Gujarat

અંકલેશ્વરમાં પૂરના પાણીમાં કરંટ લાગતાં બાળકનો જીવ જોખમમાં મૂકાયો, સેવાભાવી યુવાનોએ સૂઝબૂઝથી સમયસર બચાવ કર્યો

અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી હતી. ખુલ્લા લટકતા વીજતારના સંપર્કમાં આવતાં એક માસૂમ બાળકને કરંટ લાગ્યો હતો, પરંતુ હાજર સેવાભાવી યુવાનોની સમયસરની સૂઝબૂઝ અને બહાદુરીને કારણે બાળકનો જીવ બચી ગયો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સતત બે દિવસથી વરસેલા ભારે વરસાદને કારણે સંજયનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ અગ્રણી સોયેબ ઝઘડીયાવાલા અને તેમની ટીમ અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી અને ફૂડ પેકેટનું વિતરણ કરવા વિસ્તારમાં પહોંચી હતી. રાહત કામગીરી ચાલી રહી હતી ત્યારે નજીકમાં રમતું એક બાળક પાણીમાં રહેલા ખુલ્લા વીજતારના સંપર્કમાં આવી ગયું. કરંટ લાગતા બાળક પાણીમાં જ તરફડવા લાગ્યું. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસ હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને ચીસાચીસ મચી ગઈ.

પરિસ્થિતિની ગંભીરતા સમજીને સોયેબ ઝઘડીયાવાલા અને તેમની સાથે રહેલા યુવાનોએ તરત જ હિંમત અને સમજદારી દાખવી. કોઈ જોખમ લીધા વગર તેમણે લાકડીની મદદથી બાળકના હાથને વીજતારથી અલગ કર્યો. ત્યારબાદ બાળકને તરત જ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું. સમયસર બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી અને બાળકનો જીવ બચી ગયો. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક લોકોએ વરસાદી મોસમ દરમિયાન ખુલ્લા વીજતારને લઈને વીજ વિતરણ કંપની DGVCL સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે પાણી ભરાયેલા વિસ્તારમાં ખુલ્લા વીજતાર રહેવું અત્યંત જોખમી છે અને આવી બેદરકારીના કારણે કોઈ પણ સમયે જાનહાનિ થઈ શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો યુવાનોએ સમયસર હિંમત અને સમજદારી ન દાખવી હોત તો આ ઘટના જીવલેણ સાબિત થઈ શકતી હતી. તેમણે વરસાદી મોસમ દરમિયાન વીજ લાઇનોની નિયમિત તપાસ, ખુલ્લા તારને તાત્કાલિક દૂર કરવા અને જોખમી વિસ્તારોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

Most Popular

To Top