Madhya Gujarat

આણંદમાં છપ્પનભોગ મુખવાસ-મસાલાનો નમૂના ફેઇલ

આણંદ: આણંદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા થોડા સમય પહેલા મુખ્ય બજારમાં આવેલા છપ્પનભોગ મુખવાસ અને મસાલાના નમૂના લેવામાં આવ્યાં હતાં. જેનો લેબ રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં તેને મીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવતા તેને રૂ.50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સબંધિત ઊત્પાદકો- વેપારીઓના સ્થળની મુલાકાત લઈ તેઓના નમૂનાની ચકાસણી કરવામાં આવે છે, મળેલી ફરિયાદોના આધારે જે તે વેપારી દ્વારા વેચાણ કરવામાં આવતી ખાદ્યચીજવસ્તુઓની ખરીદી કરીને તેનું ફુડ એનાલીસીસ પણ કરવામાં આવે છે.

આ કાર્યવાહીના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફિસર દ્વારા આણંદના ટાવર બજારમાં આવેલા મે. છપ્પનભોગ મુખવાસ અને મસાલા સ્વાદ માઉથ ફ્રેશનર મુખવાસ (250 ગ્રામ જાર પેક)ના માલિક પ્રજ્ઞેશકુમાર કેશવલાલ ઠકકરનો નમુનો એફ.એસ.એસ.એ.-2006 અને તે અન્વયેના નિયમો હેઠળ વેચાણથી લઇ ફુડ એનાલીસ્ટ માટે મોકલી આપ્યો હતો. જેના રિપોર્ટમાં આ નમુનો “મીસ બ્રાન્ડેડ” જાહેર થયો હતો. જેમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ (પેકેજીંગ અને લેબલીંગ) રેગ્યુલેશન-2011ની વિવિધ કલમો મુજબ આ નમુનામાં બેચની ઓળખ અને પેકીંગ તારીખ દર્શાવી ન હતી.

આથી, તેને મીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, છપ્પનભોગના માલિક દ્વારા આ નમુનાનું ઉત્પાદન, સંગ્રહ કરીને તથા ફુડ સેફટી ઓફિસરને વેચાણ કરી વિવિધ કલમો તથા કાયદાની જોગવાઇઓનું પાલન કરેલ ન હોવાનું જણાઇ આવતાં તેનું વેચાણ કરતાં હોવાનું સ્પષ્ટ જણાઇ આવતાં આ કામમાં માલિકએ ગુનો આચરેલ હોઇ આ અંગેનો કેસ એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર, આણંદ સમક્ષ ચાલ્યો હતો. જ્યાં નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસે ફુડ સેફટી ઓફિસર દ્વારા કાયદાકીય કલમ-49 અન્વયેની રજૂઆત કરવામાં આવતા મે. છપ્પનભોગ મુખવાસ અને મસાલા સ્વાદ માઉથ ફ્રેશનર મુખવાસ (250 ગ્રામ જાર પેક)ના માલિક પ્રજ્ઞેશકુમાર કેશવલાલ ઠકકરને રૂા. 50 હજારનો દંડ કર્યો છે.

શ્રી મારૂતિ નમકીન ટમટમના ઉત્પાદક ગુરૂ ગોરખનાથ ડેરીને રૂ.20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફિસર દ્વારા આ કામના સાક્ષી અલ્કેશકુમાર મનુભાઇ પટેલની રૂબરૂમાં કરમસદ ખાતે કરમસદ રોડ પર આવેલા ગુરૂ ગોરખનાથ ડેરીના માલિક પાસેની મારૂતિ નમકીન ટમટમ (200 ગ્રામ કંપની પેક પેકેટ)નો નમુનો માનવ વપરાશ માટેના ખાદ્યચીજ તરીકે આણંદના ફુડ સેફટી ઓફિસર દ્વારા એફએસએસએ.-2006 અને તે અન્વયેના નિયમો હેઠળ વેચાણથી લઇ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. જેના રિપોર્ટમાં તે “મીસ બ્રાન્ડેડ” જાહેર કરવામાં આવ્યો હતો.

