Columns

મોહ ભંગ

એક આશ્રમમાં પ્રખ્યાત અભિનેત્રી ગુરુની શિષ્યા બની આવી.બધું જ છોડીને તે આશ્રમમાં ગુરુજી પાસે શાંતિની શોધમાં આવી હતી.અભિનેત્રી ખૂબ જ સુંદર હતી.તેના રૂપ પાછળ બધા ઘેલા ઘેલા થતાં હતા. અભિનેત્રીએ બધું છોડ્યું હતું પણ પોતાના રૂપનો મોહ અને સભાનતા તેનાથી છૂટી ન હતી.બધા તેની સામે આવતા જતાં જોઈ રહેતા ત્યારે તે મનોમન રૂપનું અભિમાન કરતી. આશ્રમમાં ગુરુજીનો ખાસ શિષ્ય આ અભિનેત્રીના રૂપથી એકદમ સંમોહિત થઇ ગયો હતો.અભિનેત્રી પ્રાર્થનામાં કે પ્રવચનમાં આવે પછી તે તેને જ જોઈ રહેતો ત્યાર બાદ તેનું ધ્યાન પ્રાર્થના કે ગુરુજીના ઉપદેશ પર ન રહેતું.ગુરુજીની પારખી નજરથી આ છાનું ન રહ્યું.ગુરુજી બરાબર સમજી ગયા કે આ અભિનેત્રી શિષ્યાનું મન આમ સાફ છે, પણ હજી રૂપનો ગર્વ ઓછો થયો નથી.આ મારો ખાસ શિષ્ય આટલાં વર્ષોથી અહીં છે, ધ્યાન અને ભક્તિ કરે છે, પરંતુ ફરી અભિનેત્રીના રૂપની મોહપાશમાં જકડાઈને જીવનમાં પાછળ પડી રહ્યો છે.

અભિનેત્રીનું અભિમાન દૂર કરી તેના અંતરને પવિત્ર કરવા અને પોતાના ખાસ શિષ્યને ભૂલ સમજાવી સાચા રસ્તે વાળવા ગુરુજીએ એક યુક્તિ કરી. સૌથી પહેલાં તેમણે અભિનેત્રીને પોતાની પાસે બોલાવી કહ્યું, ‘તારું અંતર આમ તો ઘણું સાફ છે પરંતુ શરીર અને મનમાં રહેલા બધા વિકારો સાફ થઇ જાય પછી જ હું તને આગળનું મહત્ત્વનું જ્ઞાન આપી શકીશ. તે માટે તારે આ કાઢો એક અઠવાડિયા સુધી પીવો પડશે અને તેનાથી તારા શરીર અને મનનો કચરો નીકળી જશે અને તું શુદ્ધ થઈ જઈશ. પછી તને હું આગળનું જ્ઞાન આપીશ અને હા, આ કાઢાની આદત રૂપે તને ઝાડા ઉલટી થશે તો તારે જરા ધ્યાન રાખવું પડશે.’ અભિનેત્રી રોજ કાઢો પી ને અંતરમન અને શરીર શુદ્ધ કરવા તૈયાર થઇ ગઈ.તે રોજ ગુરુજીએ આપેલો કાઢો પીવા લાગી.તેને ઝાડા ઊલટી થવા લાગ્યાં.શરીર અશક્ત થઇ ગયું.બે દિવસમાં તો તેણે ખાટલો પકડી લીધો.તે પોતાની કુટીરની બહાર નીકળતી ન હતી.

આ બાજુ ત્રણ ચાર દિવસથી અભિનેત્રીને ન જોતાં પેલો શિષ્ય આકુળવ્યાકુળ રહેવા લાગ્યો.તેનું મન સતત તેના વિષે વિચારતું અને ક્યાંય ધ્યાન ના રહેતું.સાત દિવસ થઇ ગયા. અંતે હિંમત કરી તેણે ગુરુજીને પૂછી લીધું, ‘ગુરુજી, પેલા અભિનેત્રી સાત દિવસથી પ્રાર્થનામાં આવતા નથી. તમે આજ્ઞા આપો તો હું તેમને કોઈ તકલીફ નથી કે તેઓ બીમાર નથી તેની તપાસ કરી આવું.’ ગુરુજી હસ્યા અને ધીમેથી બોલ્યા, ‘ચાલ , આપણે બન્ને તેની કુટિરમાં જઈએ.

શિષ્ય કુટિરમાં જઈને અભિનેત્રીની બીમાર હાલત અને સાવ નિસ્તેજ રૂપ જોઇને ઓળખી જ ન શક્યો. અભિનેત્રી પણ અરીસામાં પોતાને ઓળખી ન શકી તેવો તેનો ચહેરો થઈ ગયો હતો.બન્ને ગુરુજી સામે જોઈ રહ્યા.ગુરુજી બોલ્યા, ‘રૂપનો ગર્વ ખોટો અને રૂપનો મોહ ખોટો…’ બંનેને ગુરુજી શું કહેવા માંગે છે તે સમજાઈ ગયું.આંખો ખુલી ગઈ.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top