Comments

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નીચા ધોરણો કેમ?

સ્વતંત્રતાની સાથે જ જવાબદારી જોડાયેલી છે. અને શિક્ષણક્ષેત્રમાં જવાબદાર પદો ઉપર બેઠેલા લોકોની જવાબદારી ખૂબ વધારે છે. કારણકે તેમના નિર્ણયો સમાજ ઘડતર પર અસર કરનારા છે. ભારતમાં શિક્ષણની ચિંતા કરનારા સૌને પ્રથમ ફરીયાદ તો શિક્ષણ અને શિક્ષણ સંસ્થાઓના સરકારી કારણ સામે છે. સરકારના નિયંત્રણો સામે છે. પણ બંધારણે આપેલા અધિકાર મુજબ શિક્ષણક્ષેત્રની નિર્ણાયક સંસ્થાઓને ઘણી સ્વાયત્તતા પણ છે અને તેમાં રોજીંદા નિર્ણય લેનારા સ્વાયત્ત સત્તા મંડળો પણ છે. બંધારણના ઘડવૈયાઓએ યુરોપિયન સમુદાયમાં વિકસેલા આધુનિક, ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાના માળખાને ભારતમાં પણ સ્વિકાર્યું.

એટલે આપણી યુનિવર્સિટીઓ અને શિક્ષણ બોર્ડમાં સ્થાનિક પ્રતિનિધિત્વ અને સ્વાયત્ત સત્તામંડળો વિકસ્યા. હવે પરંપરાથી ચાલતી આપણી યુનિવર્સિટીઓ અને રાજય શિક્ષણ બોર્ડના સભ્યો માટે આ સત્તામંડળોની સત્તા, જવાબદારીનો તાલિમ કેમ્પ યોજવો પડે તેવી સ્થિતિ થઇ છે. ખાસ તો ઉચ્ચ શિક્ષણની આપણી યુનિવર્સિટીઓ નીચી કક્ષાની રાજનીતિનો અખાડો બની છે. શિક્ષણની તો વાત બાજુ પર મુકો નિતિમત્તા અને ચારિત્રયના જ ખુલ્લેઆમ ધજાગરા ઊડે છે. અને સૌથી આઘાતજનક બાબત એ છે કે યુનિવર્સિટી કક્ષાએ ખરેખર શું ચાલી રહ્યુ છે તેની નેતાઓ, મિડિયા, સમાજના આગેવાનો કોઇને  કશી ખબર જ નથી કારણ તેમને નિસ્બત જ નથી!

આપણે વારંવાર લખીએ છીએ કે દેશ આદર્શોથી નહિ કાયદાના વ્યવહારુ અમલથી ચાલે છે. વ્યવસ્થા કોઇપણ હોય પણ તેને ચલાવનારા નિતીમત્તા સાવ કોરાણે મુકે તેવું કેવી રીતે ચાલે! કોરાનાએ આપણાં શિક્ષણને મોટી હાની પહોંચાડી છે. પણ જવાબદાર પદો ઉપર બેઠેલા કહો કે યેનકેન પ્રકારે ઘુસી ગયેલા સ્થાપિતહિતો (લુખ્ખા તત્વો) આ આખી વ્યવસ્થાને જ બાનમાં લઇને ફરે છે.

આપણી સરકારી, જૂની યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના રોજીંદા નિર્ણયો માટે એકસુકીટીવ કાઉન્સીલ હોય છે. શિક્ષણના અભ્યાસક્રમો માટે બોર્ડ ઓફ સ્ટડીઝ હોય છે. જે તે વિષયના મંડળો હોય છે તેના ચેરમેન હોય છે અને સેનેટ તો હોય જ છે. આમ જૂઓ તો આ લોકશાહી વ્યવસ્થા છે જેમાં દરેક તબકકે નિર્ણય ચર્ચા વિચારના દ્વારા શિક્ષણના હિતમાં લેવાના હોય છે. આપણે ભાજપ-કોંગ્રેસના રાજકારણને વચ્ચે નાખ્યા વગર વિચારવું જોઇએ કે ગમે તેમ પણ આ યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળોમાં ભણેલા – ગણેલા લોકો હોય છે. મોટાભાગના પદો પર અધ્યાપકો અને પ્રિન્સિપાલશ્રીઓ હોય છે.

હા, સમાજનું પ્રતિનિધિત્વ જળવાય તેવા ઉમદા હેતુથી સેનેટ કે ઇ.સી. માં સરકાર અને સમાજના પ્રતિનિધિ પણ હોય છે. હવે સ્થિતિ આ થઇ છે કે યુનિવર્સિટીકક્ષાએ એકસુકીટીવ કાઉન્સિલ જેવી અગત્યના નિર્ણાયક હોદ્દા પર એક-બે સભ્યો જ સ્થાનિક વિસ્તારના માથાભારે અને રાજકીય વગર ધરાવતા લોકો આવી જાય છે. અને આવા એક-બે માથાભારે લોકો આખી યુનિવર્સિટીના સત્તામંડળોને સામ – દામ – દંડ – ભેદથી કાબુમાં કરી લે છે. વળી આમા ઉમેરાયો છે સેલ્ફ ફાયનાન્સ કોલેજોનો ધંધો.

