Dakshin Gujarat

આ લો સાહેબ, બુટલેગરોની યાદી, હવે કાર્યવાહી કરો: આવેદન

બારડોલી : બારડોલી (bardoli) તાલુકાના સરભોણ ગામે દેશી અને વિદેશી દારૂ (liquor)ના અડ્ડા બંધ નહીં થતાં ગ્રામજનો (villagers)માં રોષ જોવા મળી રહ્યો છે. સોમવારના રોજ સરભોણના જાગૃત નાગરિકો દ્વારા બારડોલી પ્રાંત અધિકારી તેમજ પોલીસ વિભાગને બુટલેગરોની યાદી (bootlegger list) સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સરભોણમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અડ્ડા બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બારડોલી તાલુકાના સરભોણ ગામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા. જેને ગ્રામજનોએ બંધકારવી દૂષણ ખત્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે-તે સમયે ગ્રામજનોએ પોલીસ અને વહીવટી તંત્રને બુટલેગરોનાં નામ સાથે ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે થોડા સમય માટે દેખાવ પૂરતાં પગલાં ભરી ગ્રામજનોએ બંધ કરાવેલા અડ્ડા ફરી ચાલુ કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ ગ્રામજનોને પૂરો સહયોગ આપી ગામમાં દારૂના અડ્ડા બંધ કરાવી બુટલેગરોની સામે કડક કરયાવહઇ કરે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ જો દારૂના અડ્ડા બંધ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગામના નાગરિકો બુટલેગરોથી ત્રાસી ગયા છે. પોલીસની છત્રછાયામાં બુટલેગરોની દાદાગીરી હવે ગ્રામજનો ચલાવવા માંગતા નથી. આથી વહેલી તકે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પોલીસને તાકીદ કરવામાં આવી છે. જો તેમ નહીં કરવામાં આવે તો ગામમાં સ્થિતિ વણસી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગની રહેશે એવી પણ ચેતવણી આપવામાં આવી છે.

થોડા સમય દારૂ બંધ રહેતાં જીવનધોરણમાં સુધારો આવ્યો હતો

સરભોણ ગામમાં ગ્રામજનોએ દારૂના અડ્ડા બંધ કરાવતા ગામના ગરીબ આદિવાસીઓમાં આર્થિક, સામાજિક અને પરિવારિક જીવનધોરણમાં સુધારો જોવા મળ્યો હોવાનો પણ દાવો આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. દારૂનું દૂષણ બંધ થવાથી ગામમાં લડાઈ ઝગડા બંધ થયા હતા અને એકતાનું વાતાવરણ સર્જાયું હતું. સૌથી મહત્વની વાત તો એ હતી કે દારૂબંધીના કડક અમલથી મહિલાઓને ખૂબ જ શાંતિ થઈ હતી. દારૂનું દૂષણ બંધ થતાં વિદ્યાર્થી અને યુવાનોમાં પણ ઘણા સુધારો જોવા મળ્યા હતા. પરંતુ આવા હકારાત્મક પરિવર્તન વચ્ચે ગામમાં કેટલાક સ્થાનિક રાજકીય આગેવાનોના ઓથા હેઠળ અને સ્થાનિક પોલીસની મદદગારીથી ફરીથી સરભોણમાં બુટલેગરોડ દ્વારા દાદાગીરી સાથે અડ્ડા ધમધમવા લાગ્યા હોવાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો હતો.

આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલા બુટલેગરોની યાદી

હસમુખ શંકર રાઠોડ (કોળી ફળિયું), ભીખા જમાલ નાયકા (કોળી ફળિયું), જયેશ જગદીશ રાઠોડ (કાજી ફળિયું), રાજુ ચીમન હળપતિ (કાજી ફળિયું), ગીતા અરવિંદ હળપતિ (ખત્રીમોરા), અરવિંદ છીતુ ચૌધરી (નવાગાળા ફળિયું), મનોજ શુક્કર રાઠોડ (આસપાસ), આશિષ ગોમાન રાઠોડ (આસપાસ), વિજય ઈશ્વર ચૌધરી (ચૌધરી ફળિયું), વિશાલ મુકેશ ચૌધરી (ચૌધરી ફળિયું), રમેશ રમણ ચૌધરી (નહેર ફળિયું), ઠાકોર વલ્લભ હળપતિ (રાણત ફળિયું), ભૂરી સુમન રાઠોડ (રાણત ફળિયું)

Most Popular

To Top