આજવા રોડ પર મોડી રાત્રે બંધ મકાનને નિશાન બનાવી રૂ. 5 લાખની ચોરી, બાઈક પર આવેલા બે તસ્કર CCTVમાં કેદ
પરિવાર વૈષ્ણોદેવી દર્શને ગયો ત્યારે તસ્કરો ત્રાટક્યા
વડોદરા, તા. 8
વડોદરા શહેરમાં વડાપ્રધાનના આગમનને લઈને પોલીસ તંત્ર સુરક્ષા અને બંદોબસ્તમાં વ્યસ્ત બન્યું છે. ત્યારે બીજી તરફ તસ્કરો બેફામ બન્યા હોય તેમ શહેરના બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. નાગરવાડા વિસ્તારમાં તાજેતરમાં થયેલી ચોરીની ઘટના હજુ સુધી ઉકેલાઈ નથી, ત્યાં આજવા રોડ વિસ્તારમાં વધુ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ આજવા રોડ પર સેફરોન બેસિક નજીક આવેલી રાજદીપ ટેનામેન્ટમાં રહેતા અને “પંકજ એકેડમી” નામે ટ્યુશન ક્લાસીસ ચલાવતા પંકજભાઈ સુરેશચંદ્ર શર્મા પરિવાર સાથે તા. 29 એપ્રિલના રોજ વૈષ્ણોદેવી દર્શન માટે બહારગામ ગયા હતા. પરિવાર બહાર હોવાથી તેમનું મકાન બંધ હતું.
દરમિયાન તા. 6 મેના રોજ સવારે તેમના બનેવી રાહુલભાઈ બાબુલાલ શર્માએ ફોન કરીને ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં તરત જ પોલીસને માહિતી આપવામાં આવી હતી. બાદમાં પંકજભાઈ પરિવાર સાથે વહેલી સવારે વડોદરા પરત ફર્યા હતા.
ઘરે પહોંચીને તપાસ કરતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. મકાનની અંદર પ્રવેશતા રૂમોમાં સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. તસ્કરોએ બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરી તોડી તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરાયેલા મુદ્દામાલમાં બે સોનાના મંગળસૂત્ર, બે સોનાની વીંટી, ત્રણ સોનાની ચેઇન, બે પેન્ડલ, ચાર જોડ કાનની બુટી, ત્રણ સોનાની ટીકા, ચાંદીનો કંદોરો, માળા અને પાયલ સહિત અંદાજે 500 ગ્રામ ચાંદી તેમજ રૂ. 1.50 લાખની રોકડ રકમનો સમાવેશ થાય છે. કુલ મળીને આશરે રૂ. 5 લાખના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવ્યું છે.
ઘટના દરમિયાન બાઈક પર આવેલા બે તસ્કરો નજીકના CCTV કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે પંકજભાઈ શર્માએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.