Columns

રાજનૈતિક મૂલ્યો બાબતમાં કોંગ્રેસની નેતાગીરી દેવાળું ફૂંકવાની સ્થિતિમાં છે

રાજકીય નીતિમત્તાનું વસ્ત્રાહરણ કરવાની બાબતમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા સાથે હોડમાં ઊતર્યાં છે. ભાજપે તાજેતરમાં વિધાનસભ્યોના કે જનતાના મતની પરવા કર્યા વિના લોકપ્રિય પુરવાર થયેલા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ગડગડિયું આપી દીધું તો કોંગ્રેસે લોકપ્રિયતા ગુમાવી રહેલા પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પગ હેઠળથી જાજમ ખેંચીને તેમને રાજીનામું આપવા મજબૂર બનાવી દીધા.

ભાજપના મોવડીમંડળે તેમ કરવામાં થોડી શાલીનતા રાખી હતી. તેણે ફોન કરીને વિજય રૂપાણીને રાજીનામું આપવાનો આદેશ કર્યો હતો; પણ કોંગ્રેસે તો તેમ કરવામાં પણ શાલીનતા ત્યજી દીધી હતી. કેપ્ટન અમરિંદર સિંહને ફોન કરીને રાજીનામું આપવાનું કહેવાને બદલે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક તેમની જાણ બહાર બોલાવીને તેમને ઉથલાવી પાડવાનો તખતો ગોઠવી દેવાયો હતો. મોવડીમંડળને ખબર હતી કે અપમાનિત થયેલા કેપ્ટન રાજીનામું આપશે અને નવા મુખ્ય પ્રધાનની સ્થાપનાનો રસ્તો સાફ કરી આપશે.

કોંગ્રેસમાં સ્વ. ઇન્દિરા ગાંધીના અને શ્રીમતી સોનિયા ગાંધીના કાળમાં પણ મોવડીમંડળની મુનસફી મુજબ મુખ્ય પ્રધાનોને ગડગડિયું આપી દેવામાં આવતું હતું; પણ તેમ કરવાની રીત અલગ હતી. કેપ્ટન અમરિંદર સિંહને જે રીતે ગબડાવી પાડવામાં આવ્યા છે તે તો કોંગ્રેસે નક્કી કરેલાં ધારાધોરણો કરતાં પણ નીચલી કક્ષાની રમત છે. આ રમતની મુખ્ય ખૂબી એ છે કે પંજાબનો સત્તાપલટો શ્રીમતી સોનિયા ગાંધીની કે રાહુલ ગાંધીની યોજના મુજબ નથી કરવામાં આવ્યો, પણ પ્રિયંકા ગાંધીના તરંગ મુજબ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી કોંગ્રેસનાં અધ્યક્ષ નથી કે તેમને પંજાબનો હવાલો સોંપવામાં આવ્યો નથી.

તેમ છતાં તેમણે પડદા પાછળ રહીને રાહુલ ગાંધીનો તથા નવજોતસિંહ સિદ્ધુનો ઉપયોગ કરીને કેપ્ટન અમરિંદર સિંહને ઉથલાવી પાડ્યા હતા. પંજાબની બાબતમાં માથું મારવાનો રાહુલને કોઈ અધિકાર નહોતો પણ તે વાતની કોઈ ચર્ચા જ નથી. સ્વ. ઈન્દિરા ગાંધીની કે ઇવન શ્રીમતી સોનિયા ગાંધીની કોંગ્રેસમાં જો કેપ્ટન અમરિંદર સિંહનું ઓપરેશન કરવાની જરૂર પડી હોત તો તેની પદ્ધતિ અલગ હોત. હાલમાં શ્રીમતી સોનિયા ગાંધી કહેવા માટે કાર્યકારી કોંગ્રેસ અધ્યક્ષ છે, પણ તેમની સોડમાં છૂપાઇને હકીકતમાં રાહુલ અને પ્રિયંકા જ કોંગ્રેસનો દોરીસંચાર કરી રહ્યાં છે. ૨૦૦૪ માં અને ૨૦૦૯ માં લોકસભાની ચૂંટણી જીતીને સત્તા પર આવેલી કોંગ્રેસના રાજમાં આ રીતે મુખ્ય પ્રધાનોને ટ્રિટ નહોતા કરવામાં આવતા. જૂના કાળમાં જો કોઈ મુખ્ય પ્રધાને લોકપ્રિયતા ગુમાવી દીધી છે તેમ મોવડીમંડળને લાગે તો કોઈ સિનિયર કેન્દ્રિય નેતાને મુખ્ય પ્રધાનને મળવા માટે મોકલવામાં આવતા હતા.

