SURAT

સ્મીમેર હોસ્પીટલમાં કોન્ટ્રાકટ સફાઈ કર્મીઓને પગાર નહિ મળતા હોબાળો

surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં કોરોના કાળમાં આપવામાં આવેલો હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ ( contract) ચાલુ મે મહિનાથી પૂર્ણ થઈ ગયો છે. જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા હાઉસ કીપર્સને એપ્રિલ મહિનાનો પણ પગાર હજુ સુધી ચૂકવવામાં નહીં આવતાં આખરે અકળાયેલા ૩૫થી વધુ હાઉસ કીપર્સે બુધવારે સવારે સ્મીમેર હોસ્પિટલમાં ડી બ્લોક પાસે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે કોન્ટ્રાક્ટર સહિત સ્મીમેર હોસ્પિટલના અધિકારીઓ દોડતા થયા હતા. અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક આ પ્રશ્નનો નિરાકરણ લાવવા જણાવ્યું હતું. તંત્રવાહકો દ્વારા આખરે અલ્ટ્રા નામની કંપનીના યશને સ્મીમેરમાં હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સ્મીમેરમાં નર્મદા નામની મહિલા આખો કારભાર સંભાળતી હતી.

કોન્ટ્રાક્ટ અપાયા બાદ સ્મીમેરમાં કોવિડ પોઝિટિવ ( covid positive) -નેગેટિવ લાશોનું પેકિંગ કરવાનું કામ તથા દર્દીઓના ડાયપર ચેન્જ કરવાનું કામ અને દર્દીની અન્ય સેવાઓનું કામ તેઓ દ્વારા કરવામાં આવતું હતું. આ મહિને અલ્ટ્રા કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયો હતો. જેથી તમામ હાઉસ કીપર્સ સ્મીમેરમાંથી છૂટા થઇ ગયા હતા. જો કે, તમામનો ગયા મહિનાનો પગાર બાકી છે. કોન્ટ્રાક્ટર પાસે પૈસાની માંગણી કરતાં તેમણે પૈસા આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. મહિનો પૂરો થવાને ૧૨ દિવસ વિતી ગયાં હોવા છતાં પગાર ન મળતાં આખરે બુધવારે સવારે તમામ હાઉસ કીપિંગોએ સ્મીમેરમાં ડી બ્લોક પર ભેગા થઈ પગાર મુદ્દે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે સ્મીમેરના વહીવટી વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. તેઓએ તાત્કાલિક કોન્ટ્રાક્ટરને બોલાવી તમામ કર્મચારીઓનો જે બાકી પગાર નીકળતો હોય તે ચૂકવી મામલો પતાવી દેવા આદેશ કર્યો હતો.

છેલ્લા એક વર્ષથી દિવસ-રાત કામ કરતા નર્સિંગ સ્ટાફે તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા આજે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ અંગે માહિતી આપતા નર્સિંગ એસો.ના દિનેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, યુનાઇટેડ નર્સિંગ ફોરમના રાજ્યભરના જિલ્લા પ્રતિનિધિઓની એક મીટીંગ મળી હતી, આ મીટીંગમાં નર્સિંગ સ્ટાફના પડતર પ્રશ્નોને લઇને ચર્ચા કરવામાં આવી હતી. નર્સિંગનો સ્ટાફ છેલ્લા એક વર્ષથી પરિવારની ચિંતા વગર કામ કરી રહ્યો છે પરંતુ તેઓની માંગણી સંતોષવામાં આવતી નથી. અમારી માંગણી છે કે, નર્સિંગ સ્ટાફને ગ્રેડ પે રૂા. 4200 અને ખાસ ભથ્થાઓ 9600 ચૂકવાય, નર્સિંસની આઉટસોર્સિંગ ભરતી બંધ કરી 35000 પગારની ચૂકવણી થાય તે સહિતની માંગણી કરાઇ હતી. આજે વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે નર્સિંગ સ્ટાફ દ્વારા પીપીઇ કીટ ઉપર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી તા. 17મી મેથી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top