Editorial

ફરી એકવાર ડેટા લીક: આ વખતે દેશના કરોડો નાગરિકોના કોવિડ ટેસ્ટનો ડેટા ચોરાયો

ચારેક વર્ષ પહેલા વિશ્વના અન્ય દેશોની સાથે ભારતમાં પણ કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત થઇ તે પછી દેશના કરોડો લોકોના આ રોગ માટે જાત જાતના ટેસ્ટ થયા છે. આ ટેસ્ટનો ડેટા દેશની ટોચની આરોગ્ય સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ(આઇસીએમઆર) પાસે જમા છે. સ્વાભાવિક રીતે જેમના ટેસ્ટ થયા હોય તેમના નામ, સરનામા, મોબાઇલ નંબરો, આધાર નંબર વગેરે દરેક ટેસ્ટની વિગત સાથે હોય જ. આઇસીએમઆરના ડેટા બેઝમાંથી આ ડેટા લીક થઇ ગયો હોવાનું કહેવાય છે.

જે ભારતના અત્યાર સુધીના સૌથી મોટા ડેટા લીક હોવાની શંકા છે તેમાં દેશના સાડા એકયાસી કરોડ નાગરિકોના કોવિડ-૧૯ના ટેસ્ટની વિગતો ખુલ્લી થઇ જતા અને તે આ નાગરિકોના આધાર નંબરો જેવા ડેટા સાથે વેચાણ માટે મૂકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે અને વિવિધ એજન્સીઓને આ બાબતમાં નુકસાન અટકાવવા અને તપાસ કરવા કામે લગાડવામાં આવી છે. આ બાબતે સત્તાવાર રીતે જો કે હજી કંઇ કહેવામાં આવ્યું નથી પણ એમ કહેવાય છે કે આ બાબતની તપાસ સીબીઆઇને સોંપાઇ શકે છે.

મળતી માહિતી મુજબ કોવિડ-૧૯ના રોગચાળા વખતે દેશના જે કરોડો નાગરિકોના વિવિધ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેનો ડેટા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર) પાસે સંગ્રહિત હતો. આ ડેટા કોઇક રીતે લીક થઇ ગયો છે અને તે ડાર્ક વેબ પર વેચાણ માટે પણ મૂકાઇ ગયો છે એમ જાણવા મળે છે. આ અંગે એક ધમકી આપનારે અગાઉના ટ્વીટર એવા એક્સ સોશ્યલ મીડિયા મંચ પર આ ડેટાબેઝના વેચાણની જાહેરાત મૂકી હતી જેમાં ૮૧.પ કરોડ ભારતીયોનો કોવિડ ટેસ્ટનો ડેટા છે જેમાં તેમના આધાર નંબરો, નામો, ફોન નંબરો, સરનામા, પાસપોર્ટની વિગતો વગેરે પણ શામેલ છે.

આવો સંવેદનશીલ ડેટા લીક થઇ જતા અને વેચાણ માટે પણ મૂકાઇ જતા ખળભળાટ મચી ગયો છે અને એમ જાણવા મળે છે કે અનેક એજન્સીઓને આમાંથી થતું નુકસાન અટકાવવા કામે લગાડવામાં આવી છે. આ બાબતની ગંભીરતા જોતા એકવાર આઇસીએમઆર ફરિયાદ નોંધાવે પછી સીબીઆઇ આમાં તપાસ શરૂ કરી શકે છે. પીડબલ્યુએન૦૦૦૧ નામના એક બનાવટી નામધારકે એક્સ પર આ ડેટા બ્રીચની જાણ કરતી ધમકી મૂકી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ડેટા લીક કરવામાં વિદેશોના તત્વો સંડોવાયેલા હોવાનું મનાય છે.

એમ પણ જાણવા મળે છે કે સેમ્પલ ડેટા કે જે વેચાણ માટે મૂકાઇ ગયો છે તેની આઇસીએમઆર પાસેના મૂળ ડેટા સાથે સરખામણી કરવામાં આવતા તે મેચ થાય છે એટલે કે આ ધમકી સાચી જ છે. આ અંગે એમ મીડિયા ગૃહ દ્વારા આઇસીએમઆરના વડાનો સંપર્ક કરવામાં આવતા તેમના તરફથી તરત કોઇ જવાબ મળ્યો ન હતો. આ પ્રથમ વખત એવું બન્યુ નથી કે જ્યારે ભારતની આરોગ્ય પ્રણાલિ સાયબર હુમલાનો ભોગ બની હોય. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં કોવિડ રસીકરણનો ડેટા લીક થયો હતો.

શરૂઆતમાં એવું જણાયું હતું કે આ ડેટા લીક કોવિન પોર્ટલમાંથી થયો છે પરંતુ તપાસ કરતા જણાયું હતું કે રાજ્ય સરકારોના ડેટા બેઝમાંથી આ ડેટા લીક થયો હતો. નવેમ્બર ૨૦૨૨માં એઇમ્સ પર સાયબર હુમલો થયો હતો અને તેના સર્વર ડાઉન થઇ ગયા હતા આને કારણે તેની ઓપીડીની કામગીરી પર અસર થઇ હતી અને સેમ્પલ કલેકશન સેવાને પણ અસર થઇ હતી. આઇસીએમઆરના આ ડેટા લીક તરફ એક અમેરિકન સાયબર-સિક્યુરિટી અને ઇન્ટેલીજન્સ એજન્સીનું ધ્યાન ગયું હોવાનું કહેવાય છે. જો આપણી એજન્સીઓને આ લીકની જરાસરખી ગંધ પણ નહીં આવી હોય તો તે બાબતે સુધારણા માટે ગંભીર પગલા લેવાની જરૂર છે.

આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ડેટા લીક અંગે આઇસીએમઆર દ્વારા ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ(સર્ટ-ઇન)ને વાકેફ કરવામાં આવી છે. હજી એ સ્પષ્ટ થયું નથી કે હેકરે આઇસીએમઆરની સિસ્ટમમાં ભાંગફોડ કરી છે કે અન્ય કોઇ સ્ત્રોતો મારફતે સેંધ મારી છે, પણ આટલો મોટો ડેટા લીક થયો છે તે ચિંતાની બાબત છે. પ્રશ્ન એ થાય છે કે શા માટે અને કઇ રીતે આવી માહિતીઓનું ગળતર થઇ જાય છે. લોકોના નામ સરનામા, ફોન નંબરો વગેરેમાં ટેલિ માર્કેટિંગ એ એડવર્ટાઇઝ કંપનીઓને ઘણો રસ હોય છે અને તેઓ આ ડેટા ખરીદે છે ત્યાં સુધી તો કંઇક ઠીક છે પરંતુ જો અસામાજીક તત્વો આ ડેટાનો દુરૂપયોગ કરે તો અનિચ્છનીય સંજોગો સર્જાઇ શકે છે. કોઇ પણ સંસ્થા કે એજન્સીના કબજા હેઠળના ડેટાબેઝની ફૂલ પ્રુફ સુરક્ષા માટે પુરતા પગલા ભરાવા જ જોઇએ.

Most Popular

To Top