Comments

ભીંડો ઉગ્યો ને ભાદરવો બેઠો..!

તાવનો આંકડો થર્મોમીટરમાં જોતાં હોય એમ, વાર તહેવારે અમુક ના ડોળા તો કેલેન્ડરમાં જ ફરતા હોય..! સવાર પડી નથી ને, કેલેન્ડરમાં ડોકિયું નાખ્યું નથી..! સગર્ભા સ્ત્રીની માફક ચેક જ કરતા હોય કે, કેટલામો મહિનો ચાલે છે..! આટલું તો ખુદની વાઈફને પણ ધારી-ધારીને જોતા ના હોય. કેલેન્ડરની જગ્યાએ, કોઈ સ્ત્રી હોય તો આવાં ‘ડોળાફાડું’ ને જોઇને ચાલવાની દિશા બદલી નાંખે, પણ ભીંતે ટાંગેલુ કેલેન્ડરૂ દીવાલ ત્યાગ કરીને જાય ક્યાં..? વરસ પૂરું થાય એટલે પોતે જ છૂટાછેડા લઇ લે.!

આમ તો કેલેન્ડર માં ફાંફા મારવા કોઈ બુરી આદત નથી. અમે પણ આમ તો સખણીના નહિ કહેવાઈએ. ડાફોળિયાં તો અમે પણ મારતા. ડાફોળિયાં તો અમે પણ મારતા, માત્ર પગારની તારીખ જોવા..! નોકરી કરતો ત્યારે, ચલણી નોટ નહિ ઉથલાવેલી, એનાથી વધારે કેલેન્ડરના પાનિયા ઉથલાવેલા. ૧૪૬ રૂપરડીના પગારમાં માણસ બીજું ઉથલાવી પણ શું શકે..? બહુ ટાણ પડે ત્યારે આપોઆપ નજર કેલેન્ડર ઉપર જઈને અટકતી. ચોઘડિયાં-બોઘડીયા જોવાની તો આદત જ નહિ. જેના લમણે જ હોલસેલ અશુભ ચોઘડિયાનાં ખીલા ઠોકાયા હોય, એ ચોઘડિયા જોઇને પણ શું કાંદો કાઢવાનો..?

એમાં, નિવૃતિ પછી પણ ૧૫ વર્ષ ખેંચી નાંખ્યા. એટલે કેલેન્ડરને બદલે હવે દેવ-દેવીઓના ફોટા ઉથલાવું છું. સમય સાથે સમાધાન તો કરવું પડે ને દાદૂ..? જુવાનીમાં ભલે દેવાનંદ જેવી ચાલ કાઢી હોય, પણ આખરી ઓવરમાં તો દેવાનંદને બદલે, દેવદેવીઓના જ હવાલે જવું પડે. ઉમરના કાંઠે આવ્યા પછી તો રેશમી મૌસમ પણ ફાટેલી ચાદર જેવી લાગવા માંડે. યુવાનીમાં જે ભીંડા ‘ભજીયા’ જેવાં ટેસ્ટી લાગતાં, એ ભીંડો પાછલી ઉમરમાં બાવળનું દાતણ ચાવતા હોય એવો લાગે..! ફેફસું સજીવન હોય, પણ એના બળ ઉપર ચૂંથાયેલા રેશનકાર્ડ જેવું દિલડું કેટલુંક જોર અને જુલમ કરે..?

એકવાર દાંત ‘વોક-આઉટ’ થઇ ગયા પછી, શેરડી ના બુકલાના પણ દર્શન જ કરવાના, છોલાય નહિ..! ભાદરવો બેસે ને ભીંડાનો વાયરસ જેવો ભરાવા માંડે, એમ ઉમર વધતા ચામડી ઉપર ગુલાબનું ફૂલ ફેરવીએ તો તેના પણ નખોરા વાગે..! સમય-સમયની વાત છે દાદૂ..! વિપક્ષોને જેટલો ડર ભૂત અને ભગવાનો લાગે, એટલો ડર શ્રીશ્રી ભગાને ભીંડાનો લાગે..! શ્રીશ્રી ભગાને ભીંડા ભાવે નહિ, એટલે તો કેલેન્ડરમાં ડાફોળિયાં મારીને જોઈ લે કે, ભાદરવો ક્યારે બેસે છે..?

ખબર નહિ કયા જ્યોતિષીએ લાકડી ફેરવેલી તે, ભીંડા વેચવાવાળાની ત્રાડ સાંભળીને ખાટલે સુતા-સુતા પણ થથરી ઉઠે. કેલેન્ડરમાં ડોકિયું કર્યા વગર કહી દે કે, કયો મહિનો ચાલે..! તરત બરાડે કે, ‘ભીંડો ઉગ્યો ને ભાદરવો બેઠો..!’ અમારા જમાનામાં મોટેભાગે ભાદરવામાં જ ભીંડાનું પ્રાગટ્ય થતું. આજકાલ તો ભીંડામાં પણ ‘ટેસ્ટ-ટ્યુબ’ ની ફોર્મ્યુલા ફાવટ આવી હોય એમ, ભીંડા વગર એકેય મહિનો કોરો નહિ જાય..! એકેય મહિનો એવો ના હોયકે, ભીંડાએ ભીંડો કાઢ્યો ના હોય..! ભણતરમાં મીંડા ને ખાવામાં ભીંડા..! મૂર્ધન્ય કવિ ભગવતીકુમાર શર્માજીની પેલી શાનદાર પંક્તિ યાદ કરાવી દે દાદૂ..! વરસું તો ભાદરવો ને સળગું તો વૈશાખ,  મારી પાસે બે જ વિકલ્પો, ક્યાં આંસુ ક્યાં રાખ..!

