Columns

ચીન તાઈવાન પર આક્રમણ કરવા માગે છે કે તેને ડરાવવા માગે છે?

અમેરિકાની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસી તાઈવાન જઈ આવ્યાં તેને કારણે ચીનનું નાક કપાયું છે. નેન્સી પેલોસીનો હવાઈ કાફલો ચીનની બિલકુલ નજીકથી પસાર થઈ ગયો, પણ ચીન તેનો વાળ પણ વાંકો કરી શક્યું નહીં, કારણ કે આ તબક્કે અમેરિકા સામે યુદ્ધ કરવાની ચીનની બિલકુલ તૈયારી નથી. અમેરિકા સામે કોઈ નક્કર પગલાં ભરવામાં નિષ્ફળ ગયેલું ચીન હવે તાઈવાન સામે પોતાની બહાદુરીનું પ્રદર્શન કરી રહ્યું છે. નેન્સી પેલોસીની મુલાકાત પૂરી થઈ કે તરત ચીને તાઈવાનના આકાશમાં પોતાના ફાઈટર જેટ મોકલી આપ્યા હતા. ગુરુવારે તેમણે તાઈવાનના સમુદ્રમાં પાંચ બેલાસ્ટિક મિઝાઇલ છોડ્યાં હતાં. તેમાંનાં કેટલાંક મિઝાઇલ તો જપાનના આર્થિક ઝોનમાં જઈને પડ્યાં હતાં. ચીને તાઈવાનના ટાપુને ચારે તરફથી ઘેરી લીધો છે. તાઈવાનની આજુબાજુ કુલ છ જગ્યાએ ચીનની લશ્કરી કવાયત ચાલી રહી છે, જે રવિવાર સુધી ચાલવાની છે. ચીન તાઈવાન સામે યુદ્ધ ન કરે તો પણ તેને ઘેરો ઘાલીને સપ્લાય લાઈન ખોરવી શકે છે.

તાઈવાનનું અર્થતંત્ર આયાત-નિકાસ પર નિર્ભર છે. ચીન તાઈવાન સામે યુદ્ધ ન કરે પણ તેનાં બંદરોની આજુબાજુ ઘેરો નાખે તો પણ તાઈવાનને યુદ્ધ કરતાં મોટું નુકસાન પહોંચાડી શકે છે. ચીનને આંતરરાષ્ટ્રીય જળસીમામાં લશ્કરી કવાયત કરવાનો અધિકાર છે, પણ તે તેનો દુરુપયોગ કરી રહ્યું છે. ૧૯૯૬ માં ચીને આવી લશ્કરી કવાયત કરી તે ચીન અને તાઈવાન વચ્ચેના સમુદ્રમાં બે ઠેકાણે જ કરી હતી. અત્યારે જે લશ્કરી કવાયત કરવામાં આવી રહી છે તે તાઈવાન ટાપુને ચારે તરફથી ઘેરીને છ ઠેકાણે કરવામાં આવી રહી છે. આ કવાયતને કારણે ઘણી બધી વિમાની કંપનીઓને પોતાની ફ્લાઈટો કેન્સલ કરવી પડી છે. ઘણી સ્ટીમરોને પોતાના રૂટ બદલવાની ફરજ પડી છે. ચીન અને તાઈવાન વચ્ચેની સામુદ્રધૂની માત્ર ૧૩૦ કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. જપાન અને ચીન તેમ જ દક્ષિણ કોરિયા વચ્ચેનો મોટા ભાગનો વહેવાર આ સામુદ્રધૂનીના રસ્તે જ ચાલતો હોય છે.