કોલેજોને માન્યતા આપવી, ફી ઉઘરાવવાની મંજૂરી આપવી તેના સ્ટાફની ભરતી કરવી. પરીક્ષાઓ તેવી એ હવે કરોડોનો ધંધો થઇ ગયો છે. અને આ ધંધાની લાલચ આ સ્થાપિત હિતો – હા એ હા – કરતા અધ્યાપકોમાં વહેંચી દે છે માટે અધ્યાપકો પણ બે ભાગ પડી જાય છે. હવે પરિણામ એ છે કે શાળા કક્ષાએ કામ કરતુ સ્કુલ પરિક્ષા બોર્ડ શાળાઓ માટે. શિક્ષણના, પરીક્ષાના, વેકેશનના, પેપર તપાસવાના જે કામ કરે છે તે દિવસે દિવસે સુધરતા જાય છે. જયારે યુનિવર્સિટીકક્ષાએ આ ઇ.સી મેમ્બરોની દાદાગીરીએ શિક્ષણ પરિક્ષણને મજાક બનાવી દીધું છે. હમણાં છેલ્લા બે વર્ષમાં તમે જૂઓ શાળા કક્ષાએ કેવી સારી વ્યવસ્થાની વિદ્યાર્થીનું મુલ્યાંકન થયું! જયાં પરીક્ષા લેવાઇ ત્યાં અને જયાં ન લેવાઇ ત્યાં બન્ને જગ્યાએ આખા ગુજરાતમાં સમાન ધોરણો મુજબ પરિક્ષણ થયું. આનાથી ઉલ્ટું યુનિવર્સિટી કક્ષાએ થયું.

કેટલીક યુનિવર્સિટીએ એમ.સી.કયુ થી ઓનલાઇન પરીક્ષા લીધી તો કેટલાકે નાનાનાના પરીક્ષા કેન્દ્રો વધારીને પણ લેખિત પરીક્ષા લીધી. મોટે ભાગે બધી યુનિવર્સિટીને બન્ને પરીક્ષાના ઓપ્શન તો આપવા જ પડયા. વળી કેટલાકે પ્રથમ વર્ષ જુલાઇમાં જ શરૂ કર્યું. કેટલાકે સપ્ટેમ્બરમાં તો કેટલાકમાં હજુ ઠેકાણા નથી. છેલ્લે એક ચિંતાજનક વાત. હાલે યુનિવર્સિટીમાં સાયન્સના એક પરિણામમાં ખૂબ વિદ્યાર્થીઓ નપાસ થયા. કારણ યુનિ.એ પહેલા કીધું કે મોબાઇલથી MCQ આધારિત પરીક્ષા લેવાશે. પછી કીધું હવે લેખિત લેવાશે. મોટી સંખ્યામાં વિદ્યાર્થી નપાસ થયા. એમાઇ સેલ્ફ ફાયનાન્સ કોલેજોના વધારે નપાસ થયા કારણકે કોરોના કાળમાં ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોએ તો થોડું પણ ભણાવ્યું હતું. સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ તો  મોટાભાગે માત્ર ફી જ ઊઘરાવી હતી.

વિદ્યાર્થીઓ નપાસ થતા, કોલેજોના સંચાલકોના દબાણ અને રાજકીય દબાણ વચ્ચે યુનિ.ના બે-ત્રણ ઇસી મેમ્બરે અદ્‌ભૂત નિર્ણય જાહેર કર્યો કે આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીના પેપર ચેક થશે! આવા તઘલગી નિર્ણય સામે ઘણાએ અવાજ ઉઠાવ્યો! વળી જે પાસ થઇ ગયા છે તેના જે પેપર ફરી તપાસાવવા નથી માંગતા એમના પેપર ફરી શા માટે તપાસવાના? તો અંતે થોડાક…. ખાસ તો નપાસ. અને એમાય માત્ર શુન્ય કે ચાર પાંચ માર્કસ વાળાના પેપર ફરી ચેક કરાવવા માટે કમીટી બનાવી. કમીટીએ તપાસ્યુ કે વિદ્યાર્થીઓએ કશું જ સાચુ લખ્યું નથી.

સત્તાવાળાઓ આ રી-એસેસમેન્ટ દ્વારા કેટલાક ચોકકસને પાસ કરાવવા માંગતા હશે તે પણ ન થયું! પણ મૂળ મુદ્દો આ નથી. મુળ મુદ્દો એ છે કે આપણી યુનિવર્સિટીના સત્તામંડળોમાં બેઠેલા બે-પાંચ લોકો આવા મનમાન્યા નિર્ણયો કેવી રીતે લઇ શકે! મુદ્દો એ છે કે આવા બે-પાંચ જણાને શરણે જનારા, એમના દરબારગઢમાં સલામો મારનારા અધ્યાપકો કે બીજા મેમ્બરો પોતાની ફરજ કેમ નથી બજાવતા! મુદ્દો એ છે કે કોંગ્રેસનું શાસન હોય તો કુલપતિશ્રી કોંગ્રેસના હોય ભાજપનું શાસન હોય તો ભાજપના હોય પણ અંતે હોય છે તો શિક્ષકને! અધ્યાપકને! એ શિક્ષણ અને સમાજ સાથે સાવ જ નિસ્બત ન રાખે તે કેમ ચાલે! અને રાજયના આગેવાનો શું યુનિવર્સિટી લેવલે આ બધુ ચાલે છે તે તમે જાણો છો? શું નવી શિક્ષણનીતિમાં આવા શિક્ષણ સાથે નિસ્બત ન હોય તેવાઓનો છેદ ઊડી જવાનો છે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top