Sports

પાકિસ્તાન સામેની મેચ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ આ રીતે કરી મસ્તી, સ્વીમિંગ પૂલમાં કર્યો ડાન્સ

એશિયા કપની (Asia Cup) સુપર ફોરની મેચમાં ભારત પાકિસ્તાનની (India Pakistan) રવિવારે શરૂ થયેલી મેચનું પરિણામ સોમવારે આવ્યું. રિઝર્વ ડે માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. 228 રનથી પાકિસ્તાનને હરાવી ભારતીય ખેલાડીઓએ ક્રિકેટ પ્રેમીઓને ખુશ કરી દીધા. આ જીત સાથે ભારત સુપર ફોર પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ભારતીય ટીમ આજે એટલેકે મંગળવારે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરી છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દરમ્યાન પોતાના પ્રતિદ્વંદી પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમના ખેલાડીઓ મોજ મસ્તી અને સ્વીમિંગ પૂલમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતાં.

એશિયા કપમાં સોમવારે પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમનું હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેચ બાદ ટીમ ઈન્ડિયાને સ્ટેડિયમની બહાર આવીને તેમને ચીયર કરતા જોવા માટે હજારો ચાહકો હાજર હતા. તો બીજી તરફ હોટલની બહાર પણ ઘણા ચાહકો હાજર હતા. સાથેજ ખેલાડીઓએ પણ મસ્તી સાથે જીતનું સેલિબ્રેશન કર્યું હતું. બીસીસીઆઈએ તેનો વીડિયો જાહેર કર્યો છે. જે ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.

જાહેર કરાયેલા વીડિયોમાં BCCIએ કેપ્શનમાં લખ્યું છે કે શ્રીલંકા સામે આજની સુપર ફોર મેચ પહેલા યાદગાર જીત અને પછી રિકવરી સેશન. અહીં કોલંબોમાં પાકિસ્તાન સામે ટીમની પ્રભાવશાળી જીતનો ઝડપી રાઉન્ડ અપ છે. સાથે જ વીડિયોમાં રાહુલ અને કોહલી વિજય બાદ હોટલમાં પ્રવેશતાની સાથે જ ત્યાં હાજર સ્ટાફ અને ચાહકો તેમના માટે તાળીઓ પાડીને તેઓને ઉત્સાહિત કરી રહ્યાં છે.

આ દરમિયાન કોહલીએ કેક પણ કાપી હતી. આટલું જ નહીં ભારતીય ખેલાડી સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતા પણ જોવા મળે છે. કોહલી અને રવિન્દ્ર જાડેજા સ્વીમિંગ પૂલમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે રોહિત શર્મા સ્વિમિંગ પૂલમાં ભાંગડા કરતો જોવા મળે છે. વીડિયોમાં દેખાય છે કે રિલેક્સ મૂડમાં ભારતીય ખેલાડીઓએ સ્વિમિંગ પૂલમાં ખૂબ જ મસ્તી કરી હતી.

જણાવી દઈએ કે એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું. વરસાદના કારણે વિક્ષેપિત થયેલી મેચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. મેચ રવિવાર (10 સપ્ટેમ્બર)ના રોજ શરૂ થઈ હતી, પરંતુ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. રવિવારે રમત બંધ થઈ ત્યાં સુધીમાં ભારતે 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન બનાવી લીધા હતા. સોમવાર મેચનો રિઝર્વ ડે હતો. આગળ રમતા ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા.

જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 128 રન જ બનાવી શકી હતી. નસીમ શાહ અને હરિસ રઉફ ઈજાના કારણે બેટિંગ કરી શક્યા ન હતા. ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. ભારતીય ટીમ આજે મંગળવારે સુપર-4માં શ્રીલંકા સામે તેની બીજી મેચ રમી રહી છે. સુપર-4માં ભારતના ખાતામાં બે પોઈન્ટ ઉમેરાયા છે. પાકિસ્તાન અને શ્રીલંકાના પણ બે-બે પોઈન્ટ છે.

Most Popular

To Top