Business

જીડીપીના દરમાં વધારાનો દાવો અને જમીની હકીકત

થોડા દિવસ પહેલાં જાહેર થયેલા દેશના ૭.૮ ટકાના જીડીપી દરને લઈને સરકાર દ્વારા ખુશાલી વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત થઈ રહ્યો છે. જોકે, રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સહિત કેટલાક અર્થશાસ્ત્રીઓએ આ જીડીપીના આંકડા અંગે સવાલો ઉઠાવ્યા છે. ખરેખર આ દરમાં કેટલું તથ્ય છે તે તો દેશની જમીની હકીકત જ બતાવશે. સામાન્ય નાગરિક માટે જીડીપીના આંકડા કરતાં રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ ઘટ્યા કે નહીં તે વધુ મહત્ત્વનું છે. દેશની આર્થિક પ્રગતિનો લાભ કોને મળ્યો અને સામાન્ય લોકો સુધી કેમ પહોંચતો નથી, તે સવાલ પણ એટલો જ મહત્વનો છે.

કેટલા શિક્ષિત યુવાનોને નવી નોકરી મળી? બેરોજગારીમાં કેટલો ઘટાડો થયો? લોકોની વાસ્તવિક આવકમાં વધારો થયો કે નહીં? ગરીબીમાંથી કેટલા લોકો બહાર આવ્યા? સરકારના અનાજ પર નિર્ભર લોકોની સંખ્યામાં ઘટાડો થયો કે નહીં? ખેતમજૂરો માટે અન્ય ક્ષેત્રોમાં રોજગારની તકો વધી કે નહીં? એક તરફ કરોડપતિઓની સંખ્યા વધતી હોવાના અહેવાલો આવે છે, ત્યારે બીજી તરફ મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન લોકોના આ સવાલોના જવાબ જરૂરી છે. તેથી જીડીપીના આંકડા સાથે જમીની સ્થિતિનું મૂલ્યાંકન પણ થવું જોઈએ.
સુરત    – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top