જાણકારો કહે છે કે વિશ્વમાં જેટલાં કન્ટેનરો દરિયામાંથી પસાર થાય છે, તેમાંનાં અડધા તાઈવાનની સામુદ્રધૂનીના રસ્તે પસાર થાય છે, દુનિયાની ૮૮ ટકા મોટી સ્ટીમરો હોય છે. રોજનું દસ લાખ બેરલ ખનિજ તેલ આ રસ્તે પસાર થતું હોય છે. જો ચીન અને તાઈવાન વચ્ચેની કોલ્ડ વોર લાંબી ચાલે તો આ પરિવહન ખોરવાઈ જતાં દુનિયાના અર્થતંત્ર પર તેની ખરાબ અસર પડી શકે છે. ચીને લશ્કરી કવાયત શરૂ કરી તે પછી જપાનની સ્ટીમર કંપનીએ તેના જહાજોને સૂચના આપી છે કે તેમણે તાઈવાનની સામુદ્રધૂનીથી દૂર રહેવું જોઈએ. દક્ષિણ કોરિયાના પાટનગર સોલ અને તાઈવાનના પાટનગર તાઈપેઈ વચ્ચે જે વિમાની સેવા ચાલતી હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે.

તાઈવાન નાનકડો દેશ છે, પણ વિશ્વની ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેનના ક્ષેત્રમાં તેનું સ્થાન બહુ મહત્ત્વનું છે. દુનિયામાં મોબાઈલ ફોનની જેટલી સેમી કન્ડક્ટર ચીપ બને છે, તેની ૯૦ ટકાનું ઉત્પાદન તાઈવાનમાં થાય છે. ફોક્સકોન નામની કંપની એપલ સહિતની દુનિયાની કંપનીઓને મોબાઈલના સ્પેર પાર્ટ્સ પૂરા પાડે છે. આ કંપનીની ફેક્ટરી તાઈવાનમાં આવેલી છે. ચીને કોરોનાના નામે શાંઘાઇમાં લોકડાઉન નાખીને અમેરિકાની કંપનીઓની સપ્લાય ચેઇન તોડી નાખી હતી, તેમ તે તાઈવાનનો દરિયો બ્લોક કરીને તાઈવાનની સપ્લાય ચેઇન પણ તોડી શકે તેમ છે.

તાઈવાનનું અર્થતંત્ર પણ નિકાસ પર નિર્ભર છે. તાઈવાન જે કુલ નિકાસ કરે છે, તેના ૪૦ ટકા ચીન અને હોંગકોંગમાં કરે છે. જો ચીન તાઈવાનમાંથી આયાત કરવાનું બંધ કરે તો પણ તાઈવાનનું અર્થતંત્ર મુસીબતમાં આવી જાય તેમ છે. ચીને તાઈવાનથી કૃષિવિષયક નિકાસો તો અટકાવી દેવાનો આદેશ પણ કર્યો છે. તાઈવાનની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે બંધ ન થઈ જાય તો પણ ખોરવાઈ જાય તેમ છે. તેને કારણે પણ દુનિયાના અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થઈ શકે તેમ છે. તાઈવાન નાનકડો દેશ છે, પણ તેની પાસે પોતાનું સૈન્ય છે.

તેને અમેરિકા દ્વારા શસ્ત્રસજ્જ કરવામાં આવ્યું છે. ચીને તાઈવાનની નજીક મિઝાઈલો છોડ્યા તે પછી તાઈવાને પણ પોતાની સંરક્ષણ હરોળ મજબૂત બનાવી છે. તેણે પણ પોતાનાં ફાઇટર જેટને તૈયાર રાખ્યાં છે. ચીને દરિયાઈ કવાયત શરૂ કરી તે પછી તાઇપેઇ જતી અને આવતી ૫૦ ફ્લાઇટો કેન્સલ કરી છે. અમેરિકા ઉપરાંત ચીનનું પડોશી જપાન પણ તાઈવાન માટે સહાનુભૂતિ ધરાવે છે.

