Business

કોર્પોરેટ જગતમાં મોટો ખેલ: વેલ્સપનને લક્ષ્મી ઓર્ગેનિક્સે અને ABG શિપયાર્ડને વેલ્સપને ટેકઓવર કરી

ભરૂચ: કોર્પોરેટ ખેલનો ખૂબ જ ચોંકાવી દેનારો કિસ્સો લઘુ ભારત એવા ભરૂચના (Bharuch) દહેજથી બહાર આવ્યો છે. જ્યાં દહેજની વેલ્સપન કંપનીને ફડચામાં બંધ કર્યા બાદ જમીન 123 કરોડમાં વેચી આ જ ગ્રુપે નાદર થયેલી ABG શિપયાર્ડને રૂપિયા 659 કરોડમાં ખરીદી છે. દહેજમાં ગુરુવારે દહેજ, SOG, LCB સહિતના પોલીસના ધાડેધાડાને લઈ આ કિસ્સો સામે આવ્યો છે. કંપની સત્તાધીશોને છૂટા કરાયેલા 600 કર્મચારીઓ વિરોધ કરે તેવી દહેશત હતી. જેને લઈ કોર્પોરેટ ગ્રુપે પોતાનો સરવે અને કામગીરી કંપની પરિસરમાં ગુરુવારે શરૂ કરતાં પહેલા પેઇડ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. દહેજની વેલ્સપન કંપનીએ ખોટના બહાને 2 વર્ષ પહેલાં હાથ ઊંચા કરી દીધા હતા અને 600 જેટલા કર્મીઓની અંજાર સહિત રાજ્ય બહારના પ્લાન્ટમાં બદલીઓ કરી દીધી હતી. છ મહિના આંદોલન ચાલ્યું હતું. દરમિયાન વેલ્સપને દહેજની જમીન ₹123 કરોડમાં લક્ષ્મી ઓર્ગેનિક્સને વેચી દેવા MOU કરી દીધા હતા. તો બીજી તરફ દહેજની જ નાદાર ABG શિપયાર્ડને ₹659 કરોડમાં ખરીદવા તૈયારી કરી લીધી હતી.

  • દહેજની બંધ કરી દેવાયેલી વેલ્સપન કંપનીની જમીનને લક્ષ્મી ઓર્ગેનિક્સે ₹123 કરોડમાં ખરીદી
  • જ્યારે દહેજ ABG શિપયાર્ડને વેલ્સપને 659 કરોડમાં હસ્તગત કરી

હવે આજે વેલ્સપન દ્વારા ટેકઓવર કરાયેલી ABG શિપ યાર્ડમાં સરવે સહિતની કામગીરી શરૂ કરાઇ હતી. છૂટા કરાયેલા કામદારો વિરોધ ના કરે એ માટે પોલીસ પ્રોટેક્શન પહેલેથી જ માંગી લેવાતાં ભરૂચ, દહેજ, SOG અને LCB સહિતનો કાફલો સવારથી જ ખડકી દેવાયો હતો. કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, વેલ્સપન કંપનીની જમીન ખરીદનાર લક્ષ્મી ઓર્ગેનિક્સ તેની જ સબસિડરી કે સિસ્ટર કંશન છે. અને કંપની ફડચામાં ગઈ હતી તો તેને બંધ ABG શિપ યાર્ડને કેવી રીતે ખરીદ્યું. દહેજ વેલ્સપનને તાળાં મારી હવે નવા નામ અને નવી કંપની સાથે વેલ્સપન ગ્રુપ કોન્ટ્રાક્ટ ઉપર કામદારો રાખી પ્રોડક્શન શરૂ કરશે. જેને લઈ વર્ષો જૂના કાયમી કામદારોને આપવો પડતો તોતિંગ પગાર, પી.એફ. ગેચ્યુઇટી સહિતના અન્ય આર્થિક લાભોમાંથી છૂટકારો મેળવી લીધો છે.

Most Popular

To Top