અહમદ પટેલ જેવા મુત્સદ્દી નેતા તેમને મળીને તેમની કાર્યશૈલી સુધારવાનો મોકો આપતા હતા. તેમ છતાં પણ જો તેઓ પરિસ્થિતિમાં સુધારો ન આણી શકે તો તેમને ફોન કરીને રાજીનામું આપવાનું કહેવામાં આવતું હતું. આ રીતે દૂર કરવામાં આવેલા મુખ્ય મંત્રીને કેન્દ્રિય કેબિનેટમાં સમાવી લેવામાં આવતા હતા કે કોઈ રાજ્યના ગવર્નર બનાવી દેવામાં આવતા હતા, જેથી તેઓ બળવાખોર ન બની જાય. કેપ્ટન અમરિંદર જેવા સિનિયર નેતાને આવી કોઈ તક આપ્યા વિના દૂધમાંથી માખી કાઢવામાં આવે તેમ કાઢીને ફેંકી દેવામાં આવ્યા હતા. તેનું નુકસાન કદાચ કોંગ્રેસે આગામી ચૂંટણીઓમાં સહન કરવું પડશે.

કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર હોય તો તેની સામે અસંતુષ્ટો તો રહેવાના જ; કારણ કે ભિન્ન મત લોકશાહીનો પ્રાણ છે. આ અસંતુષ્ટો સાથે કામ પાડવાની કોંગ્રેસ પક્ષની નીતિમાં જ ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. અગાઉ કોઈ રાજ્યના ચૂંટાયેલા કોંગ્રેસી મુખ્ય પ્રધાન સામે અસંતુષ્ટો કોઈ પણ રજૂઆત કરવા માટે દિલ્હી દોડી જાય તો તેમને સમજાવીને શાંત પાડવામાં આવતા હતા કે પક્ષમાંથી હાંકી કાઢીને મુખ્ય મંત્રીના હાથ મજબૂત બનાવવામાં આવતા હતા.

તેમ છતાં જો અસંતુષ્ટોની તાકાત વધી જાય અને સરકાર ઉથલાવી નાખે તેમ હોય તો તેમની સાથે સમાધાન કરીને પણ સરકારને બચાવી લેવામાં આવતી હતી. કેપ્ટન અમરિંદરસિંહ સામેનું ઓપરેશન કરતી વખતે નીતિમત્તાનાં તમામ જૂનાં ધોરણો પણ નેવે મૂકી દેવામાં આવ્યાં હતાં. હકીકતમાં મોવડીમંડળ દ્વારા નવજોતસિંહ સિદ્ધુ જેવા નેતાને કેપ્ટન અમરિંદર સિંહ સામે ઊભો કરવામાં આવ્યો હતો. તેને પ્રદેશાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યો હતો. દિલ્હી દરબારમાં તેનો જ અવાજ સાંભળવામાં આવતો હતો. છેવટે તેના ઇશારે કેપ્ટનને દૂર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના મોવડીમંડળે ખુલ્લંખુલ્લા કોઈ અસંતુષ્ટ નેતાનો પક્ષ લીધો હોય તેવું પહેલી વાર બન્યું છે.

