Editorial

કોંગ્રેસે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચી પરંતુ ફેક્ટ બહાર આવે તેવી સંભાવના નથી

છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી. આ 3 દાયકામાં અનેક ચૂંટણીઓ આવી પરંતુ કોંગ્રેસ એકેય ચૂંટણી જીતી શકી નથી. અગાઉ 1985માં કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી જીતી હતી પરંતુ ત્યારબાદ કોંગ્રેસનો ક્યારેય ગજ વાગ્યો નથી. તેમાં પણ જ્યારથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી કોંગ્રેસે ગુજરાતમાં સત્તાના નામે નાહીં નાખવું પડ્યું છે. 1985માં કોંગ્રેસે રેકોર્ડ બ્રેક 149 બેઠક જીતીને સોંપો પાડી દીધો હતો. જો કે, બાદમાં ગુજરાતમાં થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસનું ધોવાણ જ થયું હતું. 1990માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભાજપ અને જનતા દળ ગઠબંધન કરીને લડ્યા અને પરિણામે કોંગ્રેસના હાથમાં માત્ર 33 જ બેઠક આવી.

1990થી શરૂ કરીને અત્યાર સુધીમાં ગુજરાતમાં 8 ચૂંટણીઓ આવી ચૂકી પણ ક્યારેય કોંગ્રેસ બહુમતી મેળવી શકી નહીં. છેલ્લે 2017માં કોંગ્રેસે 77 બેઠક મેળવીને ભાજપને હારની નજીક લાવી દીધો હતો પરંતુ બાદમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પાકી બહુમતી બનાવી લીધી. છેલ્લે 2022માં થયેલી ચૂંટણીએ તો કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો. ગુજરાતમાં ક્યારેય નહીં આવી હોય એટલી માત્ર 17 જ બેઠક કોંગ્રેસની આવી અને ભાજપે 156 બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી. કોંગ્રેસનો વોટ શેર એટલી હદે ગગડી ગયો કે આટલા ઓછા મત તો કોંગ્રેસને ક્યારેય મળ્યા નથી. કોંગ્રેસની આ હાલત એટલા માટે થઈ કે ગુજરાતમાં કોંગ્રેસે ક્યારેય બેઠી થવા પ્રયત્ન જ કર્યો નથી. ભાજપે હંમેશા ગુજરાતને એક પ્રયોગ માટેનું રાજ્ય બનાવી અનેક પ્રયોગો કર્યા.

ભાજપના આ પ્રયોગોનો પ્રતિકાર પણ કોંગ્રેસે કર્યો નહી. ભાજપે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને પોતાની સાથે લઈ લીધા પરંતુ કોંગ્રેસ પોતાના જ આગેવાનો તેમજ કાર્યકરોને સાચવી શકી નહીં. જે સારા આગેવાનો હતા તેમને કોંગ્રેસે હડધૂત કર્યા અને નઠારાઓને આગળ કર્યા. કોંગ્રેસમાં પ્રદેશના નેતાઓની જુથબંધી એટલી હદ સુધીની હતી કે લાગવગીયાઓને આગળ કર્યા. કોંગ્રેસમાં છેલ્લી કેટલીક ચૂંટણીઓથી એવી હાલત છે કે જેટલા આગેવાનો વિધાનસભા, લોકસભા, પાલિકા કે પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી લડે છે તે તમામ આગેવાનો કોંગ્રેસના કાર્યક્રમોમાં ક્યારેય દેખાતા નથી.

જે કોંગ્રેસના કાર્યક્રમોમાં દેખાય છે તે નેતાઓને કોંગ્રેસ ટિકીટ આપતી નથી. ટિકીટો વેચવામાં આવે છે અને તેને કારણે કોંગ્રેસની આજની હાલત થઈ ગઈ છે. તાજેતરમાં 2022માં થયેલી કારમી હાર પછી આ હાર કઈ રીતે થઈ તે શોધવા માટે કોંગ્રેસ દ્વારા ફેક્ટ ફાઈડિંગ કમિટી બનાવવામાં આવી. આ કમિટીમાં ત્રણ સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી. આ કમિટી દ્વારા તમામ 182 ઉમેદવારોને મળીને હારના કારણો શોધવામાં આવશે. આ કમિટી કયા કારણો શોધશે તે તો સમય જ કહેશે પરંતુ કોંગ્રેસની હાર પાછળ કોઈ ફેક્ટ શોધવા જેવું નથી. હારના દરેક કારણો નજર સામે જ છે.

મોટાભાગના ઉમેદવારોએ પાર્ટીના નાણાં ગજવે ઘાલી દીધા છે. મોટાભાગના કાર્યકરોએ ઉમેદવારો પાસેથી નાણાં લઈને કામ કર્યા નથી અને કેટલાક કાર્યકરો એવા છે કે જેણે નાણાં નહી મળતા પાર્ટીનું કામ કર્યું નથી. કોંગ્રેસની હાર પાછળ આ કારણો જવાબદાર છે. હકીકતમાં ગુજરાતમાં કોંગ્રેસ જીવંત જ નથી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ જાગે છે અને બાદમાં તેના આગેવાનો ફરી સુઈ જાય છે. જેની સામે ભાજપમાં રોજ નવા કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે. સતત કાર્યકરોને દોડતા રાખવામાં આવે છે અને પરિણામે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપે મહેનત કરવી જ પડતી નથી. કોંગ્રેસમાં દરેક ચૂંટણીના પરિણામો બાદ આવી કમિટીઓ બને છે પરંતુ આ કમિટીઓ શું શોધે છે અને તેની પર શું પગલા લેવામાં આવે છે તેની કોઈને જ ખબર નથી.

ખૂદ કોંગ્રેસના આગેવાનોને પણ ખબર હોતી નથી. કોંગ્રેસે ખરેખર આવી કમિટીઓ બનાવવાને બદલે પાર્ટીને મજબુત કરવા તરફ ધ્યાન આપવું જોઈએ. જે આગેવાનો જુથબંધીમાં રાચે છે તે આગેવાનને પાર્ટીની બહારનો રસ્તો બતાડી દેવાની જરૂરીયાત છે. લોકો સુધી પહોંચવાની જરૂરીયાત છે. લોકોના કામો કરવાની જરૂરીયાત છે. લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની જરૂરીયાત છે અને સાથે સાથે નાણાં જોઈને બીજી પાર્ટીમાં જતા રહે તેવા આગેવાનોને બદલે પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરોને ટિકીટ આપવામાં આવશે કે પછી હોદ્દા આપવામાં આવશે તો જ કોંગ્રેસ આગળ આવી શકશે તે નક્કી છે.

Most Popular

To Top