Sports

જાડેજા-કોનવેની જુગલબંધીથી સીએસકેએ સનરાઇઝર્સને હરાવ્યું

ચેન્નાઇ : અહીં ચેપોકની સ્પીનરોને મદદરૂપ વિકેટ પર રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો પોતાની સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવવામાં નિષ્ફળ રહેતા 20 ઓવરમાં 7 વિકેટે 134 રનનો સ્કોર કરીને તેમણે મૂકેલા 135 રનના લક્ષ્યાંકને ચેન્નાઇ સુપર કિંગ્સે ડેવોન કોનવેની 57 બોલમાં 77 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી 3 વિકેટના ભોગે કબજે કરીને મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

લક્ષ્યાંક કબજે કરવા મેદાને ઉતરેલી ચેન્નાઇ સુપર કિંગ્સ વતી ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડે આક્રમક શરૂઆત અપાવીને 11 ઓવરમાં 87 રન બનાવી લીધા હતા. આ સ્કોર પર ગાયકવાડ 35 રન કરીને રનઆઉટ થયો હતો. તે પછી અજિંક્ય રહાણે અને અંબાતી રાયડુ પણ 9-9 રન કરીને આઉટ થયા હતા. જો કે કોનવેએ 77 રનની નોટઆઉટ ઇનિંગ રમીને સીએસકેને 7 વિકેટે જીત અપાવી હતી.

ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી સનરાઇઝર્સને સારી શરૂઆત તો મળી હતી પણ તે પછી તેનો કોઇ બેટ્સમેન પોતાની એ સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નહોતો. હેરી બ્રુક 18, અભિષેક શર્મા 34, રાહુલ ત્રિપાઠી 21, એડન માર્કરમ 12, હેનરિક ક્લાસેન 17 રન કરીને આઉટ થયા હતા. બોલિંગ ઓલરાઉન્ડર માર્કો યાન્સેન 22 બોલમાં 17 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એક તબક્કે એવું લાગતું હતું કે સનરાઇઝર્સ હૈદરાબાદ 170થી 180 રનનો સ્કોર બનાવશે, જો કે રવિન્દ્ર જાડેજાની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સના બોલરોએ મિડલ ઓવરમાં એવો સકંજો કસ્યો કે સનરાઇઝર્સના બેટ્સમેનો ખુલીને રમી શક્યા નહોતા અને તે પછી રનરેટ વધારવાના પ્રયાસમાં આઉટ થયા હતા. સીએસકે વતી રવિન્દ્ર જાડેજાએ અંકુશિત બોલિંગ કરીને 22 રનમાં 3 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top