Gujarat

વડોદરાનો જોષી પરિવાર 6 દિવસથી લાપતા, પોલીસને મકાનમાંથી 13 પાનાંની બે ચિઠ્ઠી મળી

વડોદરાના (Vadodra) ડભોઇનો જોષી પરિવાર છેલ્લા 6 દિવસથી ગુમ હોવાની ઘટના ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે.  પરિવારના ચારેય વ્યક્તિઓ ગુમ (Missing) થતા હાલ શોધખોળ હાથ ધરાઇ છે. શહેરની કપુરાઇ ચોકડી ખાતે રહી પરિવાર પોતાનું ગુજરાન ચલાવતા હતા. જેમાં પરિવારના મુખ્ય વ્યક્તિ રાહુલ જોષી હંગામી શિક્ષક છે. પરિવારમાં પત્ની નીતા, પુત્ર પાર્થ અને પુત્રી પરી મળીને 4 લોકો લાપતા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને (Police) બંધ મકાન ખોલતા શિક્ષક દ્વારા લખવામાં આવેલી 13 પાનાની ચિઠ્ઠી (Notes) મળી આવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલા કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતા શિક્ષક પોતાના પરિવાર સાથે રહસ્યમય ગુમ થઇ જતા ચકચાર મચી ગઈ છે. પરિવાર તેમનું મકાન બંધ કરીને 6 દિવસથી ગુમ છે. પોલીસે ગુમ થનાર શિક્ષકના ભાઈને સાથે રાખી મકાન ખોલ્યું હતું. મકાનમાંથી પોલીસને એક 10 પાનાંની અને બીજી 3 પાનાંની એમ બે ચિઠ્ઠી મળી આવી હતી. પોલીસ દ્વારા પરિવારને શોધી કાઢવા માટે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ છે.

ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?
પોલીસને મળેલી ચિઠ્ઠીમાં શિક્ષકે લખ્યું હતું કે ‘અમારા મોત માટે 4 લોકો જવાબદાર છે તેઓને સજા અપાવજો.. અમારી મોત માટે નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે’ આ ઉપરાંત અન્ય ચોંકાવનારી વિગતો લખી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસને મકાનમાંથી શિક્ષક પરિવારના ચાર સભ્યોના મોબાઇલ ફોન મળી આવ્યા છે.

વડોદરાના કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઈકોનમાં ત્રીજા માળે 303 નંબરના મકાનમાં રાહુલ જોશી પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરી રહેતાં હતાં. મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને ટ્યૂશન કરાવતા હતા. તેઓએ તેમનો ફલેટ મોર્ગેજ મૂકીને 29 લાખ રૂપિયાની લોન લીધી હતી. તેમણે હોટલના ધંધા માટે લોન લીધી હતી. જે કપુરાઈ પાસે હોટલ ધરાવતા નિરવના નામે લેવાઈ હતી. હોટલ માટેની લોન લીધા બાદ ધંધો ન ચાલતા આર્થિક ભીંસ શરૂ થઇ હતી. એક બાજુ મકાનનો હપ્તો અને બીજું ધંધા માટે લીધેલી લોન બંનેના હપ્તા ચાલુ થતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. તેમના પાડોશીઓએ નિવેદન આપતા કહ્યું કે તે લોકો આર્થિક સંકડામણમાં હતા. ફ્લેટના સભ્યો પાસેથી પણ તેઓએ રૂપિયા લીધા હતા.

રહસ્યમય રીતે ગુમ થયેલા શિક્ષક રાહુલ જોશી અને તેમના પરિવારની કોઇ ભાળ ન મળતાં પાણીગેટ પોલીસ મથકના PSI આર.એચ. સિદ્દીએ શિક્ષકના ભાઇ પ્રણવભાઇને સાથે રાખી મકાન ખોલાવ્યું હતું. મકાન ખોલતાંની સાથે જ મુખ્ય હોલમાં ટિપોઇ ઉપર એક 10 પાનાં અને બીજી 3 પાનાંની ચિઠ્ઠી પોલીસને મળી આવી હતી. પોલીસને મકાનમાંથી પરિવારના તમામ ચાર સભ્યોના મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કર્યાં હતા. રાહુલભાઈના ભાઇ પ્રણવ જોષીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાના ભાઈના પરિવારને શોધી આપવા તેઓએ સોશિયલ મીડિયા ઉપર તેઓએ અપીલ પણ કરી છે. પોલીસે ગુમ થયાની ફરિયાદ લઇને પરિવારની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top