SURAT

કતારગામમાં દબાણ હટાવવા કોર્પોરેટર જાતે રસ્તા પર ઉતર્યા, કહ્યું, અધિકારીઓ કામ નહીં કરે તો..

સુરત: શહેરમાં ઠેરઠેર રસ્તા પર લારી ગલ્લાંઓના દબાણ છે. કતારગામમાં તો આખે આખા શાકભાજી માર્કેટ જ રસ્તાની વચ્ચોવચ્ચ શરૂ થઈ ગયા છે. મનપા દ્વારા શાકભાજી માર્કેટ બનાવી આપવા છતાં લારીવાળા રસ્તા પર ઉભા રહેતાં હોય લાંબા સમયથી સ્થાનિકો દબાણ હટાવવા ફરિયાદ કરતા હતા, પરંતુ મનપાના અધિકારીઓ ધ્યાન નહીં આપતા હોય આજે કોર્પોરેટર જાતે રસ્તા પર ઉતર્યા હતા અને દબાણ નહીં હટાવાય તો અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદની ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે મનપાના અધિકારીઓ દોડતા થયા હતા અને તાબડતોબ દબાણો હટાવ્યા હતા.

  • કતારગામ વોર્ડ નંબર 7 માં રોડ રસ્તા પર દબાણો મામલે કાર્યવાહી
  • વોર્ડ નંબર 7 નગર સેવક નરેન્દ્ર પાંડવ અધિકારીઓ સાથે રસ્તા પર ઉતર્યા.
  • સંતોષી નગર સોસાયટી પાસે દુકાનો આગળ શાકભાજી ના માલિકો દ્વારા ભાડું લઉં દબાણ કરતા સાત જેટલી દુકાનો સીલ કરવામાં આવી
  • રોડ પર પાથરણા વાળાઓનો સામાન જપ્ત કરી વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો.
  • નગર સેવક નરેન્દ્ર પાંડવ ની મનપા ના અધિકારીઓ ને ચીમકી, દબાણો મામલે કાર્યવાહી કરો નહીં તો અધિકારીઓ સામે એક્શન લઈશ

સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર લારીઓ સહિતના દબાણો કરાતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે કોર્પોરેટર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવતાં જ પાલિકાના અધિકારીઓ દોડતા થયાં હતાં. ત્યારે કોર્પોરેટરે કહ્યું કે, ખોટી રીતે કોઈને કનગડગત કરવાની નથી. ધંધો સૌ કોઈ કરે અને દબાણ ખોટા ન થાય તે પ્રકારે કામગીરી કરવાની છે. ત્યારે દબાણો હટાવીને દંડ વસૂલવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે અધિકારીઓને ચીમકી આપી હતી. અધિકારીઓ કામગીરી નહીં કરે તો એક્શન લેવાની ચીમકી આપી હતી.

પાંડવે કહ્યું કે, રસ્તા પરના દબાણ દૂર કરવાની જવાબદારી પાલિકાના અધિકારી, કર્મચારીઓની છે, પરંતુ તેઓ આ કામગીરી કરી રહ્યાં નથી, તેથી મારે રસ્તે ઉતરવું પડ્યું છે. પાલિકાએ શાક માર્કેટ બનાવ્યા છે, ત્યાં શાકભાજીના વિક્રેતાઓ બેસે તેની તકેદારી પાલિકાએ રાખવાની છે. જો પાલિકાના અધિકારીઓ કામ નહીં કરશે તો તેઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કતારગામ ઝોનના વોર્ડ નંબર 7 માં લાખોના ખર્ચે બનાવેલું શાક માર્કેટ ખાલી ખમ છે. જ્યારે રોડ પર આડેધડ શાકભાજી વાળાના દબાણોને લઈ કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. વોર્ડ નંબર 7 નગર સેવક નરેન્દ્ર પાંડવ અધિકારીઓ સાથે રસ્તા પર ઉતર્યા હતાં. અનેક જગ્યાએ દુકાન માલિકો લારી ઉભી રાખવાનું ભાડું વસુલે છે. પાલિકા કર્મીઓ દ્વારા રોડ પર પાથરણા વાળાઓનો સામાન જપ્ત કરી વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

Most Popular

To Top