ડિગ્રી- ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા કોઈપણ ગ્રુપના ઉમેદવાર ગુજકેટ આપી શકશે

એન્જિનિયરિંગ (Engineering)) અભ્યાસક્રમોની પ્રવેશ (Admission) લાયકાતના ધોરણો નવી શિક્ષણ નીતિ અનુરૂપ કરવામાં આવ્યા છે. ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ગ્રુપ ‘એ’, ‘બી’ અને ‘એ-બી’ ના તમામ ઉમેદવાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)- 2022 આપી શકશે. એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ વર્ષ 2022- 23થી ઇજનેરીની તમામ શાખામાં આઆઈસીટીઈ દ્વારા સૂચવેલા વિષયો પૈકી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે ગણિતશાસ્ત્ર કે વિજ્ઞાન કે બાયોટેકનોલોજી વિષયના થીયરી ગુણ આધારિત મેરિટ બનાવી પ્રવેશ આપવામાં આવશે. જેમાં ઉપરોક્ત વિષય સાથે અન્ય વિષયોમાં કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, બિઝનેસ સ્ટડી, એન્ટરપ્રિન્યોરશીપ ટેકનિકલ વોકેશનલ વિષયમાં વિષયમાં 45 ટકા માર્ક્સ (અનામત કેટેગરી માટે 40 ટકા માર્ક્સ) સાથે પાસ કરેલી હોવી જોઈએ. પ્રવેશના મેરિટ માટે ભૌતિકશાસ્ત્ર અને રસાયણિકશાસ્ત્ર સાથે ગણિતશાસ્ત્ર કે જીવવિજ્ઞાન જેવા અન્ય સંબંધિત વિષયોની પ્રવેશ પરીક્ષા ધ્યાને લેવાની રહેશે.

આર્થિક બોજ ઘટાડવાના નામે સુરતની નર્મદ યુનિ. પોતાના 28 પીજી સેન્ટરને તાળા મારી દેશે

સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આર્થિક બોજો ઘટાડવા માટે દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ચાલતા 28 જેટલા પી.જી સેન્ટરને તાળા મારી દેવાનું નક્કી કર્યું છે. જે સેન્ટરોમાં કોમર્સ તેમજ આર્ટસમાં 25 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા હોય, કે પછી સાયન્સમાં 20 કરતા ઓછા વિદ્યાર્થીઓ મળતા હોય તેવા તમામ સેન્ટરોના ચાલુ વર્ષના પ્રવેશ પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

પ્રતિ કલાક કર્મચારીઓને લાખો રૂપિયાનો પગાર, યુનિવર્સિટીમાં બાંધકામમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી રહેલા વર્તમાન શાસકોએ ગત સેનેટની બેઠકમાં યુનિવર્સિટીમાં તત્કાલીન કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાનાં અંધકારયુગનો અંત આવ્યો હોય, અને હવે પ્રકાશયુગનો આરંભ થયો હોવાનો ઉવાચ કર્યો હતો. એક તરફ યુનિવર્સિટી દ્વારા કહેવાતી ટેકનોલોજી અને પ્રતિ કલાક કર્મચારીઓનાં પગાર ભથ્થા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જયારે બીજી તરફ આર્થિક બોજો ઘટાડવા માટે દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ચાલતા 28 જેટલા પી.જી સેન્ટરને બંધ કરી દેવાનો નિર્ણય કરતા યુનિવર્સિટીમાં નવા વિવાદનો ઉમેરો થયો છે.

યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23ની પી.જીની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હોવાથી જે સેન્ટરોમાં કોમર્સ તેમજ આર્ટસનાં અભ્યાસક્રમમાં 25 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા હોય, કે પછી સાયન્સમાં 20 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવા 28 સેન્ટરના પ્રવેશ સ્થગિત કરવાનો નિર્ણય બીયુટી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં એમ.એ.ઇંગ્લીશ, ગુજરાતી, હિન્દી, ઇકોનોમિક્સ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા પી.જી ડિપ્લોમાં ઇન જર્નાલીઝમ, ડી.આર.બી કોલેજના 1 વર્ષ પહેલા જ શરૂ કરવામાં આવેલા એમ.એસ.સી મેથ્સ, યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં ચાલતા પી.જી.ડિપ્લોમાં ઇન ટેકસોલોજી, સહિતના અભ્યાસક્રમનો સમાવેશ થઇ રહ્યો છે. યુનિવર્સિટીની બીયુટી દ્વારા જે 28 સેન્ટરોનાં પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યા છે, તે સેન્ટરોને સંભવત આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવશે.

Most Popular

To Top