Columns

કનેક્શન

એક લેખક એક પાવર હાઉસની મુલાકાતે ગયા.પાવર હાઉસના રખેવાળની નાનકડી ઓરડીમાં બેસી તેઓ તેની પાસેથી અમુક માહિતીઓ એકઠી કરી રહ્યા હતા.ચા નાસ્તો કર્યો અને સાંજ પડતાં અંધારું થવા લાગ્યું.લેખકને લખવામાં મુશ્કેલી પડવા લાગી એટલે પાવર હાઉસના રખેવાળે ઊભા થઈને બે ચીમની પેટાવી. એક લેખકની પાસે મૂકી અને એક ઓરડીમાં વચ્ચે…

લેખકને નવાઈ લાગી, તેમણે પૂછ્યું, ‘કેમ ચીમની સળગાવી? લાઈટ નથી કે કંઇક પ્રોબ્લેમ છે?’

રખેવાળે કહ્યું, ‘ના ના, કંઈ પ્રોબ્લેમ નથી.લાઈટ તો છે, પણ હું તો રોજ ચીમની જ વાપરું છું, કારણ કે મેં આ ઓરડીમાં કનેક્શન લીધું જ નથી.’ લેખક બોલ્યા, ‘ભલા માણસ, આ પાવર હાઉસ અહીંથી સેંકડો માઈલ દૂર સુધી વીજળી પહોંચાડી બધે અજવાળાં કરે છે અને તમે અહીં પાવરહાઉસમાં રહો છો, તેની રખેવાળી કરો છો, છતાં અંધારામાં રહો છો?’

રખેવાળ બોલ્યો, ‘સાહેબ, કનેક્શન ન લીધું હોય તો વગર કનેકશને તો એવું જ થાય ને…કનેક્શન વિના વીજળી ક્યાંથી આવે અને અજવાળાં કઈ રીતે થાય?’

આ સાવ નાનકડા પ્રસંગ બાદ ઘરે જતી વખતે લેખક વિચારવા લાગ્યા કે આ વાત આપણા જીવનને પણ લાગુ પડે છે. આપણે પળે પળે પરમ શક્તિના પાવરહાઉસની વચ્ચે જ રહેતા હોઈએ છીએ.પણ આપણે કનેક્શન નથી લીધું હોતું એટલે ઉજાસ વચ્ચે પણ અંધારું જ રહે છે.

આમ વિચારતાં લેખક ઘરે પહોંચ્યા અને હજી પાણી પીધું ત્યાં લાઈટ ગઈ અને ચારે બાજુ અંધારું થઈ ગયું.પત્ની બોલી, ‘ લાઈટ ગઈ’ પણ બહાર નજર કરતાં જોયું તો માત્ર તેમના ઘરની લાઈટ ગઈ હતી, બાકી બધે લાઈટ ચાલુ હતી.

લેખકે તપાસ કરી જોયું તો તેમના ઘરનો  ફ્યુઝ ગયો હતો.લાઈટ તો હતી જ.પાવર હાઉસમાંથી સપ્લાઈ ચાલુ જ હતો.માત્ર તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.લેખકે ફ્યુઝ બરાબર કર્યો એટલે ફરી લાઈટ ચાલુ થઈ ગઈ અને ઉજાસ ફેલાયો. લેખક આ દિશામાં આગળ વિચારવા લાગ્યા કે પાવર હાઉસમાંથી વીજળી આવે જ છે, પણ ફ્યુઝ જાય તો સંપર્ક તૂટી જાય છે તેમ પરમ શક્તિ ઈશ્વરમાંથી કૃપા વરસતી જ રહે છે પણ આપણે કદાચ કનેક્શન જ ન જોડ્યું હોય અને કદાચ કોઇક કારણસર કનેક્શન તૂટી જાય તો તેની કૃપાનો અનુભવ થતો નથી અને જયારે આપણા જીવનમાં દુઃખનાં અંધારાં છવાય ત્યારે આપણે નાસ્તિક બની કહીએ છીએ કે બધે જ અંધારું છે.

ઈશ્વર છે જ નહિ અને કૃપા કરતો જ નથી, પરંતુ હકીકતમાં આપણે અંધારામાં હોઈએ છીએ.કાં તો આપણો ઈશ્વર સાથે સંપર્ક તૂટી ગયો હોય છે અથવા તો  સ્થપાયો જ નથી હોતો.આપણી જ મેઈન સ્વીચ ચાલુ ન હોય ત્યારે ઈશ્વરીય ઉજાસ મન અને જીવનને કઈ રીતે પ્રકાશિત કરી શકે?  ચાલો, આપણું કનેક્શન ચેક કરી લઈએ.  

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top