આથી, નમુનાનું વેચાણ કરતાં વેપારીએ તથા તેનું ઉત્પાદન કરતાં માલિક દ્વારા કાયદાની વિવિધ કલમોની જોગવાઇઓનું પાલન ન કરતાં મુ. કાસોર (ભાલેજ)ના ગુરૂકૃપા વાડી પાસે આવેલી જૈનીશ ગૃહ ઉદ્યોગ ઉત્પાદક પેઢીના માલિક વિનોદભાઇ કાંતિલાલ પટેલ દ્વારા નમુનાનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતાં હોવાનું સ્પષ્ટપણે જણાઇ આવતાં આ કામમાં વેચાણ કરતાં ગુરૂ ગોરખનાથ ડેરીના માલિક વિજયભાઇ પ્રેમચંદ શર્મા અને જૈનિશ ગૃહ ઉદ્યોગ ઉત્પાદક પેઢીના માલિક વિનોદભાઇ કાંતિભાઇ પટેલએ ગુનો આચરેલો હોઇ તેમને ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ધારાની કલમ-52 હેઠળ સંયુકત રીતે રૂ.20 હજારનો દંડ કર્યો છે.

આણંદ સરદારગંજના ભગવતી એન્ટરપ્રાઇઝમાં ગોળનો નમૂનો મિસબ્રાન્ડ થયો
આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 117, સરદાર ગંજમાં આવેલા ભગવતી એન્ટરપ્રાઇઝમાંથી રસિકભાઇ પુંજાભાઇ રાઠોડ પાસેથી કાવેરી શુધ્ધ ગોળ (પેક 950 ગ્રામ જાર-4 જાર) માનવ વપરાશ માટેના ખાદ્યચીજ તરીકે વેચાણથી લઇ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. જ્યાં નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આથી, નમૂનો આપનારા વેન્ડર, વેન્ડર પેઢીના માલિક તથા ઉત્પાદક પેઢીના માલિક આ નમૂનો વેચાણ અર્થે સંગ્રહ કરીને તથા ફુડ સેફટી ઓફિસરને નમુના તરીકે વેચાણ કરી કાયદાની વિવિધ કલમોની જોગવાઇઓનું પાલન ન કરતાં આણંદના 117, સરદાર ગંજમાં આવેલા ભગવતી એન્ટરપ્રાઇઝના નમૂનો આપનાર રસિકભાઇ પુંજાભાઇ રાઠોડ, પેઢીના માલિક જવાહરલાલ છોટાલાલ લાલજી અને નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સાદડવેલ ગામ ખાતે આવેલ એસ.પી. ગોળ ફાર્મ ઉત્પાદક પેઢીના માલિક વિપુલભાઇ ભગુભાઇ ગેડિયાએ ગુનો આચર્યો હતો. જેમને ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ધારાની કલમ-52 હેઠળ સંયુકત રીતે રૂ.20 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

નડિયાદની ક્રિષ્ના હીંગના ઉત્પાદક ધ ન્યુ ભારત હિંગ સપ્લાયીંગના માલીકને દોઢ લાખનો દંડ
આણંદના ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા આ કામના સાક્ષી દશરથકુમાર રમણભાઇ રાણાને બોલાવી ક્રિષ્ના કમ્પાઉન્ડ હિંગનો નમૂનો લઇ લેબમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ નમુનામાં Alcoholic Extract (with 90% alcohol)નું પરિણામ 3.99 ટકા આવ્યું છે. જે ધારાધોરણ કરતાં 5 ટકા કરતા ઓછું હોવું જોઇએ નહીં.

જેથી લેવામાં આવેલા નમૂનો ધારાધોરણ મુજબ ન હોઇ “સબ સ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવતાં ભાવેશકુમાર ઠાકોરભાઇ પટેલ (નમુનો આપનાર માલિક તથા એફ.બી.ઓ.), ભાગ્યોદય ફુડ પ્રોડકટસ (વેન્ડર પેઢી) જૈનવાડી પાછળ, વનતળાવ રોડ, મુ.તા.બોરસદ જિ. આણંદ અને અબ્દુલ્લાહખાન અબ્દુલરહીમખાન પઠાણ (ઉત્પાદક પેઢીના માલિક) ધ ન્યુ ભારત હિંગ સપ્લાયીંગ, કંપની, મરીડા રોડ, નડીઆદ. રહે. પાંજરીગરવાડા, મસ્જિદ પાસે, સકકરકુઇ, અમદાવાદી બજાર, નડીઆદ જિ.ખેડાએ ગુનો આચરેલો હોઇ એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસે મળેલી સત્તાની રૂઇએ નમૂનો આપનારા ભાવેશકુમાર ઠાકોરભાઇ પટેલને રૂ.દસ હજાર અને ઉત્પાદક પેઢીના માલિક અબ્દુલ્લાહખાન અબ્દુલરહીમખાન પઠાણને રૂ. દોઢ લાખનો એમ અલગ-અલગ રીતે દંડ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top