જપાન પણ ચીન સાથે સરહદી ઝઘડો ધરાવે છે. જપાનના સમુદ્ર નજીક ચીન કૃત્રિમ ટાપુઓ બનાવી રહ્યું છે. નવાઇની વાત એ છે કે તાઈવાન મુદ્દે અમેરિકા સાથેના વિવાદમાં રશિયા પણ ચીનની તરફેણ કરી રહ્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ચીને આંતરરાષ્ટ્રીય ફોરમમાં તેને ટેકો આપ્યો હતો અને તેનો બચાવ પણ કર્યો હતો. હવે ચીને તાઈવાનના સમુદ્રમાં કવાયત ચાલુ કરી તેનો રશિયાએ બચાવ કર્યો છે. રશિયાએ કહ્યું છે કે ચીનને કવાયત કરવાનો સુવાંગ અધિકાર છે. રશિયાએ અમેરિકા પર આક્ષેપ કર્યો છે કે તેણે નેન્સી પેલોસીની મુલાકાત ગોઠવીને નાહકની કટોકટી ઊભી કરી છે.

રશિયા દ્વારા ચીનનું સમર્થન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભારત દ્વારા ચીનના સમર્થનમાં કે વિરોધમાં કોઈ નિવેદન બહાર નહીં પાડવા દ્વારા ચીનને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. ચીન સતત એવી રજૂઆત કરી રહ્યું છે કે ચીન એક દેશ છે, જેનું નેતા સામ્યવાદી ચીન છે. દુનિયાના અમેરિકા સહિતના દેશો વન ચાઈના નીતિને સમર્થન આપે છે, પણ ભારતે ક્યારેય વન ચાઇનાનું સમર્થન કર્યું નથી. ભારતના પાકિસ્તાન અને શ્રીલંકા જેવા પડોશી દેશોને ચીનની ગરજ હોવાથી તેને સમર્થન આપે છે, પણ ભારતે ક્યારેય આ બાબતમાં ચીનનું સમર્થન કર્યું નથી. તાજેતરમાં ચીને તાઈવાનની સામુદ્રધૂનીમાં મિઝાઇલ ફેંક્યા તે બાબતમાં પણ ભારતે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

ભારત સત્તાવાર રીતે ૧૯૪૯ ની સાલથી વન ચાઇના નીતિનું સમર્થક રહ્યું છે, પણ ૨૦૦૮ માં ચીને ભારતના અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ ગણાવવાની શરૂઆત કરી, અરુણાચલથી ચીનની મુલાકાતે આવતાં ભારતનાં નાગરિકોને સ્ટેપલ વીસા આપવાનો પ્રારંભ કર્યો ત્યારથી ભારતે વન ચાઇના નીતિનું જાહેરમાં ઉચ્ચારણ બંધ કર્યું છે. ૨૦૧૦ માં તો ડો. મનમોહન સરકારે સોઈ ઝાટકીને કહી દીધું હતું કે જો ચીન વન ઇન્ડિયામાં ન માનતું હોય તો ભારત વન ચાઇનામાં માનશે નહીં. ૨૦૧૪ માં ભાજપની સરકાર આવી તે પછી પણ ભારતે વન ચાઇના બાબતમાં મૌન સેવી લીધું છે. ભારતે સત્તાવાર રીતે તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો નથી બાંધ્યા પણ સાંસ્કૃતિક સંબંધો જરૂર બાંધ્યા છે. ભારત તાઈવાન સાથે આયાત-નિકાસના વેપારના માધ્યમથી પણ જોડાયેલું છે.

રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી મનાઈ રહ્યું છે કે ચીન તાઈવાન પર હુમલો કરશે અને ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર હુમલો કરશે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે યુક્રેનની મદદ કરવા અમેરિકા કે યુરોપના દેશો આગળ આવ્યા નહોતા, પણ તેવું તાઈવાન બાબતમાં કહી શકાય નહીં. જો ચીન તાઈવાન પર હુમલો કરે તો કદાચ અમેરિકા તાઈવાનની મદદે આવી પણ શકે છે. નેન્સી પેલોસીની મુલાકાત પછી અમેરિકાની તાકાત બહુ વધી ગઈ છે. ચીનના ડ્રેગન પાસે હાલ તો ફૂંફાડો મારીને પોતાની તાકાત બતાડવા સિવાય બીજો
વિકલ્પ નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top