SURAT

કોરોનાનો હાઉ: પ્રતિદિન ટેસ્ટિંગનો આંક 1000ને પાર

સુરત: વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોનાએ (Corona) ફરીવાર માથું ઊંચક્યું છે. છેલ્લા ઘણા માસથી કોરોનાના કેસ નહીંવત પ્રમાણમાં નોંધાતા હતા. જેથી જનજીવન ફરી પાટે ચઢ્યું હતું. પરંતુ ચીનમાં (China) વધી રહેલા કોરોના કેસને કારણે ફરીથી ભયનો માહોલ ઊભો કર્યો છે. ભારતમાં કોરોનાના કેસ ખૂબ જ ઓછા નોંધાતા હોવાથી કોઈ ગાઈડલાઈન ન હતી. જેથી તમામ દેશોમાં લોકો પ્રવાસ કરી રહ્યા છે. જેના કારણે હવે કોરોના વકરવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ફરીવાર કોરોના માટેના નિયમો પાળવા માટે અપીલ કરી છે.

સુરત શહેરમાં પણ લોકો સ્વયંભી વેક્સિન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. અને કોરોનાનાં કોઈપણ લક્ષણો જણાય તો લોકો તરત ટેસ્ટિંગ કરાવવા જઈ રહ્યા છે. અને હવે પ્રતિદિન ટેસ્ટિંગનો આંક 400થી વધી 1000ને પાર કરી ગયો છે. શહેરમાં 1 મહિના અગાઉ પ્રતિદિન 400થી 500 જ લોકોના ટેસ્ટ થતા હતા. પરંતુ ચીન સહિત અન્ય દેશોમાં વધી રહેલા કોરોનાના કેસની ગંભીરતા જોઈ લોકો સાવચેત બન્યા છે. અને કોરોનાનાં કોઈ પણ લક્ષણો જણાય તો તુરંત જ ટેસ્ટ કરાવી સેફ બની રહ્યા છે. છેલ્લા 5 જ દિવસમાં 4798 લોકોએ ટેસ્ટ કરાવી લીધા છે અને હવે પ્રતિદિન ટેસ્ટિંગનો આંક 1000 પાર થઈ ગયો છે. તા.3 ડિસેમ્બરે શહેરમાં કુલ 1079 લોકોના ટેસ્ટ થયા હતા.

વેક્સિનનો સ્ટોક આવતા હજી અઠવાડિયું લાગશે
સુરત શહેરમાં હજી કોરોનાના કેસ નહીંવત પ્રમાણમાં છે. પરંતુ લોકો કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાંથી પસાર થઈ ચૂક્યા છે. એટલે હવે લોકો કોરોનાના નામથી જ ગભરાઈ રહ્યા છે. જેથી સાવચેતીના ભાગરૂપે હવે લોકો સામે ચાલીને પ્રિકોશન ડોઝ લેવા જઈ રહ્યા છે. પરંતુ ઘણા વેક્સિનેશન સેન્ટર પર કોવિશિલ્ડ વેક્સિનની હજી પણ ઘટ જોવા મળી રહી છે. મનપા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ 2 લાખ ડોઝની માંગ કરી છે, પરંતુ હજી સુધી મનપાને વેક્સિનનો સ્ટોક મળી રહ્યો નથી. જેથી વેક્સિનેશન ઓછું થઈ રહ્યું છે. મનપાને હજી વેક્સિન મળતા એક અઠવાડિયું લાગશે તેમ જાણવામાં આવ્યું છે.

Most Popular

To Top