૨ કરોડની રકમ માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. તેમાંથી તેમની મુકતી કરાવી હતી તેની જાણકારી આપી હતી.

તેમણે કહયું હતું કે , પ્રવર્તમાન રાજ્ય સરકારે વ્યાજખોરો સામે સકંજો કસીને સંતોષ માનેલ નથી. પરંતુ જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજયના ૩૮ પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧,૯૭૮ લોકોને કિફાયતી અને પરવડે તેવા વ્યાજના નહિવત દરથી રૂ.૨૬૨ કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કર્યું છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના, બાજપાઇ બેન્કેબલ લોન યોજના, પી.એમ.સ્વનિધિ યોજના, કિસાન સાથી યોજના, પર્સલન લોન યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ, દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના, જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, માનવ કલ્યાણ યોજના, ઔદ્યોગીક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન આપવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા કિંમતી જમીનો અને સરકારી મિલકતો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાની બેટ દ્વારકા, હર્ષદ માતા, નાવદરા અને કચ્છની જમીન પર, પોરબંદર, બનાસકાંઠા સહીતની અનેક જિલ્લાઓની સરકારી જમીનમાં ઘણા વર્ષોથી અનઅધિકૃત રીતે કરેલ કબજાને છોડાવીને આવા તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવી છે.

સંઘવીએ કહયું હતું કે , સાયબર ક્રાઇમની ગુનાખોરી ૨૧મી સદીમાં વધી રહી છે, આ ગુનાઓ માટે ૧૯૩૦ હેલ્પ લાઇન કાર્યરત કરવામાં આવી છે, જેમાં ૩૦ ટેલિફોન લાઇન છે જેથી રાજ્યના નાગરિકોને ફોન વ્યસ્તનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇનમાં આજદિન સુધી ૧૨૨.૪૭ કરોડ રૂપિયા અરજદારના ખાતામાં થી ઉપડી જતા પહેલા બ્લોક કરવામાં આવ્યાં છે. સાથોસાથ ૩૫.૫૩ કરોડ રૂપિયા અરજદારોને પરત કરાયાં છે.

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨થી તા.૩૧/૦૧/૨૦૨૩ દરમ્યાન ગુમ થયેલા ૪,૧૩૧ બાળકોમાંથી ૩,૨૬૪ બાળકો પરત મેળવવામાં આવ્યાં છે. વર્ષ ૨૦૦૭થી ૨૦૨૨ સુધીમાં ૫૫,૬૧૮ બાળકોમાંથી ૫૩,૦૦૦ બાળકો પરત મેળવવામાં આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે શકિત સેવા કેન્દ્ર દ્વારા ભિક્ષા માંગતા અનાથ બાળકોના વિકાસ માટે એક બેન્ડની શરૂઆત કરવામાં આવી છે. ૧૪ થી ૧૮ વર્ષના ૨૧ બાળકો દ્વારા બેન્ડ વગાડવામાં આવે છે. બાળકો વિરુદ્ધના ગુનાઓનો ક્રાઈમ રેટ અંગે તેમણે કહયું હતું કે અન્ય સરખામણી કરતાં જણાવ્યું હતું કે, ભારતનો ક્રાઈમ રેટ ૩૩.૬ છે. જ્યારે છત્તીસગઢમાં ૬૧.૬ ટકા, રાજસ્થાનમાં ૨૭.૨ ટકા, પંજાબમાં ૨૯.૨ ટકા છે, જેની સામે ગુજરામાં માત્ર ૨૧.૬ ટકા છે. સમગ્ર ભારતમાં ગુજરાતનું સ્થાન ૨૭મું છે.

Most Popular

To Top