Vadodara

નિર્માણ હોસ્પિટલનું, પુરાણ વિશ્વામિત્રીનું

વડોદરા: આરાધના ટોકીઝ નજીક સયાજી હોસ્પિટલની જગ્યામાં બાળકો માટેની અદ્યતન 600 બેડની હોસ્પિટલનું નિર્માણ કરાઈ રહ્યું છે. આ હોસ્પિટલના નિર્માણ માટે વિશ્વામિત્રી નદીનું પુરાણ થઇ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ જગ્યા ઉપર ખોદાયેલ માટી તેની સામેની જ વિશ્વામિત્રી નદીના પટ પર ઢગલો કરી દેવાઈ છે અને આ ઢગ થકી નદીનું પુરાણ થઇ રહ્યું છે.
બાળકો માટેની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે જે શહેર તેમજ જિલ્લાના આરોગ્ય સેવામાં વધારો કરશે જે આવકારદાયક બાબત છે.

પરંતુ એક સુવિધા ઉભી કરવામાં કુદરતી સ્ત્રોતનું નિકંદન કાઢવું એ કેટલું યોગ્ય છે. અને તેમાંય ખાસ કરીને નદીનું નિકંદન એ શાખી લેવાય તેવી બાબત નથી. એસ.એસ.જી. હોસ્પિટલની જગ્યા ઉપર 600 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તેનું નિર્માણ કાર્ય નીલકંઠ ઇન્ફ્રા દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા અહીંથી ખોદકામ દરમિયાન નીકળેલ માટીના ઢગ સામે જ વિશ્વામિત્રી નદીના પટ પાર કરી દેવાયા છે. અને હાલમાં એટલો મોટો ઢગલો ઉભો કરવામાં આવ્યો છે કે માટી ધસીને નદીમાં પડી રહી છે અને તેના કારણે નદીનું પુરાણ થઇ રહ્યું છે.

આ માટીનો ઉપયોગ બાંધકામ દરમિયાન ત્યાંના પુરાણ માટે કરવામાં આવશે જો કે તે પહેલા ચોમાસાનો સમય આવી જવાની શક્યતા છે. વડોદરા શહેરમાં આમેય ચોમાસા દરમિયાન સ્થિતિ ગંભીર હોય છે અને પાણીની જાવક માટે કોઈ જગ્યા નથી રહેતી ત્યારે નદીનું જ જો પૂરાં થશે તો સ્થિતિ વધુ ગંભીર બનશે. ત્યારે આ માટી ત્વરિત ધોરણે હટાવી લેવાય તે જરૂરી છે. જોકે, શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર શહેરમાં અનેક દબાણો ઉભા થયા છે. કેટલાક મંજૂરી સાથે તો કેટલાક મંજૂરી વિના દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે.

લેખિતમાં પણ નોટિસ આપવામાં આવી છે
આ બાબત અમારા ધ્યાન ઉપર આવી હતી અને અમે તે સંદર્ભે ડે. એન્જિનિયર તેમજ પી.આઈ.યુ. યુનિટને જાણ કરી છે. અમારા દ્વારા પી.આઈ.યુ. યુનિટને લેખિતમાં પણ નોટિસ આપવામાં આવી છે ઉપરાંત નદીની બાબતે સિંચાઈ વિભાગને પણ જાણ કરી છે કે આ અંગે તેઓની કચેરીએથી પણ તપાસ કરવામાં આવે. અને ત્વરિત પગલાં ભરવામાં આવે.
-ધાર્મિક દવે, કાર્યપાલક ઈજનેર, ઉત્તરઝોન

માટી હટાવવા માટે સૂચના આપવામાં આવી
અમારા ધ્યાન ઉપર આ બાબત આવી છે. આ સરકારી જગ્યામાં જ માટી ઠલવાઇ છે. પરંતુ આ ઢગલો હાલ મોટો થઇ ગયો હોવાથી થોડી માટી નદીમાં ગઈ છે. આ અંગે અમે કોન્ટ્રાક્ટરને જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે આ માટી ત્યાંથી હટાવવા માટે સૂચના આપવામાં આવી છે.
મહેશ દવે, કાર્યપાલક ઈજનેર, પી.આઈ.યુ. યુનિટ

Most Popular

To Top