Dakshin Gujarat

ફરી ઠંડીનો ચમકારો: આગામી દિવસોમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધશે

સુરત: (Surat) સુરત શહેરમાં ગત અઠવાડિયે ઠંડી વિદાય લઈ રહી હોય તેમ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે ઠંડીના (Winter) વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ઉત્તરનો પવન ફૂંકાતા ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આવનારા થોડાક દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ઠંડીનો ચમકારો અનુભવાશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર તરફ આગામી 22 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. તેની અસરને કારણે શહેરમાં ફરી ઠંડીની અનુભૂતિ થઈ રહી છે. આગામી બે દિવસ બાદ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની સંભાવના છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન આંશિક ઘટાડા સાથે ૨૯.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે રાતનુ તાપમાન એક ડીગ્રી ઘટાડા સાથે ૧૬.૮ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. શહેરમાં આજે દિવસભર હવામા ૪૩ ટકા ભેજની સાથે પ્રતિ કલાક ૬ કિમીની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાયો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં વિતેલા બે દિવસથી સતત ઉત્તરના ઠંડા પવન ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ બાદ ફરી ઠંડીનો રાઉન્ડ આવશે. જમ્મુ કાશ્મીર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ એક અસર વર્તાઈ રહી છે. જેને કારણે આગામી ત્રણ ચાર દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. અઠવાડિયાના અંત સુધીમાં શહેરમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે અને તાપમાન નીચું જશે. ત્યારબાદ મહિનાના અંત સુધીમાં ધીમે ધીમે ઠંડી વિદાય તરફ જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

નવસારી જિલ્લામાં ઠંડીનો ચમકારો

નવસારી : નવસારી જિલ્લામાં તાપમાન અઢી ડિગ્રી કરતા વધુ ગગડતા ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. નવસારી જિલ્લામાં ગત રવિવારે તાપમાન 12.5 ડિગ્રી નોંધાતા ઠંડી વર્તાઈ હતી. ત્યારબાદ તાપમાન સતત 15 ડિગ્રી આસપાસ રહેતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. જોકે ત્યારબાદ ફરી તાપમાન ગગડી રહ્યું હતું. બુધવારે નવસારી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી ગગડતા 11.4 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી ગગડતા 29.8 ડિગ્રી નોંધાયુ હતું. બુધવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 62 ટકાએ રહ્યું હતું. જયારે આજે પવનોએ દિશા બદલતા ઉત્તર-પૂર્વ દિશાએથી દિવસ દરમ્યાન 3.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top