આજે નડાલ અને મેદવેદેવ વચ્ચે ફાઇનલ જંગ

ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં 30 જાન્યુઆરી ને રવિવારે રાફેલ નડાલ અને ડૈનિલ મેદવેદેવ વચ્ચે ટક્કર થશે. રાફેલ નડાલ 21મો ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીતવાથી માત્ર એક કદમ દૂર છે. જો નડાલ આ ફાઇનલમાં ડૈનિલ મેદવેદેવને હરાવીને ખિતાબ જીતી લે તો તેમનું નામ ઇતિહાસમાં લખાઈ જશે. નડાલ 21મો ગ્રેન્ડસ્લેમ જીતનાર દુનિયામાં પ્રથમ ટેનિસ ખેલાડી બની શકે છે. હાલમાં ટેનિસનાં ત્રણેય મોટાં નામ રોજર ફેડરર, નોવાક જોકોવિચ અને રાફેલ નડાલ 20 ગ્રેન્ડસ્લેમ ખિતાબ સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે. આ ત્રણેય વચ્ચે જ 21મો ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીતવા માટે સ્પર્ધા છે.

સ્વિસ ટેનિસ ખેલાડી રોજર ફેડરર ફિટનેસના કારણે તો નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન યોજાય એ પહેલાં થયેલા વેક્સિન પાસપોર્ટ અને વિઝા વિવાદના કારણે આ ગ્રેન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્યા નથી. તેઓની ગેરહાજરીમાં રાફેલ નડાલને 21મો ગ્રેન્ડસ્લેમ જીતીન રેકોર્ડ બનાવવાનો પૂરો મોકો છે. અત્યાર સુધી ફક્ત એક વાર જ રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. રાફેલ નડાલે વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. રવિવારે નડાલ રુસના ડૈનિલ મેદવેદેવ સામે મેદાનમાં ઊતરશે. એટીપી રેકિંગમાં નંબર 5મા ખેલાડી રાફેલ નડાલ અને નંબર 2ના ખેલાડી ડૈનિલ મેદવેદેવ વચ્ચે અત્યાર સુધી 4 વાર ટક્કર થઈ ચૂકી છે.

જેમાં 3 વાર રાફેલ નડાલ અને 1 વાર ડૈનિલ મેદવેદેવે જીત નોંધાવી છે. આવો ઉજ્જવળ રેકોર્ડ હોવા છતાં નડાલ માટે ડૈનિલ મેદવેદેવને હરાવવો બિલકુલ આસાન નથી. વર્ષ 2019માં યુએસ ઓપનની ફાઇનલમાં બન્ને એકબીજા સામે ઊતર્યા હતા. એ મુકાબલામાં રાફેલ નડાલે ડૈનિલને એક મજબૂત સંઘર્ષ બાદ 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી હરાવ્યો હતો. આ મુકાબલા બાદ ટેનિસની દુનિયામાં ડૈનિલ મેદવેદેવની એક ઉત્તમ ખેલાડી તરીકે ઓળખ થઈ.

Most Popular

To Top