Sports

વર્લ્ડ ચેમ્પિયન કાર્લસને નેઇમેન પર છેતરપિંડીનો આરોપ મૂક્યો

નવી દિલ્હી : ચેસના (Chess) વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસને સાથી ગ્રાન્ડમાસ્ટર હેન્સ નેઇમેન પર તેણે જે સ્વીકાર્યું છે તેના કરતા વધુ છેતરપિંડી (Fraud) કરી હોવાનો આરોપ મૂકીને કહ્યું છે કે તે એવા પ્રતિસ્પર્ધી સામે રમશે નહીં જે આવા ખોટા કામમાં સામેલ છે. જુલિયસ બેર જનરેશન કપમાં આ અમેરિકન સામે માત્ર એક ચાલ બાદ મેચમાંથી ખસી ગયો હતો તેના એક અઠવાડિયા પછી કાર્લસને સોમવારે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડ્યું હતું.

આ પહેલા નોર્વેના 31 વર્ષીય કાર્લસન સેન્ટ લુઇસમાં સિંકફિલ્ડ કપમાંથી પણ નેઇમેન સામેની આશ્ચર્યજનક હાર બાદ ખસી ગયો હતો. કાર્લસને લખ્યું હતું કે હું માનું છું કે નેઇમેને તાજેતરના સમયમાં જાહેરમાં સ્વીકાર્યું છે તેના કરતાં ઘણી વધુ છેતરપિંડી આચરી છે. નેઇમને અગાઉ કબૂલ્યું હતું કે તેણે ચેસ.કોમ પર બે વાર છેતરપિંડી કરી હતી. એકવાર જ્યારે તે 12 વર્ષનો હતો અને બીજી વખત જ્યારે તે 16 વર્ષનો હતો. જોકે તેણે મેચ દરમિયાન છેતરપિંડીનો ઇનકાર કર્યો હતો.
તેણે કહ્યું હતું કે તેની પ્રગતિ અસામાન્ય રહી છે અને સિંકફિલ્ડ કપમાં અમારી ગેમ દરમિયાન મને સમજાયું કે તે બિલકુલ તણાવમાં ન હતો અને નિર્ણાયક ક્ષણોમાં રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત પણ કરી રહ્યો ન હતો. તેણે મને કાળા મોહરાઓ સાથે રમતા મને હરાવ્યો જે થોડા લોકો જ કરી શકે છે. કાર્લસને કહ્યું હતું કે આ ગેમથી મારો દૃષ્ટિકોણ બદલાઇ ગયો હતો.

Most Popular

To Top