દરેક રાજકીય પક્ષને રાજ્યમાં પોતાની સત્તા ટકાવી રાખવા અને એન્ટિ ઇન્કમ્બન્સી વેવનો મુકાબલો કરવા કોઈ તબક્કે મુખ્ય પ્રધાનની હકાલપટ્ટી કરવી પડે છે. ભારતના રાજકારણમાં હવે આ હકીકત સર્વસ્વીકૃત છે, પણ તેમ કરવાની રીત પણ પ્રસ્થાપિત થયેલી છે. તાજેતરમાં ભાજપને આ રીત મુજબ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને બદલવાની જરૂર પડી, પણ તે માટે કોઈ બહાનું ઊભું કરવાની જરૂર ભાજપના મોવડીમંડળને દેખાઈ નહોતી.  દિલ્હીથી ફોન કરીને રૂપાણીને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું અને તેમણે આજ્ઞાંકિત સેવકની જેમ રાજીનામું ધરી દીધું હતું.

પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંહ બાબતમાં આ પદ્ધતિ ત્યજી દેવામાં આવી હતી. કૂતરાંને ઠાર મારતાં પહેલાં જેમ તેને હડકાયો જાહેર કરવામાં આવે છે તેમ કેપ્ટન અમરિંદર સિંહની હકાલપટ્ટી કરતાં પહેલાં તેમની જાહેરમાં બદબોઈ કરવામાં આવી હતી. આ બદબોઈ કરવાનું કામ પ્રદેશાધ્યક્ષને જ સોંપવામાં આવ્યું હતું. પડદા પાછળથી પ્રિયંકા અને રાહુલ તેનો દોરીસંચાર કરતા હતા. જો કેપ્ટને લોકપ્રિયતા ગુમાવી છે, તેવા દાવામાં સત્ય હોય તો આ રીતે કાવતરું કરવાની કોઈ જરૂર નહોતી. તેમને દિલ્હી બોલાવીને તે વાત સમજાવી શકાઈ હોત; પણ તેમ કરવામાં આવ્યું નહોતું. આ રીતે કાવતરું કરીને મુખ્ય પ્રધાનને ઉથલાવી પાડવાનો નવો ટ્રેન્ડ કોંગ્રેસમાં જોવા મળ્યો છે.

કોંગ્રેસના કલ્ચરમાં અત્યાર સુધી સિનિયર નેતાનું માન જાળવવામાં આવતું અને જુનિયર નેતાને ધીરજ રાખવાનું કહેવામાં આવતું. મધ્ય પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી તે પછી જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય પ્રધાન બનવા આતુર હતા; પણ તેમને રાહ જોવાનું કહીને સિનિયર નેતા કમલ નાથની પસંદગી કરવામાં આવી હતી. તેવી રીતે જ રાજસ્થાનમાં જુનિયર નેતા સચિન પાઇલોટને વેઇટિંગ લિસ્ટમાં રાખીને સિનિયર નેતા અશોક ગેહલોતને ધુરા સોંપવામાં આવી હતી.

તેને કારણે મધ્ય પ્રદેશમાં સત્તા ગઈ તે પણ ચલાવી લેવામાં આવ્યું હતું; પણ જુનિયરના હાથે સિનિયરનું અપમાન કરવાની નીતિ અપનાવવામાં આવી નહોતી. પંજાબના કિસ્સામાં કેપ્ટન અમરિંદર જેવા નેતાનું ટપોરી જેવા સિદ્ધુના હાથે અપમાન કરાવીને તેમને કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસમાં આ નવો ટ્રેન્ડ બે એવા નેતાઓના હાથે શરૂ કરવામાં આવ્યો છે, જેમની નેતૃત્વની ક્ષમતા જ સવાલોના દાયરામાં છે. રાહુલે કે પ્રિયંકાએ તેમની તાકાત પર કોંગ્રસને હજુ સુધી એક પણ ચૂંટણીમાં વિજય અપાવ્યો નથી. રાહુલ તો પક્ષમાં કોઈ હોદ્દા પર પણ નથી. તેમ છતાં પડદા પાછળ રહીને કાવતરાં કરીને તેઓ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીની રહીસહી આબરૂનું પણ લિલામ કરી રહ્યા છે.

Most Popular

To Top