Madhya Gujarat

કાસોરમાં પત્નીનું ઢીમ ઢાળી દેનારા પતિને આજીવન કેદ

આણંદ : સોજિત્રા તાલુકાના કાસોર ગામે સવા બે વર્ષ પહેલા પતિ – પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ધારિયાના ઘા ઝીંકી દેતાં પત્નીનું મોત નિપજ્યું હતું. આ હત્યા કેસમાં કોર્ટે પતિને આજીવન કેદની સજા અને રૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો. સોજિત્રા તાલુકાના કાસોર ગામે કુંભારીયા સીમમાં રહેતા ભગુભાઈ મણીભાઈ પરમાર ખેતમજુરી કરી જીવન નિર્વાહ કરતાં હતાં. તેઓ 27મી એપ્રિલ, 2019ના રોજ ઘરે હતાં તે દરમિયાન તેના પત્ની મંજુલાબહેનને  ધારીયાના ઘા ઝીંકી દેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ અંગે ભગુભાઈની જ દિકરી જ્યોત્સનાબહેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અને તેની બહેન હેતલ 27મી એપ્રિલ, 2019ના રોજ ઘરની નજીક આવેલા ખેતરમાં ચાર લેવા માટે ગયાં હતાં અને સાંજના છ એક વાગે તેમની નાની ત્રણ બહેનો બુમાબુમ કરવા લાગી હતી. જેથી જ્યોત્સનાબહેનની સાથે ચાર લેવા ગયેલા ઘરના સભ્યો તુરંત તેમના ઘરે આવી ગયાં હતાં. જ્યાં જ્યોત્સનાબહેનના માતા મંજુલાબહેનને ઘરની ઓસરીમાં લોહી લુહાણ હાલતમાં પડેલા જોયાં હતાં. તેમના ડાબા ગાલ ઉપર હોઠથી શરૂ કરીને કાન સુધી તથા ગળાના ડાબી બાજુ ખૂબ જ ઉંડા અને લાંબા પહોળા ઘા જણાઇ આવતાં તેની ચામડી કપાઇ ગઇ હતી. માથાના વાળ પણ લોહીથી ખરડાયેલાં હતાં.

આ અંગે ગુમસુમ બેઠેલા દાદીના પહોંચતા તેઓએ જણાવ્યું હતું કે, તારા પિતા ભગુભાઈએ તેની માતા મંજુલાબહેન સાથે ઝઘડો કરી ધારીયાથી હત્યા કરી છે. આ ફરિયાદ આધારે સોજિત્રા પોલીસે ભગુભાઈ સામે ગુનો નોંધી બીજા દિવસે ધરપકડ કરી હતી. આ મામલે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતાં ન્યાયધિશે ભગુભાઈ પરમારને હત્યા કેસમાં આજીવન કેદની સખત સજા અને રૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકિલ એ.એસ. જાડેજાએ દલીલો કરી હતી.

Most Popular

To Top