‘ગરજ સરી અને વૈધ વેરી’, ચૂંટણી પુરી થઈ અને હવે કોરોના મામલે લોકો પર કડકાઈ શરૂ

સુરત મહાપાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં કોરોનાના કેસ કાબુમાં આવી ગયા હતા. હવે જ્યારે ચૂંટણી પતી ગઈ છે ત્યારે કોરોનાના કેસ વધી ગયા છે. લોકોને આ સમજાતું નથી. ચૂંટણી સમયે કોરોના મામલે તંત્ર દ્વારા ઢીલ અપાઈ હતી અને હવે ચૂંટણી પુરી થઈ છે ત્યારે તંત્ર દ્વારા કડકાઈ શરૂ કરી દેવામાં આવી છે.

લોકોએ તમામ ગાઈડલાઈનનું પાલન કરતાં કોરોનાના કેસ કાબુમાં હતાં અને ચૂંટણી દરમિયાન છૂટને કારણે રાજકીય પક્ષો દ્વારા બેફામ મેળાઓ કરવામાં આવ્યાં અને સરવાળે કેસ વધી રહ્યાં છે. જેનો ભોગ હવે શહેરીજનો બનશે. સુરતીઓ હવે દંડાશે.

ચૂંટણી પુરી થતાં જ સુરત મહાપાલિકા દ્વારા હવે કોરોનાને કાબુમાં લેવા માટે કડકાઈ કરવાના આદેશો જારી કરી દેવામાં આવ્યાં છે. હોમ ક્વોરન્ટાઈનનો જો ભંગ કરશે તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. જેણે માસ્ક પહેર્યો નહી હોય તેની સામે દંડકીય કાર્યવાહી કરાશે. સાથે સાથે મહાપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કોરોના પ્રતિબંધિત વિસ્તારના પોસ્ટરો તેમજ બેનરો લગાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

હાલમાં અઠવા ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને કારણે અઠવા ઝોનના વિવિધ વિસ્તારોમાં પ્રવેશ નિષેધના બેનરો લગાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાંદેરમાં પણ પ્રવેશ નિષેધના પોસ્ટરો લગાડવામાં આવી રહ્યાં છે. મનપા દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહી સામે લોકોમાં ભારે અકળામણ છે.

જો મનપા દ્વારા ચૂંટણી સમયે જ આ રીતે સઘન કામગીરી કરવામાં આવી હોત અને ચૂંટણી મેળાઓ કરવા દેવામાં આવ્યા નહીં હોત તો કોરોનાના કેસ વધ્યા નહીં હોત અને અત્યાર સુધીમાં સુરત શહેરમાંથી કોરોના નાબુદ પણ થઈ ગયો હોત.

કોરોનાના કેસ વધતાં વેસુમાં મ્યુનિ.કમિ.એ રાઉન્ડ લીધો

જ્યારે શહેરમાં કોરોનાનો પીક સમય હતો. ત્યારે અઠવા ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાતા હતા. ત્યારબાદ ધીરે ધીરે કોરોના આંશિક કાબુમાં આવતા પ્રતિદિન નોંધાતા કેસ પણ ઘટ્યા હતા. પરંતુ હવે ફરીવાર સંક્રમણ વધી રહ્યું છે.

જેમાં ફરીવાર અઠવા ઝોનમાં સંક્રમણ વધતા મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વેસુ વિસ્તારમાં રાઉન્ડ લીધો હતો અને જે સોસાયટીમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં બેનરો લગાવી વધુ સાવચેતી રાખવા લોકોને સુચના આપી હતી. સાથે જ ઝોનમાં પણ સુચના આપવામાં આવી હતી કે, કોવિડ ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરાવવામાં આવે.

Related Posts