Charchapatra

દેશ આર્થિક સંકટમાં-વડા પ્રધાનનું લોકોને સંબોધન

દેશ જ્યારે આર્થિક સંકટમાં સપડાયો હોય, નબળી પડતી જતી દેશની આર્થિક પરિસ્થિતિમાં પરદેશી રોકાણકારો એમના પૈસા પાછા ખેંચી લેતા હોય  ત્યારે દેશના મુખ્યા દ્વારા કરકસરના પગલાં લેવા માટે લોકોને જણાવવામાં આવે એ યોગ્ય જ નહીં પરંતુ જરૂરી છે એટલુ જ નહીં પરંતુ લોકોએ દેશહિતમાં પ્રધાનમંત્રીના સૂચનને યોગ્ય પ્રતિસાદ આપવો જ જોઇએ. પરંતુ અહીં એ સવાલ ઊભો થાય છે કે દેશમાં આર્થિક કટોકટી ઓચિંતી બે દિવસ પહેલાં જ આવી  પડી? બિહાર સહિત ત્રણ રાજ્યો અને એક યુનિયન ટેરીટરીની ચૂંટણી કે જેમાં પુષ્કળ પેટ્રોલ ફુંકાયું, ધૂમ ખર્ચો થયો અને લોકોને આર્થિક લ્હાણીનાં વચનો અપાયાં એ દરમિયાન શું દેશ આર્થિક કટોકટીમાં નહોતો?

ત્યારે શું પેટ્રોલની કોઇ તંગી નહોતી? સોમનાથ મંદિરની પંચોતેરમી વર્ષગાંઠ પ્રસંગની સેંકડો લોકોની હાજરીમાં ધામધૂમથી ઉજવણી કરી ત્યારે આ આર્થિક કટોકટીની કોઇ શક્યતા નહોતી? આજની દેશની કટોકટી મોટી હોવાની પૂરી શક્યતા છે ત્યારે લોકોએ તો ઇચ્છા–અનિચ્છાએ પણ એમનો ખર્ચ ઓછો કરવો જ પડશે પરંતુ દેશનાં લોકોનું પ્રતિનિધિત્વ કરતાં કહેવાતાં લોકસેવકો પાસે આ બાબતે દાખલો બેસાડવાની અપેક્ષા લોકો રાખી શકે ખરા? સવાલ તો આવા અનેક છે, જવાબ તો સમય જ આપશે.  વડા પ્રધાનશ્રી તો લોકોને કરકસર કરવાની સલાહ આપી પંદરમી તારીખથી પાંચ દિવસની  વિદેશયાત્રાએ નીકળી જવાના છે. એમની હાજરી–ગેરહાજરીમાં દેશ તો આપણા જેવા સામાન્ય લોકોએ સાચવવાનો છે ને.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top