Madhya Gujarat

સરદારના ઘર પાસે કોંગ્રેસના નેતા સામે યુવાનોએ જયશ્રી રામના નારા લગાવ્યાં

આણંદ : કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાને કોંગ્રેસના નેજા હેઠળ રચાયેલી સરદાર સંકલ્પ સન્માન આંદોલન સમિતી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી નામ આપવાનો રાજ્ય વ્યાપી વિરોધ કરવાનો ટંકાર કરવાનું નક્કી કરાયું હતું. જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી પણ હાજર રહેવાના હતા. બીજી તરફ સ્થાનિક યુવાનો દ્વારા આ કાર્યક્રમનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ભરતસિંહે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની શિલા અંગે આપેલા નિવેદનના પગલે રોષે ભરાયેલા યુવાનોએ કોંગ્રેસના નેતા સામે જ જયશ્રી રામના નારા લગાવ્યાં હતાં. સામાપક્ષે કોંગ્રેસના ટેકેદારો દ્વારા જય સરદારના નારા લગાવવામાં આવતા હાઈડ્રામા સર્જાયો હતો. બે કલાક સુધી ચાલેલા આ ડ્રામામાં પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

અમદાવાદના મોટેરા ખાતે જે સરદાર પટેલ સાહેબના નામનું સ્ટેડિયમ આવેલું છે, જે વિશ્વમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણવામાં આવે છે. પરંતુ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ હટાવી અને જે સ્ટેડિયમનું રીનોવેશન કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કરવામાં આવ્યું છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા સરદાર સાહેબનું અપમાન થયું હોવાનું કહી તેનો વિરોધ કરતો રાજ્યવ્યાપી આંદોલન ચલાવવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આ આંદોલનનો કરમસદ ખાતે સરદાર પટેલના ઘરેથી એલાન કરી રણશીંગુ ફુંકવાની તૈયારી હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે રવિવાર સવારથી જ કોંગ્રેસના ધારાસભ્ય સહિત દિગ્ગજ નેતાઓ એકત્ર થયાં હતાં અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીની રાહ જોતાં હતાં.

દરમિયાનમાં કેટલાક સ્થાનિક યુવાનો ધસી આવ્યાં હતાં અને કાર્યક્રમનો વિરોધ કરી જયશ્રી રામના નારા લગાવ્યાં હતાં. જેના પગલે હાઈડ્રામા સર્જાયો હતો. એક તરફ કોંગ્રેસના નેતાઓ અને ટેકેદારો અને બીજી તરફ યુવાનો સામસામે નારા લગાવી રહ્યાં હતાં. કોંગ્રેસના ટેકેદારોએ સરદાર કા કર્ઝ ચુકાના હૈ, સન્માન વાપસ લાના હૈના નારા લગાવ્યાં હતાં. જેના પગલે મામલો તંગ થઇ ગયો હતો. જોકે, બન્ને પક્ષે માત્ર નારા બાજી જ હતી. આશરે દોઢ બે કલાક ચાલેલા આ નારાબાજીની જાણ વિદ્યાનગર પોલીસને થતાં તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી હતી અને મામલાને થાળે પાડ્યો હતો.

બીજી તરફ યુવાનોનો મીજાજ જોઇ ભરતસિંહ સોલંકીએ આવવાનું ટાળ્યું હતું. જેથી નેતાઓએ સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી કાર્યક્રમ આટોપી લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, પેટલાદ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહિડા, કરમસદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભલાભાઈ સોલંકી, ઇન્ડિયન નેશનલ યુથ કોંગ્રેસના સચિવ ડો. પલક વર્મા, મહિલા કોંગ્રેસના પ્રમુખ કપિલાબહેન ચાવડા વિગેરે હાજર રહ્યાં હતાં.

સરદાર કા કર્ઝ ચુકાના હૈ, સન્માન વાપિશ દિલાના હૈ”ના નારા સાથે આંદોલન
કરમસદ ગામ કે જે તેનું નિવાસ સ્થાન છે ત્યાંથી આણંદ જીલ્લા અને ગુજરાતના સરદાર પ્રેમી લોકો એ “સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત” સમિતિ બનાવી છે. આ આંદોલન સમિતિ જે સરદાર સાહેબનું અપમાન થયું છે, તેના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે આખા ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે અને લોક જાગૃતિના અનેક કાર્યક્રમો આપી રહી છે. આ આંદોલન સમિતિ નો સૂત્ર છે “ સરદાર કા કર્જ ચૂકાના હૈ, સન્માન વાપિશ દિલના હૈ” સાથે જ્યાં સુધી મોટેરા ખાતે આવેલા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોટી નામ હટાવી પછી સરદાર વલ્લભ ભાઈ સ્ટેડિયમ કરવામાં નહિ આવે ત્યાં સુધી આ આંદોલન ગાંધી ચીંધ્યા માર્ગે ચાલુ રહેશે.

Most Popular

To Top