Editorial

કોરોનાને કારણે હ્રદય પર અસરો થઈ જ છે, પ્રત્યેકે પોતાના લોહીની તપાસ કરાવવી જરૂરી

કોરોનાની મહામારી માંડ માંડ કાબુમાં આવી ત્યાં અચાનક હાર્ટ એટેક આવીને મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ ગયો છે. કસરત કરતી વખતે કે ગરબા રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવીને મોત થઈ રહ્યા છે. એક જ દિવસમાં ચાર-પાંચ કે સાત જેટલા મોત હાર્ટ એટેકથી થવાને કારણે થોડા સમય પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા આઈસીએમઆરને આ અંગે તપાસ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી.

અગાઉના સમયમાં હાર્ટ એરેસ્ટથી મોતની ઘટના ઉંમરલાયકોમાં જોવા મળતી હતી પરંતુ હાલમાં નાની ઉંમર અને 10 વર્ષની ઉંમરના બાળકોમાં પણ હાર્ટ એરેસ્ટથી મોત થયાની ઘટનાઓ નોંધાઈ છે. આ ખૂબ જ ચિંતાજનક છે. તબીબો દ્વારા એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે, કેટલાક વ્યક્તિઓમાં લોહી જાડું થતું હોય છે અને તેના માટે પાણી વધારે પીવાનું રાખવું જોઈએ. પાણી વધુ પીવાથી હાર્ટ એટેકને ટાળી શકાય છે.

તાજેતરમાં અમદાવાદમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં તબીબો દ્વારા એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે હાર્ટ એટેકથી મોતની ઘટનામાં પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે. જો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તો જ એ નક્કી કરી શકાશે કે ખરેખર મોતની પાછળ કયું કારણ છે? પોસ્ટમોર્ટમ માટે મૃતકના સગાઓનો સહકાર ખૂબ જરૂરી છે. જોકે, એક વાત એટલી ચોક્કસ છે કે કોરોના કારણે લોકોના હ્રદયને અસર જરૂર થઈ છે. જે દર્દીઓમાં પહેલા 20થી 22 ટકા બ્લોકેજ જોવા મળતું હતું તે વ્યક્તિઓમાં બ્લોકેજનું પ્રમાણ 90 ટકા જોવા મળ્યું છે.

કોરોનાની રસીથી તો લોકોના જીવ બચ્યા છે. જે લોકોએ રસી લીધી નથી તેમનામાં મોતનું પ્રમાણ વધારે છે. તબીબોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને કારણે લોહી જાડું થવાની અને હ્રદયને અસર થવાની સંભાવનાઓ વધી છે. આ સંજોગોમાં જીમમાં ભારે કસરતો કરવાનું ટાળવું જોઈએ. પ્રોટીન પાવડર અને સ્ટીરોઈડની આડઅસર જોવા જોવા મળતી હોવાથી તેને ટાળવું જોઈએ. એકના એક તેલથી તળાયેલા ખોરાકને ખાવાનું ટાળવું જોઈએ. જંકફુડથી પણ હ્રદયને ભારે નુકસાન થઈ શકે છે.

હાર્ટ એટેકથી બચવું હોય તો લીલી શાકભાજી ખાવાનું રાખવું જોઈએ. જે લોકોને તેમના હ્રદયમાં બ્લોકેજ હતું તેની જાણ નહોતી તેવા લોકોના જ અચાનક મોત થયા છે. તબીબોએ ત્યાં સુધી કહ્યું હતું કે, ગરબા રમતી વખતે ફિટ કપડા પહેરવાની સાથે સતત ગરબા રમવાથી ડિહાઈડ્રેશનની સ્થિતિ ઊભી થાય છે અને તેવા સંજોગોમાં જો પાણી પીવામાં નહીં આવે તો લોહી જાડું થવાની સંભાવના છે. લોહી જાડું થાય કે તેમાં ગઠ્ઠો થાય તો તેવી સ્થિતિમાં અચાનક મોત થઈ શકે છે. તબીબોની વાતો પરથી એ વાત ચોક્કસ છે કે લોકોએ હાલમાં ભારે કસરતથી દૂર રહેવું, સતત પાણી પીતા રહેવું અને સાથે સાથે લોહીની તપાસ કરાવતા રહેવું જરૂરી છે.

Most Popular

To Top