Editorial

અતિધનાઢ્ય પદ્મનાભન મંદિરની વહીવટી સમિતિ અને ત્રાવણકોરના રાજકુટુંબનો સંઘર્ષ હવે ઉગ્ર બની શકે છે

દક્ષિણ ભારતના કેટલાક મંદિરો અઢળક સંપત્તિ ધરાવે છે અને તેમાં સંપત્તિને લગતા જાત જાતના વિવાદો પણ સર્જાતા રહે છે. કેરળનું પદ્મનાભન મંદિર પણ આવા મંદિરોમાં સમાવિષ્ટ છે અને આ મંદિર સાથે એક સમયના ખૂબ જાણીતા ત્રાવણકોર સામ્રાજ્યના રાજવી કુટુંબનું નામ પણ સંકળાયેલું છે. પરંતુ હાલમાં આ મંદિરના વહીવટીતંત્રે સુપ્રીમ કોર્ટમાં એક રજૂઆત કરતા જણાવ્યું છે કે કોરોનાવાયરસના રોગચાળાને કારણે આ મંદિર નાણા ભીડમાં આવી ગયું છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિર સખત નાણાભીડમાં છે અને મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતી વસ્તુઓ અને નાણાની રકમ આ મંદિરના ખર્ચને પહોંચી વળવા માટે પુરતી નથી એમ તેની વહીવટી સમિતિએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું જ્યારે તેણે મંદિરને લગતું ટ્રસ્ટ કે જેનું સંચાલન ત્રાવણકોરના રાજકુટુંબ દ્વારા કરવામાં આવે છે તેનું ઓડિટ કરવાની માગણી કરી હતી. બીજી બાજુ ત્રાવણકોરના રાજવી કુટુંબ દ્વારા આ ટ્રસ્ટનું ઓડિટ કરવામાં આવે તેની સામે વિરોધ વ્યક્ત કર્યો છે.

મંદિરનું સંચાલન કરતા વહીવટીતંત્રે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેરળના તમામ મંદિરો બંધ છે અને જ્યારે આ મંદિરનો માસિક ખર્ચ રૂ. ૧.૨પ કરોડ છે ત્યારે અમને માંડ ૬૦-૭૦ લાખ રૂપિયા મળે છે. અમે કેટલાક ચોક્કસ આદેશો ઇચ્છીએ છીએ એમ આ સમિતિ વતી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર. બસંતે જસ્ટિસ યુ.યુ. લલિતના વડપણ હેઠળની બેન્ચને જણાવ્યું હતું. આ મંદિર ભારે નાણાભીડમાં છે અને અમે અમે સંચાલન કરી શકતા નથી એમ બસંતે જણાવતા આક્ષેપ કર્યો હતો કે આ મંદિરનું ટ્રસ્ટ તેનો રેકર્ડ ઓડિટ માટે ઉપલબ્ધ નહીં કરાવીને તેની જવાબદારી ટાળી રહ્યું છે.

મંદિરના ટ્રસ્ટ પાસે ૨.૮૭ કરોડ રૂપિયા રોકડમાં અને રૂ. ૧.૯પ કરોડની મિલકતો ૨૦૧૩ના ઓડિટરના અહેવાલ પ્રમાણે છે અને તેથી આ આખી બાબત તપાસવાની જરૂર છે કે ટ્રસ્ટ પાસે કેટલા પૈસા છે એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે ટ્રસ્ટ તરફે ઉપસ્થિત થયેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી અરવિંદ દાતારે દલીલ કરી હતી કે આ એક જાહેર ટ્રસ્ટ છે અને તે રાજકુટુંબ દ્વારા રચવામાં આવ્યું હતું અને વહીવટમાં તેની કોઇ ભૂમિકા નથી. આ કેસમાં ટ્રસ્ટનો ઉલ્લેખ એમિકસ ક્યુરી દ્વારા કરવામાં આવ્યો હતો અને તે આ અરજીનો ભાગ નથી એમ તેમણે કહ્યું હતું. આ દલીલબાજી જોતા લાગે છે કે આ પદ્મનાભન મંદિરના વહીવટી તંત્ર અને ત્રાવણકોરના રાજવી કુટુંબ વચ્ચેનો સંઘર્ષ હવે લંબાઇ શકે છે અને વધુ ઉગ્ર બની શકે છે.

કેરળના થિરૂવનંથપુરમમાં આવેલ આ મંદિરની ગણના વિશ્વના સૌથી મિલકતો ધરાવતા ધર્મસ્થાનોમાં થાય છે અને તેની પાસેની ખરેખરી મિલકતો તો અબજો રૂપિયામાં જાય છે એમ કહેવાય છે. ખરેખર તો ત્રાવણકોરના રાજકુટુંબે રચેલા ટ્રસ્ટ પાસેની જે મિલકતો છે તેના કરતા ક્યાંય વધુ મિલકતો આ મંદિરના નામે હોવાનું કહેવાય છે અને ખરી લડાઇ આ મિલકતો અંગેની જ હોય એમ હોઇ શકે છે. આપણા ધર્મસ્થાનોમાંથી વૈરાગ્યના ઉપદેશો આપવામાં આવે છે પણ ઘણા બધા ધર્મસ્થાનો અઢળક સંપતિઓ ધરાવે છે અને આ મિલકતો પર કબજા માટે કુટિલ કાવા દાવા થાય છે અને આ લડાઇ ઝઘડાઓ અદાલતે પણ ચડે છે. અનેક મંદિરો, દરગાહો વગેરેની મિલકતો અંગેના ઝઘડાઓ અદાલતોમાં ગયા હોવાના અનેક ઉદાહરણો છે. ધર્મસ્થાનોની અઢળક મિલકતો સરકાર પોતાના હસ્તક લઇ લે તેવા સૂચનો વખતો વખત થતા આવ્યા છે પણ ધર્મ એ આપણા દેશમાં ઘણો સંવેદનશીલ મુદ્દો રહ્યો છે અને કોઇ સરકાર આવી હિંમત કરી શકતી નથી.

Most Popular

To Top