Madhya Gujarat

લુણાવાડા પાલિકાની બહાર જ પશુઓનો અડીંગો

લુણાવાડા : લુણાવાડાનો વહીવટી કેટલો ખાડે ગયો છે, તે પ્રજાના પ્રશ્નોના ઉકેલ પરથી જોઇ શકાય છે. શહેરભરમાં રખડતા પશુઓનો ત્રાસ છે, પ્રજા પરેશાન છે. એટલે હદ સુધી કે હવે તો પાલિકાના આંગણે પણ રખડતાં પશુઓનો અડીંગો જોવા મળે છે. જેના કારણે અવર જવર કરતા કર્મચારી અને અરજદારોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. અંદરોઅંદર એવો કટાક્ષ પણ થાય છે કે, આ પશુ કોઇ કાઉન્સીલરને શીંગડે ચડાવે તો ચોક્કસ સમસ્યાના નિરાકરણ માટે પગલાં ભરાશે.
લુણાવાડાના તમામ જાહેર માર્ગો પર રખડતાં ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે.

જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવી બેસેલા જોવા મળે છે. ટ્રાફિકમાં અડચણરૂપ ઢોર ક્યારેક અકસ્માતનું પણ કારણ બને છે. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાએ ઢોર પકડવાની કામગીરી સદંતર બંધ કરી દીધી છે. વાહન ચાલક અને રાહદારીઓને ઢોરના ત્રાસથી જીવ ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે.

લુણાવાડા નગરથી પસાર થતાં ચારમાર્ગીય રસ્તા સહિત પરશુરામ ચોક, જિલ્લા સેવા સદન માર્ગ, જૈન સોસાયટી, ચાર કોશિયા નાકા વિસ્તાર બીએસએનએલ ઓફિસ વિસ્તાર, માંડવી બજાર ઘાંટી વિસ્તાર સહિત સોસાયટી વિસ્તારો તેમજ હાઇવેને જોડતા રસ્તા પર પણ રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. મોટા પ્રમાણમાં રસ્તા પર ઢોર બેસેલા જોવા મળે છે. રસ્તાઓ પર રખડતા ઢોરનો આંતક સતત વધી રહ્યો છે. અનેક વાર આ રખડતા ઢોર રસ્તેથી પસાર થતાં વાહન અને માનવીને અડફેટે લઈ ઘાયલ કરે છે.

રસ્તે પસાર થતાં વાહન ચાલક, શાળાના બાળકો અને વૃધ્ધોને જીવના જોખમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓના વાહનોને આ રખડતાં ઢોર રોકે છે, છતાં પણ તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. સત્તાધીશો માત્ર ઢોર પકડવાની કામગીરી કાગળ પર જ દેખાડે છે, કોઇ નેતા કે અધિકારીને અડફેટે લે ત્યારે કોઇ કાર્યવાહી થશે ? તેવો સવાલ પુછાઈ રહ્યો છે. આવનારા સમયમાં તહેવારો આવતા હોઇ જેને લીધે લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેમજ જીવના જોખમે રસ્તા પર નીકળવું પડતુ હોઇ તંત્ર દ્વારા યોગ્ય અને ઝડપી પગલાં લેવા માંગ ઉઠી છે.

Most Popular

To Top