રામમંદિર નિર્માણ માટે હિન્દુ-મુસ્લિમ બન્ને ઉત્સાહી : ઇમરાને રૂ.25 હજારનું દાન આપ્યું

       નડિયાદ: ‘બાબરી ધ્વંસ વખતે તત્કાલિન વડાપ્રધાન નરસિંહમારાવે આસપાસની 67 એકર જમીન સંપાદન કરી હતી. જેમાં 43 એકર જમીન વિશ્વ હિન્દુ પરિષદની હતી. જોકે, તે સમયે વળતર ચુકવવામાં આવતું હતું.

પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે એક પણ રૂપિયો લીધો નહતો અને લેખીતમાં આપ્યું હતું કે જમીન રામજી મંદિર માટે લીધી હતી અને રામજી મંદિર બનીને જ રહેશે.’ તેમ નડિયાદના સંતરામ મંદિર આંગણે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અને માર્ગદર્શક દિનેશચંદ્રજીએ જણાવ્યું હતું. આ પ્રસંગે દિનેશચંદ્રજીએ જણાવ્યું હતું કે, બે વરસ પછી ભગવાન રામજીનું પૂજન, અર્ચનની તક મળશે. 70 એકર જમીનમાં 6 એકરમાં મંદિર બનશે.

3 એકરમાં ભવન બનશે. આ ઉપરાંત સ્મારક બનશે. જેમાં ઇતિહાસ લખાશે. આ ઉપરાંત રામાયણનું સંગ્રાલય બનશે. જ્યાં દેશ – વિદેશના વિદ્યાર્થીઓ રામાયણ અને ભગવાન રામ પર રિસર્ચ કરી શકશે. સીતા રસોઇમાં ભક્તો માટે પ્રસાદ બનાવવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે, આસપાસની ટેકરીનો પણ વિકાસ કરવામાં આવશે.

જેમાં કુબેર ટેકરી પર શીવલીંગ મુકવામાં આવશે. વિશાળ સભાગૃહ, યજ્ઞ શાળા બનશે. હાલ દેશભરમાં 5 લાખથી વધુ સ્વયંસેવકો નીધિ માટે કામે લાગ્યાં છે. આ પ્રસંગે ખંભાતના ઇમરાન પારેખે રૂ.25 હજાર આપ્યાં હતાં. જે સંતો મહંતોએ સહર્ષ સ્વીકાર્યાં હતાં. આ ઉપરાંત સાંઇ સદાવ્રત મંદિર તરફથી રૂ.51,111 આપવામાં આવ્યાં હતાં.

Related Posts