Dakshin Gujarat

વાપીથી દાહોદ જતી STનો ડ્રાઇવર કઈ હાલતમાં હતો કે બસ હંકારતા તેની ધરપકડ કરવામાં આવી

ઘેજ : દાહોદ જતી બસનો (Bus) ડ્રાઇવર (Driver) નશાની હાલતમાં બસ હંકારતા મુસાફરોને શંકા જતા મહિલા કંડકટરને જાણ કરવામાં આવી હતી. બનાવની પોલીસ (Police) મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાપીથી દાહોદ તરફ જતી એસટી બસ નં જીજે-૧૮-ઝેડ-૫૧૩ સવારના છ વાગ્યાના સમયે વાપી ડેપોથી નીકળી દાહોદ જતી હતી. જેમાં ડ્રાઇવર તરીકે જીજ્ઞેશસિંહ પ્રવિણસિંહ રાઠોડ (ઉ.વ-૩૭ રહે.કાકણપુર ડેમચા ફળીયા તા.ગોધરા જી.પંચમહાલ) અને કંડકટર સગુણાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ (રહે. પીપલોદ માતાના વડ ફળિયું તા.દેવગઢ બારીયા જી.દાહોદ) ફરજ ઉપર હતા.

બસ વલસાડથી સાતેક વાગ્યાના અરસામાં નીકળી ચીખલી તરફ આવી રહી હતી. દરમ્યાન એસટી બસમાં બેસેલા મુસાફરને ડ્રાઇવર નશો કરી બસ હંકારતો હોવાની શંકા જતા જે બાબતે મહિલા કંડકટરને ફરિયાદ કરી બસ અધવચ્ચે થોભાવવાની વાત કરતા મહિલા કંડકટરે બસને ચીખલી એસટી બસ સ્ટેન્ડ લાવી ડેપોના ઇન્ચાર્જને બનાવ અંગે જાણ કરતા તેમણે બીલીમોરા ડેપોના અધિકારીને જાણ કરી હતી. જેઓ ચીખલી એસટી બસ ડેપો ખાતે આવી બીથ એનિલાઈઝર મશીન દ્વારા બસ ડ્રાઇવરનો આલ્કોહોલ ટેસ્ટ કરાતા આલ્કોહોલ નીકળ્યો હતો. બનાવ અંગે ચીખલી પોલીસે સ્ટેશનને જાણ કરતા પોલીસ બસના ડ્રાઇવર જીજ્ઞેશસિંહ પ્રવિણસિંહ રાઠોડની ધરપકડ કરી કંડકટર સગુણાબેન પટેલની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પીએસઆઇ-એસ.જે.કડીવાલા કરી રહ્યા છે.

એલસીબીએ ઘોલના પાટિયા પાસેથી દારૂ ભરેલી કાર સાથે 2ને ઝડપી લીધા
નવસારી, બીલીમોરા : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ઘોલગામના પાટિયા પાસેથી 80 હજાર રૂપિયાની વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સહીત 3 ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ગણદેવી તાલુકાના ઘોલગામના પાટિયા પાસે એસ.આર. પેટ્રોલપંપની સામેથી ફોકસ વેગન જેટ્ટા કાર (નં. ડીડી-03-ટી-0033) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને વિદેશી દારૂની 80,400 રૂપિયાની વિદેશી દારૂની 540 નંગ બાટલીઓ મળી આવતા વાપી તાલુકાના કબ્રસ્તાન રોડ બસ ડેપો પાસે માં-એપાર્ટમેન્ટમાં રહેતા વિનય ઉર્ફે મુનાવર જયકિશન થાપા અને દમણ ખારીવાડ એસ.પી. દમણીયા બિલ્ડીંગમાં રહેતા સમ્સ સલીમ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિનય ઉર્ફે મુનાવર અને સમ્સની પૂછપરછ કરતા વાપીના ચલામાં રહેતા ભિનેષ રજનીકાંત ભાવસાર અને વાપી તાલુકાના કબ્રસ્તાન રોડ બસ ડેપો પાસે માં-એપાર્ટમેન્ટમાં રહેતા અયાઝ એહમદઅલી સૈયદે વિદેશી દારૂ ભરાવી આપ્યો હતો અને સુરતમાં રહેતા ખુશ્બુદ્દીને દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે ભિનેષ, અયાઝ અને ખુશ્બુદ્દીનને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખની કાર, રોકડા 400 રૂપિયા અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 5,85,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top