ભારત સરકાર દ્વારા ઊર્જા સુરક્ષા અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે ₹૩૭,૫૦૦ કરોડની કોલ ગેસિફિકેશન યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જે દેશના વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ પગલું છે. ભારત વિશ્વમાં સૌથી વધુ કોલસાના ભંડાર ધરાવતા દેશોમાં સામેલ છે, જે અંદાજે ૩૮૯ અબજ ટન જેટલો છે. અત્યાર સુધી દેશની ૩૭% થી વધુ વીજળી કોલસા આધારિત પ્લાન્ટ્સમાંથી આવે છે. આ ગેસનો ઉપયોગ ખાતર, મિથેનોલ, એમોનિયા અને અન્ય સિન્થેટિક ઈંધણ બનાવવા માટે થશે. સરકારે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ કરોડ ટન કોલ ગેસિફિકેશન ક્ષમતા ઊભી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ યોજના હેઠળ નવા પ્રોજેક્ટ્સને પ્લાન્ટ અને મશીનરીના ખર્ચના ૨૦% સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે, જેનાથી ૨.૫ થી ૩ ટ્રિલિયનનું રોકાણ આકર્ષાય તેવી અને અંદાજે ૫૦,૦૦૦ નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. ચીન અત્યારે આ ક્ષેત્રમાં મોખરે છે, જ્યાં તે તેના ૬૦% એમોનિયા ઉત્પાદન માટે કોલ ગેસિફિકેશન પર આધાર રાખે છે. અંતે, ભારતની આ વ્યુહરચના માત્ર ઊર્જા નિર્ભરતા ઘટાડવા પૂરતી નથી, પરંતુ તે દેશના ઔદ્યોગિક ક્ષેત્રને વધુ સ્પર્ધાત્મક બનાવવા અને આયાત બિલમાં જંગી ઘટાડો કરીને રૂપિયાને મજબૂત રાખવા માટેનું એક શક્તિશાળી સાધન બની રહેશે. જો આ યોજનાનું અમલીકરણ સફળ રહેશે, તો તે ભારતના ઊર્જા ક્ષેત્રમાં ખરેખર ક્રાંતિકારી પરિવર્તન લાવશે. સુરત – ડૉ. પંકજ જે. ગાંધી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.