Dakshin Gujarat

કરંજવેલમાં કોરોના દર્દીની પત્નીને કન્ટેન્મેન્ટ ઝોનની કામગીરી કરવા ગયેલી હેલ્થ વર્કરને લાફો ઝીંકયો

vyara : વ્યારાના કરંજવેલ ગામે બડકી ફળિયામાં કોરોના આરટીપીસીઆર ( rtpcr) પોઝિટિવ કેસ ( positive case) આવ્યો હોય આ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનની કામગીરી કરવા તેમજ દવા આપવા માટે ગયેલ ફીમેલ હેલ્થવર્કર ( female health worker) ઉપર દર્દીની પત્નીએ હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ફીમેલ હેલ્થ વર્કરે પોતાના ઉપર થયેલ હુમલા અંગેની બાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર( medical officer) ને ફરિયાદ કરી છે. પણ મેડિકલ ઓફિસરે ગામના સરપંચને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે. જોકે, હજુ સુધી હુમલો કરનાર સામે કોઇ પગલાં ભરાયાં નથી. જેના કારણે કોવિડની કામગીરી કરનાર આશા બહેનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.


ફીમેલ હેલ્થ વર્કર હેતલબેન વી. ઠાકરે જણાવ્યું હતું કે, તેઓ કોવિડ-૧૯ ( covid 19) ની ગાઈડ લાઈન ( guideline) મુજબ કામગીરી કરી રહ્યાં હતાં. એ દરમિયાન કોરોના પોઝિટિવ ( corona positive) દર્દી ગામીત અરવિંદભાઈ રામાભાઈ (ઉં.વ.૫૦)નાં પત્નીએ મારા પતિને કોરોના પોઝિટિવ નથી. તમે ખોટા રિપોર્ટ આપી અમોને હેરાન-પરેશાન કરો છો કહી તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. હેતલબેન મોબાઈલમાંથી લોકેશનની કામગીરી કરી રહ્યાં હતાં. એ દરમિયાન તેની સાથે ધક્કામુક્કી કરી, લાફો ઝીંકી દેતાં તેમનો મોબાઈલ પણ પડી ગયો હતો. પોઝિટિવ દર્દી રમેશભાઈની પત્નીએ માસ્ક પણ પહેરેલું ન હતું. માસ્ક પહેરવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ એલફેલ બોલવા લાગી હતી.


કન્ટેન્મેન્ટ ઝોનમાં બેનર પણ લગાવવા દીધું ન હતું. અહીં સુધી કે કોઈ પણ પ્રકારની દવા લેવા પણ તેમણે ના પાડી હતી. જેથી સરકારી કામમાં અડચણ કરવા અને એપેડેમિક એક્ટ અન્વયે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ મેડિકલ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા ફીમેલ હેલ્થ વર્કર સાથે કરંજવેલ આરોગ્ય ટીમે રજૂઆત કરી છે. મેડિકલ ઓફિસરે કોઇ નક્કર કાર્યવાહીને બદલે સરપંચ પર ટોપલો ઢોળ્યો હોય આરોગ્ય કર્મચારીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા જણાવ્યું છે

આ બાબતે બાલપુરના મેડિકલ ઓફિસર ડો.રાજેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, વ્યારાના કરંજવેલ ગામે આરટીપીસીઆર પોઝિટિવ કેસ આવ્યો હોવાથી આ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનની કામગીરી કરવા માટે આરોગ્ય વિભાગની ટીમ ગઇ હતી. ત્યારે ફીમેલ હેલ્થવર્કર હેતલબેન ઠાકર ઉપર કોરોના દર્દીની પત્નીએ હુમલો કર્યો હતો. જે અંગેની મને ફરિયાદ મળતાં આજે ગામના સરપંચ સહિતના આગેવાનો સાથે સંપર્ક કર્યો હતો. ગુરુવારે બાલપુરના બીટ જમાદારે ફીમેલ હેલ્થવર્કર હેતલબેન અને તેની સાથેનાં હાજર કર્મચારીઓને પોલીસ મથકે બોલાવ્યાં છે. ત્યાં હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા જણાવ્યું છે.

Most Popular

To Top