National

રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો કહ્યું, સત્ય બોલવાની કિંમત ચૂકવી

નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi), જેમને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, તેમણે શુક્રવારે તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી તેમનો તમામ સામાન ખસેડી લીધો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ 22 એપ્રિલે લોકસભા સચિવાલયને 12, તુઘલક લેન બંગલો સોંપી દેશે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને સાંસદ તરીકે આપવામાં આવેલ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. નિવાસસ્થાન ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના લોકોએ મને 19 વર્ષથી આ ઘર આપ્યું છે, હું તેમનો આભાર માનું છું. આ ઉપરાંત તેમણે કહ્યું હું એ સત્ય કીધું તેની આ કિંમત ચૂકવું છું.

રાહુલ ગાંધીએ 14 એપ્રિલે તેમની ઓફિસ અને કેટલીક અંગત વસ્તુઓ બંગલામાંથી તેમની માતા સોનિયા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાને શિફ્ટ કરી હતી. ત્યારે હવે આ વચ્ચે કોંગ્રેસ નેતા શશી શરુરે તેમના વખાણ કર્યા છે. તેઓએ કહ્યું છે કે રાહુલનું આ પગલું નિયમો સામેના તેમનું સન્માન છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે મારો ભાઈ જે પણ કહી રહ્યો છે તે સાચું છે. તેમણે સરકાર વિશે સાચું કહ્યું છે, જેના પરિણામ તેઓ ભોગવી રહ્યા છે. પણ અમે ડરતા નથી.

રાહુલ ગાંધીએ શુક્રવારે સાંજે તેમનો બાકીનો સામાન એ બંગલામાંથી ખસેડ્યો હતો
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ શુક્રવારે સાંજે તેમનો બાકીનો સામાન એ બંગલામાંથી ખસેડ્યો હતો, જે તેમને સાંસદ તરીકે ફાળવવામાં આવ્યો હતો. એક ટ્રક તેના સામાન સાથે બિલ્ડિંગની બહાર જતી જોવા મળી હતી. રાહુલ ગાંધી લગભગ બે દાયકાથી આ બંગલામાં રહેતા હતા. રાહુલે તેમની ઓફિસ શિફ્ટ કર્યા બાદ તેમણે તેમની માતા અને કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના 10, જનપથ નિવાસસ્થાને રહેવાનું શરૂ કર્યું હતું.

સુરતની કોર્ટે 23 માર્ચે ગાંધીને માનહાનિ માટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા ફટકારી
સુરતની એક કોર્ટે 23 માર્ચે ગાંધીને માનહાનિ માટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા ફટકારી હતી, જેના કારણે તેઓ ગેરલાયક ઠર્યા હતા. રાહુલ ગાંધીએ મેજિસ્ટ્રિયલ કોર્ટના આદેશને સુરતની સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, જેણે દોષિત ઠરાવવાની તેમની અપીલને ફગાવી દીધી હતી, જેનાથી તેમના સાંસદ તરીકે પુનઃસ્થાપિત થવાનો માર્ગ મોકળો થયો હોત. પાર્ટીએ કહ્યું છે કે, સેશન્સ કોર્ટના આદેશને આવતા અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. તેમની ગેરલાયકાતના એક દિવસ પછી, લોકસભા સચિવાલયે ગાંધીને 22 એપ્રિલ સુધીમાં જગ્યા ખાલી કરવા માટે નોટિસ મોકલી હતી.

Most Popular

To Top