Sports

ક્રિકેટર પૃથ્વી શો અને તેના ફેન્સની રસ્તા વચ્ચે મારામારી, હાથમાં બેઝબોલ બેટ દેખાયો

મુંબઇ: (Mumbai) ભારતીય ટીમના ક્રિકેટર પૃથ્વી શો (Prithvi shaw) સાથે કેટલાક ચાહકો દ્વારા સેલ્ફી લેવા મામલે ઘર્ષણ કરવા અને કથિત રીતે તેની પાસે ખંડણી માગી હોવાનો એક કેસ મુંબઇના ઓશિવારામાં દાખલ થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘર્ષણ દરમિયાન પૃથ્વીના મિત્રની કારને નુકસાન થયું હતું. બીજી તરફ સપના ગીલ નામની યુવતીએ પૃથ્વી શોએ તેમની સાથે મારપીટ કર્યાનો આરોપ મૂકયો હતો.

  • ક્રિકેટર પૃથ્વી શૉ અને ચાહકો વચ્ચે સેલ્ફી મામલે મારામારી, 8 સામે કેસ દાખલ
  • સાન્તાક્રુઝ ફાઇવસ્ટાર હોટલ નજીક બનેલી ઘટનામાં ચાહકોએ પૃથ્વીના મિત્રની કારની વિન્ડશિલ્ડ તોડી નાંખી
  • પૃથ્વી અને તેના મિત્રને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 50,000ની માગણી કરી હોવાની ફરિયાદ દાખલ

પૃથ્વી તેના મિત્રો સાથે મુંબઈના સાંતાક્રુઝની એક ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર માટે પહોંચ્યો હતો. તે સમયે, કેટલાક ચાહકોએ તેની સાથે સેલ્ફી લેવાની માગ કરી હતી. વારંવાર સેલ્ફીની માગણી નકારાતા ગુસ્સે ભરાયેલા ચાહકોએ તેના મિત્રની કારમાં તોડફોડ કરી હતી. કાર પર હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક છોકરી પૃથ્વી શૉના હાથમાંથી કંઇક ખૂંચવવા તેની સાથે ઝપાઝપી કરી રહી છે અને પૃથ્વી તેનાથી પોતાને બચાવતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, પૃથ્વીના મિત્ર આશિષ સુરેન્દ્ર યાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આશિષના કહેવા પ્રમાણે, તેમની કાર પર બેઝબોલ બેટથી હુમલો કરવામાં આવ્યો હતો.

એક અધિકારીએ માહિતી આપી હતી કે જોગેશ્વરી લિન્ક રોડ પર આરોપીઓએ કાર પર હૂમલો કરીને કારની વિન્ડશિલ્ડ તોડી નાંખી હતી અને તેમણે ખોટો કેસ દાખલ ન કરવા મામલે રૂ. 50,000ની માગ કરી હતી. આ મામલે કારના માલિક આશિષે ઓશિવારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા 8 વ્યક્તિ સામે કેસ દાખલ કરીને તેમને હિરાસતમાં લેવાયા છે.

પોલીસે હિરાસતમાં લીધેલા 8માંથી એક સપના ગીલે પૃથ્વી શોએ તેમની સાથે મારપીટ કર્યાનો આરોપ મૂકયો
મુંબઇમાં ઓશીવારા પોલીસે પૃથ્વી શો અને તેના મિત્રની ફરિયાદને આધારે આઇપીસીની વિવિધ કલમો હેઠળ 8 વ્યક્તિને હિરાસસમાં લીધી હતી. જેમાંથી એક સના ઉર્ફે સપના ગીલે પૃથ્વી શો પર એવો આરોપ મૂક્યો છે કે તેણે અમારી સાથે મારપીટ કરી હતી. સનાએ આરોપ મૂક્યો હતો કે પૃથ્વી અને તેના મિત્રએ મળીને અમારી સાથે મારપીટ કરી હતી. સનાએ આરોપ મૂક્યો હતો કે મારા મિત્રો અને મારી સાથે મારામારી કરતી વખથે પૃથ્વીના હાથમાં બેઝબોલ સ્ટીક હતી અને વીડિયોમાં પણ તે જોવા મળે છે.

Most Popular

To Top