 ક્સ્સમથી કહું તો, આ લેખ લખું છું ત્યારે પણ, કેલેન્ડરમાં ભાદરવો જ છે, ને બહાર ધોધમાર નહિ, ધૂંઆધાર વરસાદ છે. વરસાદ એવી બેટિંગ કરે છે કે, જાણે કોઈ નવોઢા એના પ્રીતમને પામવા તોફાને ના ચઢી હોય..? બોયફ્રેન્ડ જેવાં બંને કાંઠાને ‘’ગુડ-બાય’ કરીને નદીઓ તાલીબાની બનીને દરિયાને મળવા આગળ વધી રહી છે..! રસ્તાઓએ પણ જાતીય પરિવર્તન કરાવ્યું હોય એમ, પોતીકું અસ્તિત્વ ગુમાવી નદી બની ગયા. આવી ટાઢીબોર મૌસમ હોય, એમાં જમવામાં ભીંડા હોય, અને ભીંડા સાથે જમનારને બારમો ચંદ્રમાં હોય, તો માણસ કરે શું..? એના કપાળમાં કાંદા ફોડું, ખાધાં પછી એ ભીંડા પેટમાં ફૂટબોલ જ રમતા હોય..!

પેટ છૂટી વાત કરું તો, પેટે પાટા તાણી બાંધીને શ્રાવણ સાથે ભાદરવાના પણ નકોરડા ઉપવાસ કરવાનું ફાવે, પણ આ ભીંડો નહિ ફાવે..! ભર યુવાનીમાં વિધુર થઇ ગયા હોય, એટલો ભીંડો આકરો લાગે. પણ આસોની દિવાળીને પામવી હોય તો, આવાં અગનખેલ પણ કરવા પડે દાદૂ..! એટલે ભીંડામાં ભીંડો કાઢીને ભૂંડા થતાં નથી. કોઈને શનિ નડે. રાહુ નડે. કેતુ નડે કે મંગળ નડતો હશે, પણ અમારા શ્રીશ્રી ભગાને માત્ર ભીંડો નડે..! ગ્રહોના નડતરની કળતર કાઢવા માટે તો ભુદેવોનો આશરો લઈને, જપ-તપને મંત્રોચ્ચારથી પણ ઉપચાર થાય.

પણ ભેજામાંથી ભીંડો કાઢવો એટલે ગરોળીને ગાલ્લીએ જોડવા બરાબર..! ભીંડાના ભજન કોઈએ બનાવ્યા નથી ને ઋષિમુનીઓએ જાપ કરવા માટે કોઈ ‘ભીંડા-મંત્ર’ લખ્યો નથી. એટલે સંતવાણીની માફક ભીંડાવાણી તો કરાય નહિ..! ભીંડા-મંત્ર જ નહિ હોય તો વિધિ પણ કઈ કરાવાય..? આ ભીંડાની બબાલમાં શ્રીશ્રી ભગાએ ત્રણ-ત્રણ વાઈફ બદલેલી, ને ચોથી આવી એ ત્રણેયની ‘નાની’ નીકળી. શ્રીશ્રી ભગાને પિયર લઇ ગયેલી.

જમાઈની ખાતેદારી એવી કરી કે, શ્રીશ્રી ભગાની સાસુએ સાત દિવસ સુધી ભીંડાનું શાક ખવડાવ્યું. એટલું જ નહિ, ઘરે જતી વખતે સાત દિવસ ચાલે એટલા ભીંડા પણ બાંધી આપ્યા..! છેલ્લે શ્રીશ્રી ભગાએ સાસુજીને કહેવું પડ્યું, ‘માતેશ્રી..! હવે ભીંડાનું શાક બનાવવાની તસ્દી નહિ લેતાં. મને ખેતર બતાવી દેજો હું જાતે જ જઈને ચરી આવીશ..! આ ઘટના પછી શ્રીશ્રી ભગાએ સાસરે જવાનું નામ નથી લીધું, ને ભીંડા માંથી ક્યારેય ભીંડો કાઢ્યો નથી..!

લાસ્ટ ધ બોલ
કોઈને છત્તીસગઢ જવાનું થાય અને ભીંડા ખાવાની ની સુગ હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું. એને કોઈ એમ કહે કે, અમે આજે ‘રામકલી’ નું શાક બનાવ્યું છે, તો રામ શબ્દ સાંભળીને બહુ હરખાતા નહિ. કારણ કે, છત્તીસગઢમાં ભીંડાને ‘રામકલી’ કહેવામાં આવે છે! એના કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top